ઝિનાન (Jinan) : પૂર્વ ચીનના શાન્ડોંગ પ્રાંતનું પાટનગર. તેના નામની જોડણી Tsinan તથા Chinan તરીકે પણ કરવામાં આવે છે. તે 36o 41´ ઉ. અક્ષાંશવૃત્ત અને 117o 00´ પૂ. રેખાંશવૃત્ત પર તાઇશાન પર્વતો અને હોઆંગહો નદી(પીળી નદી)ના હેઠવાસના ખીણપ્રદેશ વચ્ચે આવેલું છે. નગર ઈ. સ. પૂ. આઠ સદી જેટલું પ્રાચીન છે અને નવ પાષાણયુગમાં, સ્થપાયેલું મનાય છે. ચાંગ કે તાંગ રાજવંશ(618–90)ના સમયથી તેનો વ્યાપારી કેન્દ્ર તરીકે વિકાસ થયો. કિલ્લેબંધીવાળા આ નગરે બારમી સદીથી પ્રાન્તીય પાટનગર તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. ઈ. સ. 1949માં સામ્યવાદી શાસન આવતાં અહીં આશરે 75,000 રાષ્ટ્રવાદીઓની હત્યા કરવામાં આવી હતી.

મુખ્ય પાક ફળો, ઘઉં, મકાઈ, રૂ, તમાકુ અને મગફળીનો છે. નગર સર્વ પ્રકારના વાહનવ્યવહારનું કેન્દ્ર અને મહત્વનું ઔદ્યોગિક મથક છે. કાપડ, ખાદ્ય-પ્રક્રિયા, ધાતુ, યંત્રઓજાર, કાગળ, ખેતીનાં ઓજારો અને યંત્રો, રસાયણો, ખાતર, તમાકુ, સિગારેટ વગેરેના ઉદ્યોગો વિકસ્યા છે. જૂના શહેરથી ઈશાનમાં દામિંગ સરોવર પાસે 102 જેટલા કુદરતી ઝરા આવેલા છે, જેથી તેને ‘ઝરાનું નગર’ (City of Springs) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેરને અડીને તેની બહારના ભાગે બંધ અને પમ્પિંગ સ્ટેશન આવેલાં છે, જે તેને અને તેની આસપાસના વિસ્તારને હોઆંગહો નદીના આવતા વિનાશક પૂર સામે રક્ષણ પૂરું પાડે છે. બંધના પાણીનો ઉપયોગ ખેતીમાં સિંચાઈ માટે પણ કરવામાં આવે છે. આ શહેરની વસ્તી આશરે 34,75,000 (2011) છે.

બીજલ પરમાર