ઝાંઝીબાર : આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ તાન્ઝાનિયા પ્રજાસત્તાકનો એક પ્રદેશ. ઝાંઝીબાર, પેમ્બા અને કેટલાક નાના ટાપુઓનો બનેલો છે. ઝાંઝીબારનો ટાપુ આફ્રિકાની મુખ્ય ભૂમિથી 32 કિમી. દૂર 6° દ. અ. અને 40° પૂ. રે. ઉપર દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુનું ક્ષેત્રફળ 2643 ચોકિમી. છે. પેમ્બા ટાપુ ઈશાન ખૂણે 40 કિમી. દૂર છે. તેનું ક્ષેત્રફળ 984 કિમી. છે.

પરવાળાંના આ ટાપુઓ સમુદ્રમાંથી ઊપસી આવેલા છે. તેની ફરતો સમુદ્ર છીછરો અને બાધક ખડકોની શૃંખલાવાળો હોઈ વહાણવટા માટે ભયજનક છે. માત્ર ઝાંઝીબાર ટાપુના પશ્ચિમ કિનારે આવેલ બારા નજીકનો સમુદ્ર ઊંડો છે. આ કુદરતી બારું છે.

આ ટાપુઓ વિષુવવૃત્ત નજીક હોવાથી તેની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ચારે તરફ સમુદ્રને કારણે ગરમીનું પ્રમાણ ઓછું રહે છે અને ઉનાળા અને શિયાળાના તથા રાત્રિ અને દિવસના તાપમાન વચ્ચે ભાગ્યે જ 5થી 6 અંશનો તફાવત રહે છે. સરેરાશ તાપમાન 24° થી 30° સે. રહે છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન અહીં ગરમી પડે છે અને હવામાન પ્રમાણમાં સૂકું રહે છે. એપ્રિલ અને મે માસમાં નૈર્ઋત્યના મોસમી પવનોને લીધે ભારે વરસાદ પડે છે, જ્યારે જૂનથી ઑક્ટોબરમાં શીતળ અને સૂકું હવામાન રહે છે. આ પ્રદેશ દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી ઉત્તર ગોળાર્ધ કરતાં ઋતુઓનો ક્રમ ઊલટો રહે છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં હળવો વરસાદ પડે છે. ઝાંઝીબારમાં સરેરાશ 1470 મિમી. અને પેમ્બામાં 1850 મિમી. વરસાદ પડે છે.

ઝાંઝીબાર ટાપુનો પૂર્વ તરફનો ભાગ ખડકાળ તથા જંગલ અને કળણવાળો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓની મોટાભાગની જમીન ફળદ્રૂપ છે અને વિવિધતા ધરાવે છે.

આ ટાપુનો મુખ્ય પાક લવિંગ છે. લવિંગના વિશ્વ-ઉત્પાદનમાં તેનો 80% હિસ્સો અને પ્રથમ સ્થાન છે. ઇન્ડોનેશિયા અને ભારતમાં તેની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. 1964 પૂર્વે તેનો વેપાર ભારતીયોના હાથમાં હતો. આ વેપાર ખૂંચવવા યુરોપિયન વેપારીઓ દ્વારા પ્રયત્ન કરાતાં ભારતે 1938માં તેની આયાત બંધ કરી તેનો બહિષ્કાર કર્યો હતો. બીજો મહત્વનો પાક નારિયેળનો છે. આ બે પાકની નિકાસ ઉપર સમગ્ર પ્રદેશના અર્થતંત્રનો આધાર છે. લોકોનો મુખ્ય ખોરાક ચોખા છે; તેની આયાત કરવી પડે છે.

લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. તે સિવાય મચ્છીમારી અન્ય વ્યવસાય છે. ખેતીની પેદાશ પર આધારિત ઉદ્યોગો ઉપરાંત પગરખાં બનાવવાના; છીપ, હાથીદાંત અને અબનૂસનાં ઘરેણાં, ધાતુકામ, કાથી, દોરડાં તેમજ સાબુ બનાવવાના ગૃહઉદ્યોગો છે. વસ્તી 15 લાખ (2012).

ઇતિહાસ : 1964 સુધી આરબો જમીનમાલિકો હતા અને ભારતીયો વેપાર ખેડતા હતા, જ્યારે યુરોપિયનો સરકારી નોકરીમાં હતા. ઝાંઝીબાર સ્વતંત્ર થતાં યુરોપિયનો આ દેશ છોડી ગયા હતા. ઝાંઝીબાર સ્વતંત્ર થયું તે પૂર્વે વહીવટ તથા શિક્ષણનું માધ્યમ અરબી ભાષા હતી. પણ સમગ્ર પૂર્વ આફ્રિકામાં સ્વાહિલી ભાષા બોલાતી હતી તેથી 1964 પછી તે શિક્ષણ અને વહીવટની ભાષા બની હતી. 1964 અને 1965માં ખ્રિસ્તી મિશનો તથા ભારતીય શાળાઓ સરકાર હસ્તક લેવામાં આવી હતી. ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ પૂર્વ આફ્રિકાના ટાંગાનિકા અને કેન્યા તથા અન્ય પરદેશોમાં જતા હતા.

