ઝાઇલીન : ડાયમિથાઇલ બેન્ઝિન તરીકે ઓળખાતા ત્રણ સમઘટકીય ઍરોમૅટિક હાઇડ્રોકાર્બનનો સમૂહ. ઝાઇલીન તથા ઈથાઇલબેન્ઝિન, તે દરેકનો અણુભાર 106 તથા સામાન્ય અણુસૂત્ર C8H10 છે. આ સમઘટકોની વિગત નીચેની સારણીમાં દર્શાવી છે :

ઝાઇલીન તથા ઈથાઇલબેન્ઝિનના ગુણધર્મો

નામ સૂત્ર . બિં.

સે)

. બિં.

સે)

ઑર્થોઝાઇલીન 1, 2,–C6H4(CH3)2 144.2 –25.2
મેટાઝાઇલીન 1, 3,–C6H4(CH3)2 139.1 –47.9
પૅરાઝાઇલીન 1, 4,–C6H4(CH3)2 138.4 13.3
ઈથાઇલબેન્ઝિન P C6 H4CH2CH3 136.2 –95.0

મૂળે આ કોલટાર હાઇડ્રોકાર્બનો છે પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ તે પેટ્રોલિયમમાંના યોગ્ય નેપ્થા વિભાગમાંથી હાઇડ્રોફૉર્મિંગ અથવા ઉદ્દીપકીય પુનરુત્પાદન (reforming) દ્વારા મેળવવામાં આવે છે.

રિફાઇનરીમાંથી મળતા વિભાગીય પ્રવાહીમાંથી શુદ્ધ ઑર્થોઝાઇલીન તથા ઈથાઇલબેન્ઝિનના મિશ્રણનું નિસ્યંદન-વિધિથી ઔદ્યોગિક અલગીકરણ કરવામાં આવે છે. પૅરાઝાઇલીન નીચા તાપમાને વિભાગીય નિસ્યંદન દ્વારા બહુ મોટા પ્રમાણમાં મેળવવામાં આવે છે. મેટાઝાઇલીનનું ઔદ્યોગિક ઉત્પાદન સલ્ફોનેશન તથા સમઘટકોના સલ્ફોનેશન પ્રક્રિયાવેગ ઉપર આધારિત જળવિભાજન દ્વારા કરવામાં આવે છે. ત્રણેય ઝાઇલીનમાંથી મેટા સમઘટક બાકીના બીજા બે સમઘટકોથી અલગ કરવા સલ્ફોનેશન-પ્રક્રિયા ઉપયોગી છે. ઠંડા સલ્ફ્યુરિક ઍસિડ (H2SO4) સાથે ત્રણેયના મિશ્રણને હલાવવાથી મેટા-સમઘટકનું જ સલ્ફોનેશન થાય છે. પરિણામે H2SO4માં આ સમઘટક ઓગળી જાય છે. પાણીથી આ દ્રાવણને મંદ કર્યા બાદ ગરમ કરવાથી મેટા-ઝાઇલીન પ્રાપ્ત થાય છે. ઑર્થો તથા પૅરા-સમઘટકોને એકબીજાથી સંકીર્ણ આંશિક નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે. આ ઉપરાંત આંશિક સ્ફટિકીકરણ, દ્રાવક નિષ્કર્ષણ કે જાલીકરણ (clathration) જેવી અલગીકરણની બીજી રીતો મુખ્યત્વે મેટા તથા પૅરાસમઘટકોને અલગ કરવા માટે જાણીતી છે.

આ ત્રણેય સમઘટકોમાંના કોઈ એક ચોક્કસ સમઘટકનું પ્રમાણ વધારવા માટે ઉદ્દીપકીય સમાવયવીકરણ રીતનો બહોળો ઉપયોગ થાય છે. સામાન્યત: ત્રણેય સમઘટકોનું મિશ્રણ ઝાઇલીન, મિશ્ર ઝાઇલીન અથવા ઝાઇલોલ નામે વેચાય છે. તેમની કિંમત કોઈ એક શુદ્ધ સમઘટકના પ્રમાણમાં ઘણી ઓછી હોય છે.

