ઝારખંડ : ભારતના છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાં આવેલું રાજ્ય.

ભૌગોલિક સ્થાન : તે 23 35´ ઉ. અ. અને 85 33´ પૂ. રે.ની આજુબાજુ આવેલું છે. આ રાજ્યની ઉત્તરે બિહાર, ઈશાને ગંગાનદી, પૂર્વે પં. બંગાળ, દક્ષિણે ઓડિશા, પશ્ચિમે છત્તીસગઢ અને વાયવ્યે ઉત્તરપ્રદેશ રાજ્યની સીમા આવેલી છે. જેની લંબાઈ 380 કિમી. અને પહોળાઈ 463 કિમી. છે. વિસ્તાર 79,716 ચો.કિમી. છે. સમુદ્ર સપાટીથી 277 મીટર ઊંચાઈ ધરાવે છે. સૌથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર પારસનાથ (1382 મી.) છે.

ભૂસ્તરીય રચના – ભૂપૃષ્ઠ-જળપરિવહન : મુખ્યત્વે આર્કિયન યુગના ગ્રૅનાઇટ અને નીસ ખડક સંરચના ધરાવે છે. અહીં ગોંડવાના યુગના કોલસાના થરો ધરબાયેલા છે. એવું કહેવાય છે કે જુરાસિક કાળ દરમિયાન જ્વાળામુખી પ્રસ્ફોટન ક્રિયાથી અને ટર્શ્યરી-ભૂસંચલન દરમિયાન અસ્તિત્વમાં આવેલી કેટલીક ફાટો થકી વિભેદન પ્રવૃત્તિએ પ્રસ્તુત ઉચ્ચપ્રદેશને વિશિષ્ટ બનાવ્યો છે. આ ઉચ્ચપ્રદેશમાં વિવિધ ઊંચાઈ ધરાવતા ઉચ્ચપ્રદેશોની એક શૃખંલા નિર્માણ પામી છે. અહીં બરાકર, દામોદર, સુવર્ણરેખા વગેરે નદીઓએ ઊંડાં કોતરો અને જળધોધની રચના કરી છે.

અહીં ઊંચી ટેકરીઓ  અને પર્વતીય હારમાળા જોવા મળે છે. જેમ કે, પારસનાથહિલ જે શ્રી સમેતશિખરજી તરીકે ઓળખાય છે. જેની ઊંચાઈ 1365 મીટર છે. નેટાહરટ જે ‘ક્વીન ઑફ છોટાનાગપુર’ તરીકે જાણીતું બન્યું છે. રાજમહાલની ટેકરીઓ કે જ્યાં અનેક જળધોધ અને સરોવર નિર્માણ પામ્યાં છે. ત્રિકૂટ ટેકરી જે ત્રિકૂટચલ તરીકે ઓળખાય છે. જેની ઊંચાઈ આશરે 835 મીટર છે. ટાગોરહિલ જે મોરાબડી ટેકરી તરીકે ઓળખાય છે.

આ રાજ્યની મુખ્ય નદીઓ ગંગા, સોન, સુવર્ણરેખા, ખારકાઈ, દામોદર, ઉત્તર કોયેલ, દક્ષિણ કોયેલ, લીલાજન, અજય, સૂરિ, મયૂરાક્ષી,બરાકટ છે. છોટાનાગપુર ઉચ્ચપ્રદેશ પરના પ્રવાહો વિવિધ દિશામાં જતા જોવા મળે છે. આ નદીઓએ માર્ગમાં ‘બેસિનો’ (સમતળ મેદાન) નિર્માણ કર્યાં છે.

આબોહવા – વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : આ રાજ્યની આબોહવા વૈવિધ્યસભર છે. ઉત્તરના ભાગમાં ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધીય, અગ્નિ ભાગમાં સૂકી અનુભવાય છે. ઉનાળાની ઋતુનો સમયગાળો મધ્ય એપ્રિલથી મધ્ય જૂન ગણાય છે. મે માસ દરમિયાન તાપમાન ખૂબ ઊંચું રહે છે. આબોહવાની લાક્ષણિકતા એ છે કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 37 સે. જ્યારે લઘુતમ તાપમાન 25 સે. રહે છે. નૈર્ઋત્યના પવનો મધ્ય જૂનથી ઑક્ટોબર માસ સુધી ફૂંકાતા રહે છે. રાજ્યમાં વાર્ષિક સરેરાશ વરસાદ 1500 મિમી.થી વધુ પડે છે. શિયાળાની ઋતુનો સમયગાળો નવેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધીનો ગણાય છે. પાટનગર રાંચીમાં ડિસેમ્બર માસ દરમિયાન તાપમાન 10 થી 24 સે. રહે છે.

