ઝુલફુકાર : એક તલવારનું નામ. તે બદ્રના વિગ્રહમાં વપરાઈ હતી. બદ્રનો વિગ્રહ અથવા જંગે બદ્ર હિ. સ. 2માં 17મી રમજાન શુક્રવારે (ઈ. સ. 624) મુસ્લિમો અને કુરેશ નાસ્તિકો વચ્ચે થયો. આ યુદ્ધમાં હજરત મોહમ્મદ પણ હતા. સામે પક્ષે અબુ જેહલ જેવો ઇસ્લામનો કટ્ટર વિરોધી હતો, જે આ યુદ્ધમાં માર્યો ગયો. આ જંગમાં મુસ્લિમોના સૈન્યમાં માત્ર 313 યોદ્ધાઓ હતા, જ્યારે શત્રુઓ ત્રણગણા હતા. વળી, હથિયારોની મુસ્લિમોને ઊણપ વરતાતી હતી. એટલે કોઈ શત્રુ માર્યો જાય તો તેનું હથિયાર મુસ્લિમ મુજાહિદો ઉપયોગમાં લેતા.

આ યુદ્ધમાં દુશ્મનના સૈન્યમાંથી આસમનીયહ નામનો યોદ્ધો માર્યો ગયો, તેની તલવારને ઝુલફુકાર કહેતા કેમ કે તેનો આકાર કરોડરજ્જુ જેવો હતો.

આરબોમાં પોતાની તલવારનાં નામ પાડવાનો પહેલાં રિવાજ હતો; દા.ત., હજરત ઉમરની તલવારનું નામ ઝુલવિશાહ હતું.

આ તલવાર ઝુલફુકાર હજરત મોહમ્મદે દુશ્મનોનો મુકાબલો કરવા હજરત અલીને આપી.

મોહર્રમના દિવસે જે જુલુસ કાઢવામાં આવે છે, તેમાં તાજિયા સાથે ‘ઝુલફુકાર’ની પ્રતિકૃતિ પણ જોવા મળે છે. શક્ય છે કે આ તલવાર પાછળથી હજરત અલી પાસેથી હજરત ઇમામ હુસેનને મળી હોય.

ચાંદબીબી એ. શેખ