ઝાઇગોમાયસેટિસ : ફૂગના ઝાયગોમાયકોટા વિભાગનો એક વર્ગ. આ વર્ગનું મુખ્ય લક્ષણ જાડી દીવાલ ધરાવતા વિશ્રામી બીજાણુનું નિર્માણ છે. આ બીજાણુને યુગ્મબીજાણુ (zygospore) કહે છે. તેનું સર્જન બે જન્યુધાનીઓ(gametangia)ના સંયોગથી થાય છે. સંકોષીય (coenocytic) મિસિતંતુ (mycelium). અલિંગી પ્રજનન બીજાણુધાનીય બીજાણુ (sporangiospore) દ્વારા અને કશાધારી (flagellate) કોષો તથા તારાકેન્દ્ર (centriole)નો અભાવ – આ વર્ગનાં મહત્વનાં લક્ષણો છે.

મોટા ભાગના ફૂગવિજ્ઞાનીઓ આ વર્ગને મુખ્યત્વે મ્યુકરેલ્સ ગોત્ર દ્વારા ઓળખાવતા હોવા છતાં તેમાં ત્રણ ઉદવિકાસીય શાખાઓ જોવા મળે છે. :

1. ઘણી જાતિઓ વિસ્તૃત મિસિતંતુ અને ઉચ્ચકક્ષાનું અલિંગી પ્રાજનનિક રચનાનું વિભેદન ધરાવે છે. વિષમસુકાયતા (heterothallism) લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે. વિષમ સુકાયક જાતિમાં સુકાય દ્વિલિંગી હોય કે ન હોય, લિંગી રીતે સ્વ-વંધ્ય (self-sterile) હોય છે. આ ઉદવિકાસની રેખાનું ઉદાહરણ મ્યુકરેલ્સ છે.

2. સમસુકાયક (homothallic) જાતિઓ, પ્રમાણમાં અવિભેદિત અલિંગી પ્રાજનીક રચનાઓ અને મર્યાદિત દૈહિક (somatic) વૃદ્ધિ એન્ટોમોફ્થોરેલ્સ ગોત્રમાં જોવા મળે છે. (સમસુકાય જાતિમાં સુકાય સ્વ-ફળાઉ (self-fertile) હોય છે.)

3. વિષમસુકાયક જાતિઓ, વિસ્તૃત અલિંગી રચનાઓ અને પરોપજીવી (parasitic) સ્વરૂપ ઝૂપેગેલ્સ ગોત્રમાં જોવા મળે છે.

ઍન્ડોગોનેલ્સ અને ગ્લોમેલ્સ પ્રાચીન ઉદભવ ધરાવતી ચોથી ઉદવિકાસીય રેખા બનાવે છે. આ ગોત્રો મોટે ભાગે કવકમૂલીય (mycorrhizal) જાતિઓ ધરાવે છે.

મિસિતંતુ સંકોષીય કવકજાલ(hyphac)નો બનેલો હોય છે. તે સામાન્યત: એકકોષી બહુકોષકેન્દ્રીય હોય છે. કવકજાલની કોષદીવાલ કાઇટિન, કાઇટોસન અને પૉલિ-ગ્લુક્યુરોનિક ઍસિડની બનેલી હોય છે. જોકે કેટલાંક સ્વરૂપોમાં મિસિતંતુ અત્યંત અલ્પવિકસિત હોય છે. અને વધતે ઓછે અંશે નિયમિત અંતરે આડા પડદા (septa) ધરાવે છે. કેટલીક જાતિઓ કાં તો મિસિતંતુ-સ્વરૂપે કે યીસ્ટ-સ્વરૂપે વૃદ્ધિ પામે છે. તેઓને દ્વિસ્વરૂપી (dimorphic) ફૂગ કહે છે. આ વર્ગની કેટલીક જાતિઓ દીવાલરહિત સુકાય ધરાવે છે.

આકૃતિ 1 : ઝાઇગોમાયસેટિસનો બહુકોષકેન્દ્રી સંકોષીય કવકતંતુ

અલિંગી પ્રજનન બીજાણુધાનીય બીજાણુઓ (હવે તેઓ સામાન્ય રીતે બીજાણુઓ દ્વારા ઓળખાય છે) દ્વારા થાય છે. એન્ટો મોફથોરેલ્સમાં કણીબીજાણુઓ (conidium) દ્વારા થાય છે. કેટલીક જાતિઓમાં કંચૂકબીજાણુઓ (chlamydospores), લઘુઅંડબીજાણુઓ (oidia) અને સંધિબીજાણુઓ (arthospores) અલિંગી પ્રજનન થાય છે.

બીજાણુધાની સામાન્યત: સ્તંભિકા (columella) ધરાવે છે. આ સ્તંભિકા વિશિષ્ટ કવકતંતુ, બીજાણુધાનીવૃંત (sporangiophore)ની ટોચ ઉપર ઉત્પન્ન થાય છે. બીજાણુધાનીમાં 50–100 જેટલાં બીજાણુઓ ઉદભવે છે.

આકૃતિ 2 : ઝાઇગોમાયસેટિસમાં બહુબીજાણુક બીજાણુધાનીઓ : (અ) ડિસ્સોફોરામાં સ્તંભિકાવિહીન બીજાણુધાની, (આ) ચોએનીફોરા અને રાઇઝોપસમાં સ્તંભિકાયુક્ત બીજાણુધાની.

કેટલાક જાતિઓમાં કદમાં વધારે નાની બીજાણુધાનિકાઓ (sporangiola) ઉત્પન્ન થાય છે. તેમને બીજાણુધાનિકાઓ કહે છે; જેમાં ઘણા ઓછા બીજાણુ(1-30 બીજાણુઓ)નું સર્જન થાય છે. કેટલીક જાતિઓમાં તેઓ (નળાકાર લાંબી રચનાઓ સ્વરૂપે હોય છે, જે એકપંક્તિક (uniseriate) બીજાણુઓ ધરાવે છે. આવી બીજાણુધાનિકાઓને ખંડબીજાણુધાનીઓ (merosporangium) કહે છે.

આકૃતિ 3 : સીનસિફેલેસ્ટ્રમમાં એકપંક્તિક બીજાણુધાનિકાઓ
(ખંડ બીજાણુધાનીઓ)

આ વર્ગની જાતિઓ સમસુકાયક કે વિષમસુકાયક હોય છે. લિંગી પ્રજનનાંગો જન્યુધાનીઓ તરીકે ઓળખાય છે. જાતિ પર આધાર રાખીને તેઓ સામાન્ય દૈહિકકવકજાલમાંથી કે વિશિષ્ટ કવકતંતુ પરથી ઉત્પન્ન થાય છે. આવા કવકતંતુઓને યુગ્મકધર (zygophore) કહે છે. જ્યારે બે સંગત (compatible) યુગ્મકધર પરસ્પર સંપર્કમાં આવે છે. ત્યારે તેની ટોચ ફૂલે છે; તેને પૂર્વજન્યુધાનીઓ (pregametangia) કહે છે. તેઓ ટોચેથી જોડાઈ સંયોગ-પટ બનાવે છે. સંયોગ-પટ દીવાલ તરીકે વિકાસ પામતાં આગળના ભાગે જન્યુધાની અને પાછળના ભાગે નિલંબ (suspensor) ઉત્પન્ન થાય છે. સંયોગ-પટ દ્રવી જતાં બંને જન્યુધારીઓના જીવરસનું મિશ્રણ થાય છે (plasmogamy = જીવરસસંયોગ) અને તે પછી કોષકેન્દ્રસંયોગ (karyogamy) થાય છે. બે જન્યુધાનીઓના સંયોગથી બનેલો કોષ વિસ્તૃત બની જાડી બહુસ્તરીય દીવાલ રચે છે અને યુગ્મ બીજાણુધાની-(zygosporangium)માં પરિણમે છે, જેમાં એક જ યુગ્મબીજાણુ વિકાસ પામે છે.

