ઝિઝિફસ : વનસ્પતિના દ્વિબીજપત્રી (dicotyledon) વર્ગના રૅમનેસી કુળની એક પ્રજાતિ. Z. oeniplia, Mill. (બુરગી, અજપ્રિયા); Z. rugosa, Lam. (તોરણ); Z. xylopyra, Willd. (ઘંટબોર) અને Z. glabzata, Heyne (વેટાડલાં) ઝિઝિફસની કેટલીક જાણીતી જાતિઓ છે. તે વિશ્વના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં પર્ણપાતી કે સદાહરિત વૃક્ષો કે ક્ષુપ સ્વરૂપે વિસ્તરણ પામેલી છે.

પુષ્પ અને ફળ ધરાવતી શાખા

તેની કુલ 60 જાતિઓ પૈકી ભારતમાં 17 જેટલી જાતિઓ થાય છે. તે ઘણુંખરું પ્રાકૃતિક સ્વરૂપે થાય છે. બહુ ઓછી જાતિઓ વિદેશી (exotic) છે.

તેનાં પર્ણો સાદાં, અંડાકાર કે ગોળ, સહેજ તિર્યક (oblique), ઉપરની બાજુએ અરોમિલ, નીચેની બાજુએ રોમમય; ઉપપર્ણો કંટકિત, એક ઉપપર્ણકંટક મોટો અને સીધો, બીજો ઉપપર્ણકંટક નાનો અને વક્ર; પુષ્પવિન્યાસ કક્ષીય પરિમિત; પુષ્પો લીલાશ પડતાં પીળાં, નિયમિત, દ્વિલિંગી, પંચાવયવી, પરિજાયી; વજ્રપત્રો 5, યુક્ત, રોમમય; દલપત્રો 5, વાંકાં વળેલાં, ગોળાકાર; પુંકેસરો 5 દલપત્રો વડે ઢંકાયેલાં, બિમ્બ-10 ખાંચાવાળા ખંડો ધરાવે; દ્વિયુક્ત સ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશય, બિંબમાં ખૂંપેલું, દ્વિકોટરીય, પરાગવાહિની બે, મધ્યમાં જોડાયેલી, પરાગાસન દ્વિશાખિત; ફલ-અષ્ઠિલ(drupe) દ્વિબીજમય; બીજમાં ભ્રૂણપોષનો અભાવ અથવા અતિ અલ્પ.

કેટલીક જાતિઓનાં અષ્ઠિલ ફળો ખાદ્ય છે. Zizyphus mauritiana, Lam. (બોર) ભારતમાં સામાન્ય ફળો પૈકીમાં મહત્વનાં છે. તે પ્રાકૃતિક અને કૃષ્ટ (cultivated) સ્થિતિમાં મળી આવે છે. તે ઉચ્ચ પોષણમૂલ્ય અને પુષ્કળ વ્યાપારિક મહત્વ ધરાવે છે. એમ મનાય છે કે ગંધકાશ્મ યુગ(chalcolithic age – ઈ. સ. પૂર્વે 1500–1000 વર્ષ)ના મનુષ્યો આ ફળ ખાતા હતા. છેલ્લાં 400 વર્ષથી ચીન અને ભારતમાં તેનું વાવેતર થાય છે. આ ફળો વિશે યજુર્વેદ, ઐતિહાસિક મહાકાવ્યો અને અન્ય સાહિત્યમાં ઘણાં સ્થાનોએ વર્ણન થયેલું છે.

બોરનાં મુખ્ય બે જૂથો – ચીની (Z. jujuba, Mill) બોર અને ભારતીય (Z. mauritiana Lam.) બોર છે; જેમની કેટલીક જાતિઓ કૃષ્ટ છે. તે પ્રોટીન, કૅરોટિન અને પ્રજીવક ‘સી’ સફરજન કરતાં પણ વધારે પ્રમાણમાં ધરાવે છે.

Z. mauritianaનાં તાજાં ફળોના ગરનું વિશ્લેષણ કરતાં તેમાં દર 100 ગ્રામમાં પાણી 81.6 ગ્રામ; પ્રોટીન 0.8 ગ્રામ; ચરબી 0.3 ગ્રામ; કાર્બોદિતો 17.0 ગ્રામ; ક્ષારો 0.3 ગ્રામ; કૅલ્શિયમ 4 મિ.ગ્રા.; ફૉસ્ફરસ 9 મિગ્રા.; લોહ 1.8 મિગ્રા.; કૅરોટિન 0.021 મિગ્રા.; થાયેમિન 0.02 મિગ્રા.; રાઇબોફ્લેવિન 0.02 મિગ્રા.; નાયેસિન 0.7 મિગ્રા.; પ્રજીવક ‘સી’ 76 મિગ્રા.; ફ્લૉરાઇડ 0.1–0.2 p.p.m.(દસ લાખ ભાગમાં ભાગ); અને કૅલ્શિયમ પૅક્ટેટ (પૅક્ટિન), 2.2 %થી 3.4 % હોય છે. તાજાં ફળો ક્વિસર્ટિન ધરાવે છે.

