ઝાલા, સુખરાજસિંહ (જ. 2 નવેમ્બર 1924, લીંબડી) : ગુજરાતી સંગીતકાર. પિતા પથુભા. જન્મ મોસાળમાં, માતા માજીરાજબાની કૂખે. વતન સૌરાષ્ટ્રમાં લાલિયાદ. હાલ નિવાસ અમદાવાદમાં. સંગીતના સંસ્કાર બાળપણથી ઝીલ્યા. માતાપિતા બેઉ મધુર સ્વરે હાલરડાં, ભજનો, પ્રાર્થનાગીતો આદિ ગાય. પિતાની નોકરી સોનગઢ ગુરુકુળમાં. ત્યાં બાળ સુખરાજને પ્રાર્થનાસભાઓ તથા સંગીતસભાઓમાં જોડાવાના પ્રસંગોએ આ સંસ્કાર ર્દઢ બન્યા. 1943માં મૅટ્રિકમાં ઉત્તીર્ણ થઈ, સંગીતના વ્યવસ્થિત અભ્યાસમાં લાગ્યા. અખિલ ભારત ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયની સંગીત અલંકાર પરીક્ષા પસાર કરી પ્રારંભે ગાયક બન્યા. 1954માં સંગીતમાં એમ.એ. પરીક્ષા સમસ્ત ભારતમાં પ્રથમ નંબરે પસાર કરી. દરમિયાન, 1945થી 54 સુધી અમદાવાદ આકાશવાણી ઉપરથી ભજનો તથા લોકગીતો રજૂ કર્યાં. ઘેર સંગીતસાધના ચાલુ રાખી મહિયર ઘરાણામાં નિપુણતા કેળવી. 1954ના અરસામાં એક કરુણ ઘટના બની. કોઈ ઈર્ષાળુએ ઝેરી પદાર્થ પિવડાવી દીધો. પરિણામે તેમનો સ્વર વિકૃત થઈ બંધ થઈ ગયો. એથી હિંમત હાર્યા વિના તેમણે વાયોલિન આદિ વાદ્યો પર સાધના ચાલુ રાખી. વિખ્યાત સિતારવાદક પં. નિખિલ બેનરજી પાસે સિતારવાદનનું શિક્ષણ લઈ તેમાં નિપુણતા કેળવી.

40 વર્ષ સ્વર બંધ રહ્યા પછી ખૂલવા લાગ્યો તેને તે સરસ્વતી દેવીની કૃપા માને છે. 1954થી અમદાવાદમાં ગાંધર્વ મહાવિદ્યાલયમાં સિતારવાદનના પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. આકાશવાણીમાં સંગીતવિભાગમાં નિર્ણાયક તરીકે સેવા આપતા રહે છે. ગુજરાત રાજ્ય સંગીત નૃત્યનાટ્ય અકાદમીમાં ઘણાં વર્ષ સભ્ય રહ્યા. 50 વર્ષથી ગાંધર્વ મહાવિદ્યાલયના આશ્રયે શિબિર આયોજન દ્વારા સંગીત શિક્ષણ આપે છે. ગુજરાતમાં લગભગ બધાં મહત્વનાં સ્થળોએ તેમણે સિતારવાદનના કાર્યક્રમો રજૂ કર્યા છે અને એ ક્રમ ચાલુ છે. 1975માં તેમણે આરંભેલી ‘સૂર સિંગાર’ સંસ્થા હવે વિશાળ વટવૃક્ષ સમી બની છે. તેમનું સંખ્યાબંધ પ્રસંગે સન્માન થયેલું છે. તેઓ ગૌરવ પુરસ્કારથી સન્માનિત થયા છે. 1993માં બૃહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા તેમને સન્માનપત્ર અર્પણ કરાયું હતું.

બંસીધર શુક્લ