ઝા, ઉમાનાથ (જ. 1923, મધુબની, બિહાર; અ. 2009) : મૈથિલી સાહિત્યકાર. સંસ્કૃત વિદ્વાનોના પરિવારમાં જન્મેલા આ મૈથિલી સર્જકની કૃતિ ‘અતીત’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે દરભંગા તથા પટણામાં અભ્યાસ કર્યો હતો અને પટણા યુનિવર્સિટીમાંથી 1944માં અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે બિહારની વિવિધ યુનિવર્સિટીઓમાં રીડર તથા પ્રોફેસર તરીકે અંગ્રેજીનું અધ્યાપન કર્યું અને 1983માં મિથિલા યુનિવર્સિટીના પ્રો-વાઇસ-ચાન્સેલરના પદેથી નિવૃત્ત થયા.
તેઓ લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન છે. તેમણે ટૂંકી વાર્તાના 2 સંગ્રહો પ્રગટ કરવા ઉપરાંત ‘મૈથિલી નવીન સાહિત્ય’ તથા ‘ઇન્દ્રધનુષ્ય’નું સંપાદન કર્યું છે. ‘વિદ્યાપતિ ગીતશતી’ નામે તેમણે વિદ્યાપતિનાં ગીતો પ્રસ્તાવના અને નોંધો સાથે પ્રગટ કર્યાં છે. આ ઉપરાંત ‘શ્રીઅરવિંદ’ નામના લઘુપુસ્તકનું મૈથિલીમાં ભાષાંતર કર્યું છે. ‘લિટરરી ઍન્ડ લિંગ્વિસ્ટિક સ્ટડીઝ’ નામનું તેમનું પુસ્તક પણ ખૂબ જાણીતું છે. તેઓ પટણાની ચેતના સમિતિના આજીવન સભ્ય છે. પટણાની મૈથિલી અકાદમીની કારોબારી સમિતિના તેઓ 4 વર્ષ માટે સભ્ય રહ્યા હતા.
પુરસ્કૃત કૃતિ 13 વાર્તાઓનો સંગ્રહ છે. જીવંત ચરિત્રચિત્રણ, વિષયલક્ષી વૈવિધ્ય, સામાજિક પ્રસ્તુતતા તથા અભિવ્યક્તિની તાજગી જેવી વિશેષતાઓને કારણે આ કૃતિ ગણનાપાત્ર લેખાઈ છે.
મહેશ ચોકસી