તેનાં ફળો પ્રશામક ગુણધર્મો ધરાવે છે. ફળો સૂકાં, ખાંડમાં પરિરક્ષિત કે વરાળમાં ભૂંજીને ખવાય છે. ખાંડ પાયેલાં બોર ખારેકની જેમ સ્વાદિષ્ટ લાગે છે અને તેમને મધ-બોર (honey jujube) કહે છે. તેમની પ્રાકૃતિક જાતિનાં ફળો શીતળ, પીડાશામક (anodyne) અને પૌષ્ટિક હોય છે. તે વછનાગ(aconite)ના વિષાક્તનમાં, બકારીઓ અને ઊલટીઓમાં પ્રશામક તરીકે વપરાય છે. તેને વ્રણ પર પણ લગાડવામાં આવે છે અને સ્ત્રીને સગર્ભાવસ્થામાં થતા પેટના દુખાવામાં ઉપયોગમાં લેવાય છે.

બીજ ખાદ્ય છે. તેનો મગજનો ભાગ શરીરની માંસપેશીઓ અને શક્તિમાં વધારો કરે છે. બીજમાં પાણી, 21.3 %; પ્રોટીન 2.3 %; ચરબી 0.4 %; રેસાઓ 2.2 %; નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 72.6 % અને ભસ્મ 1.3 % હોય છે. તેનો મગજનો ભાગ પ્રશામક અસર ધરાવે છે. અનિદ્રાના રોગમાં તે લેવાની ભલામણ કરવામાં આવે છે.

પર્ણો રેચક છે. ખસ, ખૂજલી અને ગળાની તકલીફોમાં ઉપયોગી છે. પર્ણો કાથા સાથે કોષોના સંકોચક (astringent) તરીકે લેવાય છે. તે પ્રસ્વેદક (diaphoretic) છે. બાળકોને થતા ટાઇફૉઇડમાં તેનો ઉપયોગ થાય છે. પીડાશમન માટે પોટીસ તરીકે પણ પર્ણો ઉપયોગી છે.

ભારતમાં તેની છાલનો ઉપયોગ ચર્મશોધન(tanning)માં થાય છે. તે 4થી 9 % ટૅનિન ધરાવે છે. તે સાઇક્લોપેપ્ટાઇડ ઍલ્કલૉઇડ – મોરિશિન્સ A, F; એમ્ફિબિન્સ B, D અને F અને ફેન્ગ્યુફોલિન ધરાવે છે. છાલનો ક્વાથ અતિસાર અને મરડામાં ઉપયોગમાં લેવાય છે. પેઢાંના શોથમાં તેનો સંકોચક તરીકે ઉપયોગ થાય છે.

તેનું કાષ્ઠ સખત અને ટકાઉ હોય છે. કુહાડી, ખરપિયાના હાથા, ધૂંસરી, દંતાળ, રમકડાં, ખરાદીકામ (turnery) અને પૈડાના ભાગો બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. કાષ્ઠનો બળતણ માટે અને કોલસા તરીકે પણ ઉપયોગ થાય છે.

Z. nummularia (Burm. f.) Wigdt & Arn; Syn. Z. rotundifolia, Lam. (ચણીબોર) કંટકીય ક્ષુપ વનસ્પતિ છે. તેનું ફળ લાલ કે કાળું હોય છે અને 1.0 સેમી. લંબાઈ ધરાવે છે.

તેનાં પર્ણો ખસ, ખૂજલી અને ચામડીના અન્ય રોગોમાં ઉપયોગી છે. શરદી અને કફમાં સૂકાં પર્ણોના ધુમાડાનો નાસ લેવામાં આવે છે. ફળ શીતળ અને સંકોચક અસરો દર્શાવે છે.

ચણીબોરના બીજના ગરનો ભાગ દક્ષિણ આફ્રિકાના ઉંદરની ત્રણ જાતિઓનો પ્રિય ખોરાક છે. તેથી ઝેર પાયેલાં બીજનો ઉપયોગ ઉંદરની વસ્તીના નિયંત્રણ માટે થાય છે. આ ક્ષુપનું અંત:કાષ્ઠ ખૂબ સખત અને ઘેરા રંગનું હોય છે. તેનું ઉષ્મીય માન (calorific value) ખૂબ ઊંચું હોય છે. તે ઊંચી ગુણવત્તાનું બળતણ અને કોલસો આપે છે.

પર્ણોનો સૂકા પ્રદેશોમાં ઉનાળાના દિવસોમાં ઢોરો માટે ચારા (fodder) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

શાખાની છાલમાં 12 % ટૅનિન હોય છે. તેના મૂળની છાલમાં સાઇક્લોપેપ્ટાઇડ ઍલ્કલૉઇડ ન્યુમ્યુલેરિન A, B અને C; મ્યુક્રોનિન D; અને એમ્ફિબિન H હોય છે.

બળદેવભાઈ પટેલ