જૈવવિવિધતાથી દૃષ્ટિએ આ રાજ્ય સમૃદ્ધ છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોવા મળે છે. તેને મોસમી જંગલો પણ કહે છે. આ જંગલોમાં સાલ, સીસમ, ખેર, પલાસ, ટીમરું, કુસુમ, બાવળ વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીંનાં વૃક્ષોની ઊંચાઈ 30થી 45 મીટર સુધી હોય છે. અહીં ગીચ જંગલોનો વિસ્તાર આશરે 12,507 ચો.કિમી. અને પાંખાં જંગલો હેઠળનો વિસ્તાર આશરે 10,470 ચો.કિમી. છે.

અહીંના જંગલોમાં 97 જેટલી પ્રજાતિનાં વૃક્ષો અને છોડવા આવેલાં છે જ્યારે કાંટાળી અને ઔષધિવાળી વનસ્પતિની 46 પ્રજાતિ શોધાઈ છે. 25 પ્રકારના વેલા અને 17 પ્રકારના ઘાસ-વાંસ છે.

જ્યારે 39 પ્રકારનાં સસ્તન પ્રાણીઓ, 8 પ્રકારના સાપ, 4 પ્રકારની ઘો, 21 પ્રકારનાં પતંગિયાં, કીડા, મંકોડા અને 170 પ્રકારનાં પક્ષીઓ વસે છે. કેટલીક જીવસૃષ્ટિને બચાવવા અભયારણ્યો ઊભાં કરાયાં છે. જેમાં ‘પાલામઉ વાઘ અભયારણ્ય’ અને ‘દાલમા વન્યજીવ અભયારણ્ય’ મુખ્ય છે. રાંચી પાસે ‘મુટા મગર સંવર્ધન કેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવી છે.

અર્થતંત્ર : આ રાજ્યે ખનિજોની વિવિધતા અને જથ્થાની દૃષ્ટિએ ભારતમાં પોતાની  આગવી ઓળખ ઊભી કરી છે. ભારતમાં લોહઅયસ્ક જથ્થામાં ચોથું, ખનિજ કોલસામાં ત્રીજું, તાંબાના અયસ્કમાં પ્રથમ, અબરખમાં પ્રથમ, બૉક્સાઇટમાં ત્રીજું, મૅંગેનીઝ, ચિનાઇ માટી, અગ્નિજીત માટી અને ગ્રૅફાઇટ  ખનિજમાં આઠમું સ્થાન ધરાવે છે. જ્યારે કાયેનાઇટ, સીલેમેનાઇટ, યુરેનિયમ અને ઍસ્બેસ્ટૉસમાં પ્રથમ, ક્રોમાઇટમાં દ્વિતીય, થોરિયમમાં ત્રીજું, સોનાના અને ચાંદીના જથ્થામાં છઠ્ઠા સ્થાને છે. આ સિવાય પાયરાઇટ, ડોલોમાઇટ, ક્રોમાઇટનો જથ્થો પણ રહેલો છે. લોહઅયસ્ક અને કોલસાના વિપુલ અનામત જથ્થાને કારણે જમશેદપુર, ધનબાદ, બોકારો અને રાંચીમાં મહત્ત્વના ઔદ્યોગિક  એકમો ઊભા થયા છે. જમશેદપુરમાં ખાનગી ક્ષેત્રનું જાણીતું ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ- (TISCO)નું કારખાનું કાર્યરત છે. NTPC (National Thermal Power Corporation) પણ કોલસાનું ઉત્પાદન કરવાનું વિચારે છે.

