ઝામ્બેઝી : આફ્રિકાની ચોથા નંબરની લાંબી નદી. ભૌગોલિક સ્થાન : 18° 55´ દ. અ. અને 36° 04´ પૂ. રે. લંબાઈ 2655 કિમી. ઝામ્બિયાના વાયવ્ય ખૂણે આવેલા 1460 મી. ઊંચા ઉચ્ચપ્રદેશની કાલેની ટેકરીમાંથી ઉદભવ. સ્રાવક્ષેત્ર 12 કે 13 લાખ ચોકિમી. ઉષ્ણકટિબંધના પ્રદેશમાંથી વહીને અગોલા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે તથા મોઝામ્બિક રાજ્યોમાંથી પસાર થઈને તેનું પાણી હિંદી મહાસાગરમાં ઠલવાય છે.
ઝામ્બિયા-બૉટ્સ્વાના સરહદે વહીને તે વિક્ટોરિયા ધોધમાં પડે છે. કરીબા સરોવરમાં થઈ મોઝામ્બિકના પશ્ચિમ ભાગમાં વહીને 7 મુખો દ્વારા તે હિંદી મહાસાગરને મળે છે. કિનારા નજીકનો ત્રિકોણાકાર પ્રદેશ કળણવાળો છે. તેનો કરીબા બંધ જળવિદ્યુત ઉત્પાદન માટેનો સૌથી મોટો બંધ છે.
ટેટે નજીક નદી ઉપર બંધાયેલો પુલ 538 મી. લાંબો છે. કરીબા અને કબોરા બાસ બંધો ઝામ્બેઝીના પ્રવાહને અંકુશમાં રાખે છે અને મોટી હોડીઓ નીચાણવાળા ભાગમાં પરિવહન માટે ફરે છે. નદીનાં 7 મુખો પૈકી સાવ ઉત્તર તરફનું મુખ વહાણવટા માટે ઉપયોગી છે. બીજાં મુખ પાસે રેતીના ઢૂવા અવરોધરૂપ છે.
આ નદીના ખીણપ્રદેશમાંથી ભારતીય સંસ્કૃતિની વસાહતના સૂચક અવશેષો મળેલ છે.
શિવપ્રસાદ રાજગોર