ઝા, સુભદ્ર (જ. 1909, નાગદા, બિહાર; અ. 2000) : મૈથિલીના લેખક અને અનુવાદક. તેમને તેમના પત્ર-સંગ્રહ ‘નાતીક પત્રક ઉત્તર’ બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ડૉ. સુનીતિકુમાર ચૅટરજી અને પં. સીતારામ શાસ્ત્રી જેવા વિદ્વાનોના વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. કૉલકાતા યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ. એ.ની પદવી પ્રાપ્ત કરી. પટણા યુનિવર્સિટીમાંથી ડી. લિટ્.ની પદવી મેળવી. ત્યારબાદ તેમને પૅરિસ યુનિવર્સિટીમાંથી કેન્દ્રીય વિદ્યામાં ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ની પદવી મળી. બિહાર સંસ્કૃત ઍસોસિયેશન તરફથી તેઓ ‘સાહિત્યાચાર્ય’ બન્યા.
તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ પ્રાથમિક શાળાના હેડમાસ્તર તરીકે કર્યો અને પાછળથી તેમને મૈથિલીના સંશોધક–પ્રાધ્યાપકપદે નીમવામાં આવ્યા. તેમણે સાહિત્યની વિભિન્ન વિદ્યાઓમાં મહત્વપૂર્ણ લેખનકાર્ય કર્યું છે. મૈથિલી, અંગ્રેજી અને સંસ્કૃતમાં તેમના ઘણા ગ્રંથો પ્રગટ થયા છે. તેમણે કેટલાક અનુવાદો ઉપરાંત વિશિષ્ટ સંગ્રહોનાં સંપાદન પણ કર્યાં છે. તેમની મહત્વની કૃતિઓમાં ‘યાત્રાપ્રકરણ’, ‘સૉંગ્ઝ ઑવ્ વિદ્યાપતિ’ અને પિશેલ-લિખિત ‘પ્રાકૃત ભાષાવ્યાકરણ’ના અનુવાદનો સમાવેશ થાય છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘નાતીક પત્રક ઉત્તર’ એક વૃદ્ધ દાદા દ્વારા પોતાના પૌત્રને ઉદ્દેશીને લખાયેલા પત્રોનો સંગ્રહ છે. તેમાં બહુવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. તેની રોચક શૈલી, વ્યાપક વર્ણન, અને વિદ્વત્તાપૂર્ણ છણાવટને કારણે આ કૃતિ આધુનિક મૈથિલી સાહિત્યમાં સીમાચિહનરૂપ લેખાઈ છે.
બળદેવભાઈ કનીજિયા