ખેતી પણ આ રાજ્યના અર્થતંત્રમાં આગવો ફાળો આપે છે. અહીં અનેક પ્રકારના ખેતીકીય પાકો મેળવાય છે. જેમાં ડાંગર, ઘઉં, મકાઈ, કઠોળ, રાગી જેવા ધાન્ય પાકો તેમજ શેરડી, કપાસ, તમાકુ જેવા રોકડિયા પાકોની ખેતી પણ લેવાય છે. ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વૈવિધ્ય છે. અહીં બટાટા, ટમેટાં, ગાજર, કોબીજ, રીંગણ, કોળાની ખેતી થાય છે. ફળોમાં પપૈયાં, કેળાં, સ્ટ્રોબેરી, કેરી વગેરેની ખેતી લેવાય છે. હૅન્ડલૂમ કાપડ અને રેશમી કાપડના લઘુઉદ્યોગો પણ વિકસ્યા છે.

પરિવહન – પ્રવાસન : આ રાજ્યમાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, રાજ્યના ધોરી માર્ગોનું ગીચ જાળું પથરાયેલું છે. 2016માં આ રાજ્યમાં 2661.83 કિમી. લંબાઈના પાકા રસ્તાઓ હતા. રાષ્ટ્રીય ધોરી માર્ગોની અને રાજ્ય ધોરી માર્ગોની સંખ્યા આશરે 30 જેટલી છે.

રેલમાર્ગોની પણ સુવિધા આ રાજ્ય ધરાવે છે. જ્યાં ડુંગરાળ ભાગો આવેલાં છે ત્યાં બોગદાં ખોદીને રેલમાર્ગો નિર્માણ કર્યા છે. મોટા ઔદ્યોગિક  એકમો સુધી કાચો માલ લઈ જવા અને  તૈયાર થયેલ સામગ્રીને દેશના અન્ય ભાગોમાં પહોંચાડવા બ્રૉડગેજ રેલમાર્ગ એ રાજ્યની ધોરી નસ સમાન છે.

આ રાજ્યનું સૌથી મોટું આંતરદેશીય હવાઈ મથક ‘બીરસા મુન્ડા’ છે. જે દિલ્હી, કૉલકાતા, બૅંગાલુરુ, મુંબઈ, હૈદરાબાદ વગેરે શહેરો સાથે સંકળાયેલું છે. ડેઓઘર (Deoghar) હવાઈ મથક દ્વિતીય ક્રમે  આવતું વ્યવસાયી હવાઈ મથક છે. જમશેદપુર પાસે સોનારી હવાઈ મથકનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય ચાકુલ્યા, ડુમકા, ધનબાદ ખાતે પણ હવાઈ મથક આવ્યાં છે.

આમ તો આ રાજ્ય ભૂમિબંદિસ્ત છે, પરંતુ ગંગાનદીના  જળપુરવઠાને લક્ષમાં રાખીને સાહેબગંજ ખાતે નાનું બંદર નિર્માણ કરવાનું  વિચારાયું છે.

ઝારખંડ જળધોધ, ડુંગરો અને પવિત્ર ધાર્મિક સ્થાનો માટે જાણીતું છે. અહીં પારસનાથ, બૈદનાથ ધામ, મા દેવારી મંદિર અને ચિન્નામાતા મંદિર મહત્વનાં ધાર્મિક સ્થાનો છે. સુકારી નદીના કિનારે ગરમ પાણીના અનેક ઝરા આવેલા છે. જેમાં ટાટાપાની ગરમ પાણીનો ઝરો મુખ્ય છે. અહીં આવેલા ગરમ પાણીના ઝરામાં સલ્ફરનું પ્રમાણ અધિક રહેલું છે. એવું માનવું છે કે અહીંનું ગરમ પાણી ચર્મરોગો માટે લાભદાયી ગણાય છે. ઈટખોરી જે હિન્દુઓનું, બૌદ્ધોનું અને જૈનોનું પવિત્ર સ્થળ મનાય છે.  એવું મનાય છે કે ગૌતમ બુદ્ધે પોતાની ધર્મ સંદર્ભ યાત્રા બૌદ્ધ ગયાથી શરૂ કરી હતી. 2018ના વર્ષમાં અહીં ઉત્ખનન કરતાં હિન્દુ, જૈન અને બૌદ્ધ સંપ્રદાયનાં સ્થાપત્યો મળ્યાં છે. જાડુગોરાનું રાનકીની મંદિર જે ઓડિશા, પં. બંગાળ અને બિહારમાં પણ જાણીતું બન્યું છે.  અહીં અનેક નાનામોટા જળધોધ આવેલા છે. જેમાં જ્હોના ધોધ, હુન્ડરુ ધોધ, દસ્સામ ધોધ, પેરવાગહાગહા (perwaghagh) ધોધ વધુ મહત્વના લેખાય છે. અહીં અનેક વન્ય જીવ અભયારણ્યો આવેલાં છે. જેમાં બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન, ડાલ્ફા વન્યજીવ અભયારણ્ય જોવા પ્રવાસીઓ વધુ આકર્ષાય છે. આદિવાસીઓના સંદર્ભમાં મ્યુઝિયમો પણ આવેલાં છે.

