ઝૉલવરાઇન સંઘ : જર્મન ભાષામાં ‘ઝૉલવરાઇન’ (zollverein) તરીકે જાણીતો (જર્મન) જકાતી સંઘ. તેની સ્થાપના પ્રશિયાના નેતૃત્વ હેઠળ 1834માં કરવામાં આવી, પરિણામે તે સમયના જર્મનીમાં આવેલાં મોટાભાગનાં રાજ્યો વચ્ચેની જકાતી દીવાલ નાબૂદ કરવામાં આવી અને મુક્ત વ્યાપારનો વિસ્તાર રચવામાં આવ્યો. મુક્ત અર્થતંત્રના સિદ્ધાંતનું પ્રતિપાદન કરતા ફ્રેડરિક લિસ્ટ જેવા જર્મન અર્થશાસ્ત્રીઓના પ્રભાવ હેઠળ જર્મન રાજ્યોમાં મુક્ત વ્યાપારના આંદોલનને વેગ મળ્યો. 1818માં પ્રશિયાએ કાયદા દ્વારા આંતરિક જકાત નાબૂદ કરી અને તેની સરહદે આવેલાં જર્મન રાજ્યો સાથે પણ મુક્ત વ્યાપાર સ્થાપવાની પોતાની ઇચ્છાની જાહેરાત કરી. તેથી 1822 સુધીમાં પ્રશિયાના નેતૃત્વ હેઠળ બીજાં છ રાજ્યો સહિત ઉત્તર જર્મનીનાં રાજ્યોનો જકાતી સંઘ રચાયો; પરંતુ ઑસ્ટ્રિયા તેમજ બીજાં જર્મન રાજ્યોને પ્રશિયન આધિપત્યની બીક હતી. તેથી ઝૉલવરાઇન સંઘની રચના વિલંબમાં પડી. 1828માં દક્ષિણ જર્મનીમાં બવેરિયા અને વુર્ટેમ્બર્ગ વચ્ચે પણ અલગ જકાતી સંઘ રચવામાં આવ્યો. 1828માં મધ્ય યુરોપનાં રાજ્યોએ પણ પોતાના અલગ જકાતી સંઘની સ્થાપના કરી. 1834માં છેવટે ઝૉલવરાઇન સંઘની સ્થાપના કરવામાં આવી અને 10 વર્ષ પછી ઑસ્ટ્રિયા, હૅનોવર, ઓલ્ડેનબર્ગ, મેકલેનબર્ગ અને ત્રણ હન્સ શહેરોને બાદ કરતાં બધાં જર્મન રાજ્યો તેમાં જોડાયાં.

ઝૉલવરાઇન સંઘની રચના રાજકીય ર્દષ્ટિએ પ્રશિયાનો ઑસ્ટ્રિયા પર મહત્વનો વિજય હતો. તેના મૂળ હેતુથી આગળ વધીને તે જર્મનીના સમવાયી સંઘના સ્વરૂપમાં લગભગ પરિવર્તિત થયો અને એ રીતે રાષ્ટ્રીય ફલક પર વ્યાપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું. આમ ઝૉલવરાઇન સંઘ દ્વારા આર્થિક હિતોની એકતાએ પ્રશિયાના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય હિતોની એકતાની ભૂમિકા તૈયાર કરી.

ર. લ. રાવલ