ઑર્થોઝાઇલીનનું વેનેડિયમ પૅન્ટૉક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઉપચયન કરીને ઔદ્યોગિક રીતે પ્થૅલિક એનહાઇડ્રાઇડ મેળવાય છે. અગાઉ નેફ્થલીનના ઉપચયનથી તે મેળવાતો; પરંતુ આ નવી રીત શોધાતાં તેની ઔદ્યોગિક અગત્ય ઘણી વધી ગઈ.

પ્થૅલિક એનહાઇડ્રાઇડ અતિ ઉપયોગી મધ્યસ્થી છે. આલ્કીડ રેઝિન, પ્થૅલિક એસ્ટર, પૉલિયેસ્ટર-રેઝિન, એન્થ્રાક્વિનોન, ફિનોલ્ફથેલીન, પ્થૅલોનાઇટ્રાઇલ, પ્થૅલિમાઇડ, ઇઓસીન શાહી તથા રંગકો ઉપરાંત બીજાં અનેક વ્યુત્પન્નો બનાવવા તેનો ઉપયોગ થાય છે.

પૅરાઝાઇલીનનો ખૂબ અગત્યનો ઉપયોગ ટેરેપ્થૅલિક ઍસિડ બનાવવા માટે અથવા ડાઇમિથાઇલ ટેરેપ્થૅલેટ બનાવવા માટે થાય છે. આ બંને મધ્યસ્થીઓ ઉચ્ચ બહુલક પૉલિયેસ્ટર બનાવવા માટે વપરાય છે તથા આ સંયોજનો જુદાં જુદાં વ્યાપારી નામો નીચે (દા. ત., ડેક્રોન, માયલાર, કોડેલ, ટેરિલીન વગેરે) રેસા તેમજ ફિલ્મ રૂપે વપરાય છે.

મેટાઝાઇલીન બીજા બંને ઘટકો કરતાં બમણા પ્રમાણમાં મળતો હોય છે તથા ઓછો અગત્યનો છે. તેના ઉદ્દીપકીય ઉપચયનથી મળતો ડાઇકાર્બૉક્સિલિક ઍસિડ થોડાંક ઔષધો બનાવવા વપરાય છે.

ઈથાઇલબેન્ઝિન ખરેખર આમાંનો એકેય સમઘટક ન હોવા છતાં તેનું સમાન સૂત્ર હોવાથી ઝાઇલીન સાથે જ લેવાય છે.  તે ઔદ્યોગિક અગત્યનું સંયોજન છે તથા સ્ટાઇરીનના ઉત્પાદન માટેનું પૂર્વગામી (precursor) સંયોજન છે. ઈથાઇલબેન્ઝિન ઇથિલીન દ્વારા બેન્ઝિનના આલ્કિલેશન દ્વારા મળે છે.

પૅરાઝાઇલીન તથા ઈથાઇલબેન્ઝિનનું ઔદ્યોગિક અલગીકરણ નિસ્યંદન દ્વારા (ઉ.બિં.માં માત્ર 2.2° સે.નો તફાવત) એક રાસાયણિક ઇજનેરી સિદ્ધિ મનાય છે.

ઝાઇલીન અથવા ઝાઇલોલ (મિશ્રણ) પૃષ્ઠ આવરણ માટે તથા રસાયણોના ઉત્પાદનમાં દ્રાવક તરીકે મુખ્યત્વે વપરાય છે. ઉદ્યોગમાં વેચાતું ઝાઇલોલ તેના ઉ.બિંદુની મર્યાદા વડે દર્શાવવામાં આવે છે. દા. ત., 5 અંશ ઝાઇલોલ માત્ર 2.8° સે.ની ઉત્કલન-મર્યાદામાં જ સંપૂર્ણપણે નિસ્યંદન પામે છે.

ઝાઇલીન લાંબા સમય સુધી શ્વાસમાં લેવાથી વિષાળુ અસર કરે છે.

જ. પો. ત્રિવેદી