વસ્તી : આ જિલ્લામાં પછાત જાતિ અને આદિવાસીઓની વસ્તી અનુક્રમે 39,65,644 અને 86,46,189 (2011 મુજબ) છે. સામાજિક વસ્તીજૂથની વિવિધતા જોવા મળે છે. નૈઋત્યે સીમડેગા (78.23%), ખુન્તી (77.77%), ગુમલા (72.11%), પશ્ચિમ સીંગભૂમ (71.1%), લતેર (66.85%) અને લોહારદાગા (60.21%) જિલ્લાઓમાં  અધિક છે. અહીંની બોલીમાં ઇન્ડો-આર્યન, દ્રાવિડિયન અને ઓસ્ટ્રોએશિયાટિક (Austroasiatic)ની છાંટ જોવા મળે છે. સરકારી કાર્યાલયોમાં હિન્દી ભાષા મુખ્ય છે. આ સિવાય સ્થાનિક લોકો  નાગપુરી, ખોરતા, કુરમલી, મગારી અને ભોજપુરી ભાષા ઉપયોગમાં લે છે.

અહીં હિન્દુ 67.8%, મુસ્લિમ 14.5% અને ખ્રિસ્તીઓનું પ્રમાણ 4.3% જેટલું છે. 24 જિલ્લાઓમાંથી 9 જિલ્લામાં હિન્દુઓની વસ્તી અધિક છે. ખ્રિસ્તીઓનું પ્રમાણ સીમડેગા જિલ્લામાં અધિક જોવા મળે છે. આ રાજ્યના મુખ્ય શહેરો જમશેદપુર, ધનબાદ, રાંચી (પાટનગર), બોકારો, ડેઓધર, ફુસ્રો (phusro), હજીરાબાગ, ગિરીધીહ, રામગઢ અને મેડીનીનગર છે. આ જિલ્લાની કુલ વસ્તી (2011 મુજબ) 3,29,88,134 છે.

આ જિલ્લાની શાળાઓમાં હિન્દી અને અંગ્રેજી ભાષા મુખ્ય છે. આ સિવાય બીજી ભાષા સંસ્કૃત, બંગાળી અને ઊડિયા છે. સરકારી શાળાઓની સાથે ખાનગી શાળાઓમાં પણ શિક્ષણ અપાય છે. ખાનગી શાળામાં સે. થોમસ સ્કૂલ, સૈનિક સ્કૂલ, લોએલા સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, બિશપ વેસ્ટકોટ સ્કૂલ, રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠ જે વિવિધ શહેરોમાં કાર્યરત છે.

અહીં સરકારી અનુદાન લેનારી 14 યુનિવર્સિટીઓ આવેલી છે. જેમાં AISECT આર્કા, બીસરા એગ્રિકલ્ચર, સેન્ટ્રલ યુનિવર્સિટી, રક્ષા શક્તિ, રાધા-ગોવિંદ, રાંચી યુનિવર્સિટી મહત્વની ગણાય છે. આ સિવાય 11 સ્વાયત્ત યુનિવર્સિટીઓ પણ આવેલી છે; જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ  ઇન્ફર્મેશન, IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી વગેરે છે. આ સિવાય મેડિકલ અને ફાર્મસી કૉલેજો પણ આવેલી છે.