દસમી સદી આસપાસ આફ્રિકાના પૂર્વકિનારેથી ઝાંઝીબારમાં વાટુમ્બાટુ અને વહાડીમુ લોકો અને પેમ્બામાં વાપેમ્બા લોકોનું આગમન થયું હતું. આ ઉપરાંત ઓમાન અને મસ્કતના તથા અરબસ્તાનના અન્ય આરબો, ઈરાનીઓ અને ભારતીયો આવ્યા હતા. ઓગણીસમી અને વીસમી સદી દરમિયાન પૂર્વ આફ્રિકામાંથી 50 જેટલી વિવિધ જાતિના લોકો અહીં આવીને વસ્યા છે. ભારતીયો પૈકી ગુજરાતીઓ અઢારમી સદીના અંત ભાગમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન મોટા પાયે આવ્યા હતા. અનુશ્રુતિ પ્રમાણે આઠમી સદીમાં અને 975માં હસન બિન અલી અને તેના 6 પુત્રો ઈરાનના શીરાઝ શહેરમાંથી પેમ્બા અને મુખ્ય ભૂમિ ઉપર આવેલ કિલવામાં વસ્યા હતા. કિઝીમકાઝીની મસ્જિદનો લેખ, ઈ. સ. 1107નો છે. ભારતીયોનો અહીં ઈસુની પહેલી સદી આસપાસનો વસવાટ છે. ‘પેરિપ્લસ ઑવ્ ધ ઇરિથિયન સી’ના લેખકે તેનો ઉલ્લેખ કર્યો છે. વાસ્કો ડા ગામા 1499માં અહીં આવ્યો હતો ત્યારે કિલિન્ડી, મૉમ્બાસા, કિલવા અને ઝાંઝીબારમાં ભારતીયો વસતા હતા. 1698થી 99 દરમિયાન આરબોએ પોર્ટુગીઝોને હરાવી તેમને આ પ્રદેશ છોડવા ફરજ પાડી હતી. 1780માં મસ્કતના સુલતાને તેના શાહજાદાને કચ્છી વેપારીઓ સાથે વેપાર વિકસાવવા માટે મોકલ્યો હતો. ઝાંઝીબારનો વેપાર માંડવી તથા મસ્કત સાથે ઘણો હતો. 1504થી 1856 સુધી જયરામ શિવજીની કચ્છી પેઢી સુલતાન સૈયદના સમય સુધી કસ્ટમનો ઇજારો ધરાવતી હતી. આ પેઢીના મુનીમ મુંદ્રાવાળા લધા દામજી ઝાંઝીબારના સુલતાનના કારભારી હતા. તેમના મૃત્યુ પછી અબડાસાના શેઠ કુંવરજી માધવજી કારભારી થયા હતા. કચ્છી વેપારીઓને રહેવાની, બાગબગીચા બનાવવાની, દેવમંદિરો બાંધવાની તેમજ વેપાર અંગેની બધી સગવડો સુલતાનોએ આપી હતી. રમજાનના તહેવારો દરમિયાન મોહર્રમમાં જાહેરમાં હિંસા કરવા સામે સુલતાને મનાઈ કરી હતી. 1840માં હિંદુઓની વસ્તી 1000ની હતી તે 20 વરસમાં છગણી થઈ હતી. 1850 સુધી ગુજરાતીઓનું વલણ વતન-પરસ્ત હતું અને વેપારનો નફો ભારતમાં મોકલી આપતા હતા. પાછળથી કચ્છી ખોજાઓએ કાયમી વસવાટ કર્યો અને સ્થાનિક પ્રજા સાથે લગ્નસંબંધો બાંધ્યા હતા. ખોજા, મેમણ, ભાટિયા, વાણિયા અને લોહાણા વેપારીઓ કચ્છ અને હાલારના હતા. આ વેપારીઓ લવિંગના બગીચાના માલિક આરબોને ગુલામો ખરીદવા પૈસા ધીરતા હતા. કેટલાક લોકો લવિંગના બગીચાના માલિક બન્યા હતા. અહીં તેમણે ગુજરાતી શાળાઓ પણ શરૂ કરી હતી. ગુજરાતી વેપારીઓ આરબ સફારીઓની વણજારોને પૈસા ધીરી હાથીદાંત અને ગુલામો ખરીદતા હતા. બદલામાં ખંભાતનું કાપડ, અકીકના મણકા, પિત્તળ અને લોખંડનો સામાન આયાત કરાતો હતો. 