ઝેટોપેક, એમિલ

January, 2014

ઝેટોપેક, એમિલ (જ. 19 સપ્ટેમ્બર, 1922, કોપ્રિવનિચ, ચેકોસ્લોવૅકિયા; અ. 22 નવેમ્બર 2000) : વિશ્વનો મહાન દોડવીર. તેના પિતાને ખેલકૂદમાં રસ નહોતો તેથી એમિલને નાનપણમાં ખેલકૂદની કોઈ તાલીમ પ્રાપ્ત થઈ શકી નહિ. જ્યારે તે 19 વર્ષનો થયો ત્યારે ઓચિંતાં તેને લાંબા અંતરની દોડ દોડવાની તીવ્ર ઇચ્છા જાગ્રત થઈ અને આ રીતે 19 વર્ષની ઉંમરથી તેણે દોડવાની શરૂઆત કરી. બાબ શૂ કંપનીમાં સામાન્ય નોકરી કરનાર એમિલે નિયમિત રીતે દોડવાનો અભ્યાસ ચાલુ રાખ્યો. તે દરરોજ 32 કિમી. દોડતો હતો.

એમિલ ઝેટોપેક

તેને વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપનાર કોઈ રાહબર ન હતો. તે મક્કમપણે માનતો હતો કે સફળતા માટે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. 1948ના ઑલિમ્પિક રમતોત્સવમાં તેણે 10,000 મી. દોડમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. 1952માં હેલસિન્કી મુકામે આયોજિત ઑલિમ્પિક રમતોત્સવમાં તેણે 5000 મી., 10,000 મી. અને મૅરેથૉનની દોડ જીતી વિશ્વમાં ‘માનવ લોકોમોટિવ’ તરીકેની પ્રસિદ્ધિ મેળવી. 1956માં મેલબૉર્ન મુકામે આયોજિત ઑલિમ્પિક રમતોત્સવમાં મૅરેથૉન દોડમાં ભાગ લીધો, પરંતુ સારણગાંઠની શસ્ત્રક્રિયાને કારણે છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું. એમિલની જિંદગીમાં 19 સપ્ટેમ્બરનો દિવસ વિશેષ મહત્વ ધરાવતો હતો; કારણ કે એનો તેમજ એની પત્નીનો આ જન્મદિવસ હતો. આ તારીખે જ તેમના વિવાહ થયા હતા અને આ તારીખે 1952ના ઑલિમ્પિક રમતોત્સવમાં તેણે નવા વિક્રમ સાથે 5000 મી.માં અને તેની પત્ની ડાનાએ બરછીફેંકમાં સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. 1968માં યોજાયેલ મેક્સિકો ઑલિમ્પિક રમતોત્સવ દરમિયાન મેક્સિકો સરકારે આ વિરલ ઑલિમ્પિક યુગલનું વિશેષ સન્માન કર્યું. વિશ્વના આ મહાન દોડવીરે લાંબી દોડમાં દસ વિશ્વવિક્રમો સ્થાપ્યા. જ્યારે રશિયાએ ચેકોસ્લોવૅકિયા પર 1968માં ટૅંકો મોકલીને એની આઝાદીનો અવાજ ગૂંગળાવવા કોશિશ કરી, ત્યારે એમિલ ઝેટોપેક સૈનિક ગણવેશ પહેરીને લડાઈના મેદાન પર ચેકોસ્લોવૅકિયા માટે લડ્યો. એમિલ ઝેટોપેક સાચા અર્થમાં ઑલિમ્પિકનો અતિમાનવ અને વિશ્વનો દંતકથારૂપ મહાન દોડવીર હતો.

પ્રભુદયાલ શર્મા