ઝવેરી, શ્વેતા (જ. 30 સપ્ટેમ્બર 1975, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા તથા હિંદુસ્તાની અને વૈશ્વિક સ્તરના કંઠ્ય સંગીત પર સરખું પ્રભુત્વ ધરાવતાં ભારતીય નારી. પિતા સુબોધભાઈ કાન, નાક, ગળાના રોગોના નિષ્ણાત અને માતા હંસાબહેન અંગ્રેજીનાં પ્રોફેસર તરીકે નિવૃત્ત થયાં. છ વર્ષની કાચી વયે પંડિત વિલાસરાવ ખાંડેકર પાસેથી તેમણે ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ લીધી (1981–96). શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં ‘પ્રબંધ’ વિષય સાથે ખયાલ ઉપરાંત ધ્રુપદ, ધમાર, ટપ્પા, ઠૂમરી, તરાના, હોરી જેવાં વિવિધ ગાયકી અંગોમાં સંગીતની અનુસ્નાતક પદવી પ્રથમ સ્થાન સાથે પ્રાપ્ત કરી. ત્યારબાદ સંગીતમાર્તંડ પદ્મવિભૂષણ પંડિત જસરાજજીના માર્ગદર્શનમાં મેવાતી ઘરાનાની તાલીમ લીધી. સાથોસાથ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય મુખ્ય વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીની સ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી. માત્ર 19 વર્ષની વયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું જાહેર જલસાઓમાં પ્રસ્તુતીકરણ શરૂ કર્યું. નાની વયથી સ્વરરચના કરવાનો પણ પ્રારંભ કર્યો. તેમણે (2008) સુધીમાં ભારતનાં કેટલાંક નગરો ઉપરાંત અમેરિકા, કૅનેડા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, નેધરલૅન્ડ્ઝ, બાંગ્લાદેશ, દુબાઈ, મોરિશિયસ, સિંગાપુર અને આર્જેન્ટિના જેવા અનેક દેશોમાં જાહેર મેળાવડાઓમાં પોતાની ગાયનકલાનું પ્રસ્તુતીકરણ કર્યું છે અને તેમાં લોકપ્રિયતા સંપાદન કરી છે. અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં તેઓ દર વર્ષે નિયમિત રીતે સંગીતના વર્ગો ચલાવે છે, જેમાં વિવિધ દેશોના તાલીમાર્થીઓ તેમની પાસેથી માર્ગદર્શન લેતા હોય છે. તેમણે દૂરદર્શનનાં વિવિધ કેન્દ્રો પર પોતાનું ગાયન પ્રસ્તુત કર્યું છે તથા ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે પણ લોકપ્રિયતા સંપાદન કરી છે. ઇંગ્લૅન્ડના બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC) અને અમેરિકાનાં એન.પી.આર. પ્રસારમાધ્યમો દ્વારા તેમની મુલાકાતોનું પ્રસારણ થયું છે અને આ સન્માન મેળવનાર તેઓ સૌથી નાની વયનાં ગાયિકા છે. તેમણે ‘કૉસ્મિક ખયાલ’ નામથી એક સંગીત કંપનીની સ્થાપના કરી છે; જેનો ઉદ્દેશ ભારતીય અને પશ્ચિમના શાસ્ત્રીય સંગીતનો પ્રસાર-પ્રચાર કરી તેને સમૃદ્ધ કરવાનો અને ભવિષ્ય માટે ટકાવી રાખવાનો છે. આ કંપનીએ વર્ષ 2008 સુધી શાસ્ત્રીય સંગીતની ‘આવિષ્કાર’ શીર્ષક હેઠળ ઘણી કૉમ્પૅક્ટ ડિસ્ક (CD) બહાર પાડી છે. શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં તેમની સર્જકતા અને કલ્પકતાનો પરિચય કરાવતી તેમની પ્રવૃત્તિઓને કારણે એક અનન્ય સાધારણ સંગીતકાર તરીકે તેમણે ભારતમાં અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. વર્ષ 2008માં તેમણે કૅલિફૉર્નિયા ખાતેની જાઝ સ્કૂલમાં પોતાની કલાનો જાહેર કાર્યક્રમ દ્વારા પરિચય આપ્યો હતો. ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત ઉપરાંત શ્વેતા ઝવેરીએ જાણીતાં કથ્થક નૃત્યાંગના કુમુદિની લાખિયાના માર્ગદર્શન હેઠળ સાત વર્ષ સુધી કથ્થક નૃત્યની તાલીમ લીધી હતી.
શ્વેતા ઝવેરીને વર્ષ 2008 સુધી મળેલા પુરસ્કારો અને ઍવૉર્ડોમાં ચૌદ વર્ષની વયે મળેલો ‘ગાન કલા ભારતી પુરસ્કાર’, પુણેનો ‘નેત્રગાંવકર ઍવૉર્ડ’ (1991), ‘પંડિત ભગતરામ ઍવૉર્ડ’, મુંબઈ (1993), પુણે ખાતે અપાતો ‘પંડિત જસરાજ ગૌરવ પુરસ્કાર’ (1994), ‘ઇન્ડો-અમેરિકન ચેમ્બર્સ ઍવૉર્ડ’ (2003), ‘ઍસ્કૅપ (ASCAP) ઍવૉર્ડ’ (2005), ‘સ્પૅકમેકે મેરિટ સર્ટિફિકેટ’ તથા વર્ષ 2005–06 માટેનો ‘ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર’ (2007) ઇત્યાદિનો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે