ઝવેરી, શાંતિદાસ (જ. 1585 અને 90ની વચ્ચે અમદાવાદ; અ. 1659/60) : મુઘલ બાદશાહોના રાજ્યમાન્ય ઝવેરી તથા શરાફ અને અમદાવાદના પ્રથમ નગરશેઠ, મુત્સદ્દી અને ધર્મપરાયણ જૈન શ્રેષ્ઠી. સિસોદિયા રાજપૂત જાગીરદાર હતા; પરંતુ જૈન ધર્મ અંગીકાર કરનારા પદ્મસિંહના વંશજ અને રાજસ્થાન છોડીને અમદાવાદમાં ઝવેરાતનો ધંધો કરનાર ઓસવાળ વણિક સહસ્રકિરણના પુત્ર. શાંતિદાસને પિતાનો ઝવેરી તરીકેનો વ્યવસાય વારસામાં મળ્યો હતો. કહેવાય છે કે રત્નપારખુ યુવાન શાંતિદાસથી પ્રભાવિત થઈને  મુઘલ બાદશાહ અકબરે તેમને પ્રથમ કક્ષાના અમીરની પદવી આપી હતી. તે સમયથી એક નામી ઝવેરી તરીકે શાંતિદાસે મુઘલ દરબારમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અકબરની બેગમ અને જહાંગીરની માતા જોધાબાઈએ અમદાવાદમાં શાંતિદાસનું આતિથ્ય  માણ્યું હોવાથી જહાંગીર તેમને ‘ઝવેરી મામા’ તરીકે સંબોધતો. જહાંગીરે તેમને વંશપરંપરાગત નગરશેઠનું પદ આપ્યું હતું.

શાંતિદાસે ઝવેરી તરીકેનો વ્યવસાય અમદાવાદ, બુરહાનપુર, બિજાપુર, દિલ્હી, આગ્રા અને સિંધ સુધી વિસ્તાર્યો હતો. ગુજરાતનાં મહત્વનાં બંદરોમાં પણ તેમનો સારો વ્યાપાર ચાલતો હતો અને ઝવેરાતની ખરીદી થતી હતી. ઉપરાંત મુઘલ બાદશાહોને નાણાં  ધીરનાર શરાફ તરીકે ખ્યાતિ મેળવીને ગુજરાતમાં તેમણે ઉચ્ચ સામાજિક મોભો પ્રાપ્ત કર્યો હતો. તેમણે અમદાવાદ, રાધનપુર, ખંભાત, સૂરત વગેરે સ્થળોમાં જૈન ઉપાશ્રયો બંધાવ્યા. 1612–18 દરમિયાન શત્રુંજયનાં જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને 1618માં પંદર હજાર માણસોના સંઘ સાથે જ્યારે તે શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે સંઘના રક્ષણની વ્યવસ્થા માટે જહાંગીર દ્વારા ફરમાન પણ કઢાવ્યું હતું.

શાંતિદાસે જહાંગીર પાસેથી ફરમાન મેળવીને અમદાવાદના બીબીપુરા (અત્યારના સરસપુર) ખાતે નવ લાખ રૂપિયાને ખર્ચે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બંધાવ્યું (1621–25) અને બે લાખ રૂપિયા ખર્ચીને તેની પ્રતિષ્ઠા કરી. 1638માં અમદાવાદમાં આવેલા જર્મન પ્રવાસી આલ્બર્ટ ડી મૅન્ડેલસ્લોએ તેનું વર્ણન કર્યું છે. પરંતુ શાહજહાંના શાસન દરમિયાન ઔરંગઝેબની ટૂંકા સમયની (1645–46) સૂબાગીરી વખતે આ મંદિરની શિલ્પકલાકૃતિઓને ભગ્ન કરીને તેને મસ્જિદનું સ્વરૂપ આપવામાં આવ્યું (1645). ત્યાર પછી ઔરંગઝેબની દક્ષિણના સૂબા તરીકે બદલી કરવામાં આવી અને શાહજહાંના આદેશથી મસ્જિદને ખાલી કરાવીને તે વિસ્તાર શાંતિદાસને પાછો સુપરત કરવામાં આવ્યો. શાહજહાંએ નુકસાની ભરપાઈ કરવાનો આદેશ પણ નવા સૂબાને આપ્યો (1648). પરંતુ શાંતિદાસ અને જૈન સમાજની ર્દષ્ટિએ આ અપવિત્ર થયેલ સ્થળે ફરી મંદિર બાંધવામાં ન આવ્યું. ટેવર્નિયર (1653) અને થૅવેનો (1666) જેવા ફ્રેન્ચ પ્રવાસીઓએ ભગ્નાવસ્થામાં રહેલા આ મંદિરનું વર્ણન તેમની પ્રવાસનોંધમાં કર્યું છે. શાંતિદાસની એ વિશિષ્ટતા હતી કે નવા શાસક સાથે ગાઢ સંબંધ બાંધી કેટલીક બાંયધરીઓ લઈ લેવી. શાહજહાં ગાદીએ આવ્યો પછી થોડા સમયમાં (1629–30) તેના ફરમાનથી ચિંતામણિ (અમદાવાદ), શત્રુંજય, શંખેશ્વર અને કેસરીનાથ(ઉદયપુર પાસે)નાં જૈન તીર્થો ઉપરાંત અમદાવાદ, ખંભાત, સૂરત અને રાધનપુરની  પોશાળોના ઉપયોગની અનુમતિ માત્ર જૈનોને મળી હતી. શાંતિદાસનાં પ્રયાસ અને વગથી તેમના ગુરુ મુક્તિસાગરસૂરિને 1630માં આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું હતું.

શાહજહાંએ મયૂરાસન બનાવવા માટે છ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, તેમાંથી મોટી રકમ શાંતિદાસે ધીરી હતી. 1656માં શાહજહાંએ શાંતિદાસને પાલિતાણા ઇનામ રૂપે આપવાનું ફરમાન કર્યું અને 1657ના ફરમાનમાં તેમને રૂપિયા બે લાખમાં પાલિતાણા સહિત શત્રુંજયનું આખું પરગણું કાયમ માટે આપવાનું દર્શાવ્યું હતું.

ઝવેરી અને શરાફ તરીકે જહાંગીર, શાહજહાં, થોડા સમય માટે પોતાને બાદશાહ તરીકે જાહેર કરનાર મુરાદબક્ષ અને ઔરંગઝેબ જેવા મુઘલ શાસકોના સંપર્કમાં આવેલા શાંતિદાસે આ બાદશાહોના સ્વભાવ, મિજાજ અને તેમની રાજકીય નીતિનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. 1635–36થી તેમણે ભારતભરમાં તેમજ બંદરોમાં પોતાનો ઝવેરાતનો ધંધો અને સ્થાવર મિલકતની સુરક્ષા માટે ફરમાનો મેળવી લીધાં. શાહજહાંના શાસનનાં છેલ્લાં વર્ષો (1657–58) દરમિયાન વારસાવિગ્રહને લીધે સર્જાયેલી રાજકીય અસ્થિરતા વખતે એક મુત્સદ્દી તરીકે તેમણે સમય પારખીને પ્રતિકૂળ વિચારવાળા શાસકનો પણ વિશ્વાસ સંપાદન કરી લીધો. ઔરંગઝેબે 1645માં શ્રીચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર તોડી નાખ્યું, તેમ છતાં જ્યારે તે સત્તા પર આવ્યો તે વખતે તેના એક ફરમાન દ્વારા ઇનામ તરીકે આપવામાં આવેલ શત્રુંજય પરગણા પર શાંતિદાસની માલિકી ફરી પ્રસ્થાપિત કરવામાં આવી. મુરાદબક્ષે ગુજરાતમાં પોતાને બાદશાહ તરીકે જાહેર કર્યા પછી શાંતિદાસના એક પુત્ર માણેકચંદ અને બીજા વેપારીઓ પાસેથી લગભગ સાડા પાંચ લાખ રૂપિયાની રકમ લીધી હતી. પરંતુ વારસાવિગ્રહમાં મુરાદબક્ષની હાર થતાં સત્તા પર આવેલા ઔરંગઝેબ પાસેથી એક ફરમાન (10 ઑગસ્ટ, 1658) દ્વારા શાંતિદાસે કુનેહપૂર્વક એ રકમ પાછી મેળવી; એટલું જ નહિ, પરંતુ તે જ તારીખના બીજા ફરમાન દ્વારા ઔરંગઝેબે ગુજરાતમાં શાંતિ જાળવવા માટે શાંતિદાસ મારફતે વેપારી પ્રજાજોગ સંદેશો મોકલાવ્યો હતો. તે દર્શાવે છે કે ઔરંગઝેબ સમક્ષ અને ગુજરાતના સમાજમાં તેમની કેટલી શાખ અને પ્રતિષ્ઠા હતી. ઔરંગઝેબના 12 માર્ચ, 1660ના છેલ્લા ફરમાનમાં પાલિતાણા, ગિરનાર અને આબુના પર્વતો અને જૈનતીર્થો પર શાંતિદાસની માલિકી પ્રસ્થાપિત કરવામાં આવી. આ ફરમાન તેમને પહોંચાડવામાં આવ્યું હોય તે વખતે કે તે પહેલાં તેમનું અવસાન (1659–60) થયું હોય તે સંભવિત છે.

મુઘલ બાદશાહો પાસેથી 22 જેટલાં ફરમાનો પ્રાપ્ત કરનાર નગરશેઠ શાંતિદાસ ઝવેરી કદાચ ઇતિહાસમાં થોડી વ્યક્તિઓમાંના એક હશે. અમદાવાદમાં તેમના વંશજોની પરંપરા કસ્તૂરભાઈ લાલભાઈ અને તેમના સુપુત્રો સુધી વિસ્તરેલી છે.

ર. લ. રાવળ