ઝીરક, શમ્સુદ્દીન મોહમ્મદ (આશરે ઈ. સ.ની પંદરમી સદી) : ગુજરાતના ફારસી ઇતિહાસ ‘મઆસિરે મહમૂદશાહી’ના લેખક. તે ગુજરાતના મુઝફ્ફરશાહી સુલતાન મહમૂદ બેગડા(1458–1511)ના આશ્રિત હતા. તેમણે અબ્દુલ હુસેન નામના ઇતિહાસકારના આ જ નામના ફારસી ઇતિહાસના પૂરક ગ્રંથ તરીકે, સુલતાન મહમૂદ બેગડાના શાસનકાળના છેલ્લા બે દાયકાનો ઇતિહાસ લખ્યો છે. તેમના ઇતિહાસની પ્રસ્તાવના અનુસાર, આ પુસ્તકના બે ભાગ હતા. પ્રથમ ભાગમાં મહમૂદ બેગડાનો ઇતિહાસ અને બીજા ભાગમાં તેમના સમકાલીનોના જીવનપ્રસંગોનો સમાવેશ થતો હતો; પરંતુ બીજો ભાગ કાં તો લખાયો જ નથી અથવા તો તે નાશ પામ્યો છે.
આ પૂરક ગ્રંથ સંક્ષિપ્ત હોવા છતાં તેમાં મુઝફ્ફરશાહી વંશના રાજવીઓની વિદેશનીતિ ઉપર ઘણો પ્રકાશ પડે છે. ખાસ કરીને દક્ષિણ ભારત (દખ્ખણ), દિલ્હી, ઈરાન, ઇજિપ્ત તથા વલંદાઓ સાથેના તેમના સંબંધો વિશે નવી માહિતી પ્રાપ્ત થાય છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી