ઝા, હરિમોહન (જ. 1908, કુમાર બાજિતપુર, જિ. વૈશાલી, બિહાર; અ. 1984) : મૈથિલી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમને તેમની આત્મકથા ‘જીવનયાત્રા’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મરણોત્તર આપવામાં આવ્યો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી ઉજ્જ્વળ હતી. તેમણે દર્શનશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને પ્રાપ્ત કરી હતી. તે પછી પટણાની વી. એન. કૉલેજમાં અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી હતી (1933) અને છેલ્લે તેઓ પટણા યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક અને વિભાગના વડા બન્યા હતા.

કિશોરાવસ્થાથી લેખનકાર્ય શરૂ કરીને તેમણે 20 કૃતિઓ આપી છે, તેમાં નવલકથાઓ, વાર્તાસંગ્રહો, નાટકો, સંસ્મરણો ઉપરાંત દર્શનશાસ્ત્ર પરના વિદ્વત્તાપૂર્ણ ગ્રંથોનો સમાવેશ થાય છે. તેઓ સંખ્યાબંધ સામયિકો માટે નિયમિત લેખનકાર્ય કરતા રહેલા. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. વળી તેઓ વૈજ્ઞાનિક અને ટૅકનિકલ પરિભાષા પંચના સભ્ય હતા.

આ પુરસ્કૃત કૃતિ તેમની આત્મકથા છે. તેની આત્મીયતાભરી શૈલી, વેધક વ્યંગ્યલક્ષિતા તેમજ પરિવર્તનશીલ સમાજની તૂટતી પરંપરાઓના તાર્દશ ચિત્રણને લીધે એ કૃતિ સમકાલીન મૈથિલી સાહિત્યમાં ગણનાપાત્ર છે.

બળદેવભાઈ કનીજિયા