ઝૂલતા બગીચા, બૅબિલોન

January, 2014

ઝૂલતા બગીચા, બૅબિલોન : પ્રાચીન વિશ્વની એક અજાયબી. યુફ્રેટિસ નદીને કિનારે હાલના બગદાદથી દક્ષિણે આશરે 100 કિમી.ના અંતરે રાજા નેબૂસડ્રેઝર બીજા (ઈ. સ. પૂ. 605–563)એ બૅબિલોનમાં પોતાનો મહેલ, નગરને ફરતો ગઢ તથા ઝૂલતા બગીચા બનાવડાવેલા. આમાંના 275 મી. × 183. મી. વિસ્તારમાં વિકસાવાયેલ બગીચા વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ય નથી. એમ જણાય છે કે 13.5 મી. ઊંચા મંચ પર બનાવાયેલ તેના મહેલની ચારે તરફ બગીચા હતા અને તે ઊંચા મંચને કારણે તેને ઝૂલતા બગીચા નામ આપ્યું હશે. નેબૂખદનેસ્સાર બીજાનો મહેલ મુખ્યત્વે વિવિધ પ્રમાણમાપવાળા ખુલ્લા ચૉકની આસપાસ ઓરડાઓ રચી બનાવાયો હતો. તેમાંનું વિશાળ સિંહાસન-કક્ષ 52 મી. × 17 મી.નું હતું. આ ઝૂલતા બગીચા ક્યારે બનાવાયા હતા તે બાબતે પણ મતમતાંતર પ્રવર્તે છે.

હેમંત વાળા