આ વર્ગની જાતિઓ મૃદા, છાણ, ફળો, પુષ્પો, સંચિત અનાજ, વનસ્પતિનાં રસાળ અંગો, બિલાડીના ટોપ, અપૃષ્ઠવંશીઓ (invertebrates) અને મનુષ્યસહિત પૃષ્ઠવંશીઓ(vertibrates)માંથી અલગ કરી શકાય છે.

પોષણપદ્ધતિ મૃતોપજીવી(saprophytic)થી શરૂ કરી વિકલ્પી મંદ પરોપજીવી (parasitic) અને પ્રાણીઓનું ભક્ષણ તથા અવિકલ્પી (obligate) પરોપજીવી પ્રકારની જોવા મળે છે. કેટલીક જાતિઓ ખાસ કરીને એકદળી વનસ્પતિઓ સાથે કવકમૂલીય સંબંધ ધરાવે છે. અન્ય જાતિઓને ‘‘સુગર ફંજાઈ’’ કહે છે. કારણ કે તેઓ જટિલ કાર્બોદિતોનું વિઘટન કરતા ઉત્સેચકો ધરાવતી નથી. મોટાભાગની ફૂગ કુદરતી વસવાટમાં વૃદ્ધિ પામી બીજાણુઓનું ઝડપથી નિર્માણ કરે છે.

આકૃતિ 4 : ગલ્બર્ટેલામાં લિંગી પ્રજનનના વિવિધ તબક્કાઓ : (અ) પૂર્વજન્યુધાનીઓની ટોચ જોડાઈ સંયોગ-પટ બનાવે છે; (આ) અવિકસિત યુગ્મબીજાણુધાની અને નિલંબ; (ઇ) પરિપક્વ યુગ્મબીજાણુધાની અને નિલંબ.

આ વર્ગના કેટલાક જૂથમાં નોંધપાત્ર વિશિષ્ટીકરણ (specialization) જોવા મળે છે. તેમાં બીજાણુવિકિરણની પદ્ધતિ મહત્વની ઘટના ગણાય છે, જેમાં પિલોબોલસની ‘ફંગસ શૉટ્ગન’ દબાણપૂર્વકનું નોદન (propulsion) અને એન્ટોમોફ્થોરેલ્સની કેટલીક પ્રજાતિઓમાં સંધિપાદ દ્વારા પરોક્ષ વિકિરણ તથા ઝૂપેગેલ્સમાં પ્રાણી-પાશન(animal-trapping)ની ક્રિયાવિધિઓ(mechanisms)નો સમાવેશ થાય છે.

મોટાભાગના ફૂગવિજ્ઞાનીઓ આ વર્ગને મ્યુકરેલ્સ, એન્ટોમોફ્થોરેલ્સ અને ઝૂપેગેલ્સમાં વર્ગીકૃત કરે છે. બેન્જામિન (1979) આ વર્ગનું સાત ગોત્રોમાં વિભાજન કરે છે : મ્યુકરેલ્સ, ડાઇમાર્ગેરિટેલ્સ, કિક્કસેલેલ્સ, એન્ડોગોનેલ્સ,  એન્ટોમોફ્થોરેલ્સ, ઝૂપેગેલ્સ અને હાર્પેલેલ્સ.

મ્યુકર, રાઇઝોપસ, ફાઇકોમાયસીસ, ક્રનિંગહેમેલા, એન્સિડિયા, એન્ટોમોફ્થોરા વગેરે તેની મહત્વની પ્રજાતિઓ છે. એન્ટોમોફ્થોરા કીટાણુનાશક છે. કેટલીક ફૂગ પાંઉ, ફળ, શાકભાજી વગેરેનો બગાડ કરે છે.

આ વર્ગની કેટલીક ફૂગનો ઉપયોગ આલ્કોહોલ, લૅક્ટિક ઍસિડ, ચીઝ તેમજ અન્ય ખાદ્ય પદાર્થોની બનાવટમાં થાય છે. સક્સેનિયા વેસિફૉર્મિસ નામની ફૂગ મનુષ્યમાં ઝાઇગોમાયકોસિસનો રોગ કરે છે.

બળદેવભાઈ પટેલ

પ્રમોદ રતિલાલ શાહ