1846માં પેમ્બામાં 50 ગુજરાતીઓ હતા. 1803માં કચ્છના કેરામાં જન્મેલ અલાદીન વિશ્રામે ઝાંઝીબાર ઉપરાંત સમગ્ર પૂર્વ આફ્રિકામાં તેનું વેપારી સામ્રાજ્ય જમાવ્યું હતું. ઝાંઝીબાર અને ટાંગાનિકામાં તેની પેઢીની 30 શાખાઓ હતી. તે કાપડ તથા અનાજનો વેપાર અને ધીરધાર કરતા હતા. પેમ્બામાં લધા દામજીના ભત્રીજા પુરુષોત્તમનું વર્ચસ હતું. 1856માં સુલતાન સૈયદના મૃત્યુ બાદ ઓમાન સાથેનો સંબંધ કપાઈ ગયો હતો. 1888માં ગુલામોનો વેપાર બંધ કરાતાં થયેલ અબુશીરીના બળવામાં ગુજરાતી વેપારીઓને ખૂબ સહન કરવું પડ્યું હતું. કચ્છના મહારાવે કચ્છીઓને ગુલામના વેપારથી દૂર રહેવા ફરમાન કર્યું હતું. 1902–1903માં ગુજરાતીઓની વસ્તી 10,000 હતી. તેના આગેવાન વાય. જી. જીવણજી હતા. ગુજરાતીઓ હસ્તક ઝાંઝીબાર અને પેમ્બામાં અનુક્રમે 65 અને 156 બગીચા હતા. સર જૉન કર્કના કૉન્સલપદ દરમિયાન બ્રિટિશ અસર વધી હતી અને 1890થી ઝાંઝીબાર બ્રિટનના આધિપત્ય નીચે રક્ષિત રાજ્ય બન્યું હતું. ઝાંઝીબારના સુલતાન પૂર્વ આફ્રિકાના કિનારાની પટ્ટી ઉપર નામનું આધિપત્ય ધરાવતા હતા. 1913 પછી કૉન્સલને બદલે અંગ્રેજ રેસિડેન્ટ નિમાયા હતા. બીજા વિશ્વયુદ્ધ સુધી આરબો અને ભારતીય વેપારીઓેની રાજકારણ અને વેપારમાં ઘણી લાગવગ અને હિસ્સો હતાં. 1950માં રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા. ઝાંઝીબાર નૅશનાલિસ્ટ પાર્ટી મુખ્યત્વે આરબોની હતી. બીજી ઝાંઝીબાર અને પેમ્બા પીપલ્સ પાર્ટીમાં મુખ્યત્વે સ્થાનિક આફ્રિકનો જોડાયા હતા. આ ઉપરાંત આફ્રો-શિરાઝી પાર્ટીમાં આફ્રિકનો તથા ઈરાની સભ્યો હતા. 1957–63 દરમિયાન કોઈ પક્ષને લેજિસ્લેટિવ કાઉન્સિલમાં બહુમતી મળી ન હતી. 1961માં ઝાંઝીબાર-પેમ્બા પીપલ્સ પાર્ટી અને ઝાંઝીબાર નૅશનાલિસ્ટ પાર્ટીની સંયુક્ત સરકાર રચાઈ હતી. ઝાંઝીબાર 10 ડિસેમ્બર, 1963ના રોજ આઝાદ થયું અને આરબોના વર્ચસ્વાળી સરકારને 12 ડિસેમ્બર, 1964ના રોજ ઉથલાવીને સુલતાનને પદભ્રષ્ટ કરી પ્રજાસત્તાક રાજ્ય જાહેર કરાયું હતું. જાન્યુઆરી, 1964માં 32 પ્રધાનોવાળી જુદા જુદા પક્ષોની સરકાર રચાઈ હતી. 1964 એપ્રિલમાં ઝાંઝીબારનું તાન્ઝાનિયા સાથે જોડાણ થયું હતું. ખ્રિસ્તી તથા ભારતીય શાળાઓનું તથા ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ થયું હતું. 1977માં આફ્રો-શીરાઝી પક્ષ ટાંગાનિકાના પક્ષ સાથે જોડાઈ ગયો અને તાન્ઝાનિયા અસ્તિત્વમાં આવ્યું. ભારતીય પૈકી ખોજા, મેમણ તથા અન્ય ગુજરાતીઓ હજી ત્યાં રહ્યા છે પણ કેટલાક દારેસલામ તથા ઇંગ્લૅન્ડમાં જઈને વસ્યા છે.

શિવપ્રસાદ રાજગોર