ઇતિહાસ : Jharkhand – Jhar એટલે જંગલ, Khand એટલે ભૂમિ એટલે કે ‘જંગલભૂમિ’ થાય. મધ્યકાળમાં એટલે કે સાતમી સદીમાં ચીનના મુસાફરે આ વિસ્તારને કરનસુવર્ણા રાજ્ય તરીકેની નોંધ કરી છે. ત્યારબાદ નાગવંશી, પાલા, રામગઢ રાજ, ચેરો રાજાઓનું આધિપત્ય હતું. 10મી સદીના પાલાના શાસનકાળનાં બૌદ્ધ સ્થાપત્યો હજારીબાગ ખાતે શોધાયાં છે. 13મી સદીમાં ઓડિશાના રાજા જયદેવસિંહે પોતાને  ઝારખંડના રાજા તરીકે જાહેર કર્યા હતા. આ પ્રદેશ  મુખ્યત્વે છોટાનગરનાં જંગલોનો ઉચ્ચપ્રદેશ સંથાલ પરગણાને આવરી લે છે.  મોગલોના શાસનકાળમાં અકબરે અહીં પ્રભુત્વ સ્થાપ્યું હતું. પરંતુ 1574માં રાજપૂત રાજા માનસિંગે યુદ્ધમાં જીત મેળવીને પોતાનું શાસન સ્થાપ્યું હતું. 1640થી 1674ના સમયગાળામાં રાજપૂતોનું પ્રભુત્વ રહ્યું હતું. 19મી સદી સુધી રાજાઓ સાથે આંતરિક કલહને કારણે એરો રાજાઓનું શાસન લાંબું ન ટક્યું. પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સત્તા સંભાળી હતી, પરંતુ ત્યારબાદ બ્રિટિશરોએ અહીં પ્રભુત્વ  સ્થાપ્યું હતું. 1936માં નવ રાજ્યોનો  Eastern State Agencyમાં સમાવેશ  કરાયો તેમાં ઝારખંડ પણ હતું.

ઝારખંડના અલાયદા રાજ્ય માટેની માંગણી સર્વપ્રથમ 1928માં છોટાનાગપુર ઉન્નતિ  સમાજે (સ્થાપના 1915) સાયમન કમિશન  સમક્ષ પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ એ. કે. રૉય નામના કટ્ટર ડાબેરી વિચારસરણીને વરેલા નેતાએ અલાયદા રાજ્યની માગણીના સંદર્ભમાં માર્કિસ્ટ કોઑર્ડિનેશન કમિટીની સ્થાપના કરી હતી. આઝાદી પછીના ગાળામાં સંથાલ પરગણાના નેતા શિબુ સોરેન તથા વિનોદ બિહારી મહેતાએ ઝારખંડ મુક્તિ મોરચા- (JMM) (સ્થાપના 1972)ના નેજા હેઠળ  અલાયદા ઝારખંડ રાજ્ય માટે આંદોલન શરૂ કર્યું હતું. તેના પરિણામસ્વરૂપ 1995માં કેન્દ્રસરકારે ઝારખંડ પ્રદેશ સ્વાયત્ત સમિતિની રચના કરી હતી અને છેવટે 15 નવેમ્બર, 2000ના રોજ આ પ્રદેશને  અલાયદા રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. આ નવા ભારતીય સંઘરાજ્યના 28મા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીના પદે શિબુ સોરેનની વરણી કરવામાં આવી હતી. સમયાંતરે તેમની સામે ભ્રષ્ટાચાર અને ગુનાહિત કૃત્યો કરવાના આક્ષેપ હેઠળ કામ ચલાવવામાં આવ્યું હતું અને તેમના વિરુદ્ધ ન્યાયાલયના નિર્ણયના કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. થોડાક સમય માટે તેમને કેન્દ્ર સરકારમાં પણ મંત્રીપદ બહાલ કરવામાં આવ્યું હતું, જે લાંબા સમય સુધી ટકી શક્યું ન હતું.

નીતિન કોઠારી

બાલકૃષ્ણ માધવરાવ મૂળે

રક્ષા મ. વ્યાસ