ઝકાઉલ્લાહ મૌલવી

January, 2014

ઝકાઉલ્લાહ મૌલવી (જ. 1822, દિલ્હી) : બહુમુખી પ્રતિભા ધરાવતા ઇતિહાસવિદ. તેમના વિદ્વાન પિતાએ પુત્રની કેળવણી પાછળ ભારે જહેમત લીધી. 12 વરસની ઉંમરે જ દિલ્હી કૉલેજમાં દાખલ થયા. પાછળથી ઉર્દૂના ખ્યાતનામ લેખકો બનેલા નઝીરઅહમદ અને મોહંમદ હુસેન આઝાદ ત્યાં તેમના સહાધ્યાયીઓ હતા. ભૂમિતિમાં વિશેષ રસ હોઈ, ભૂમિતિમાં તેઓ પારંગત થયા અને આ જ વિષયના અધ્યાપક પણ નિમાયા. પાછળથી આગ્રા કૉલેજમાં ફારસી-ઉર્દૂ શીખવવા લાગ્યા. 1855માં મદરેસાઓના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર થયા, 1866માં ‘નૉર્મલ સ્કૂલ’ના પ્રિન્સિપાલ નિયુક્ત થયા અને ત્યારપછી મ્યૂર સેન્ટ્રલ કૉલેજ, અલ્લાહાબાદમાં પ્રાધ્યાપક તરીકે પસંદ થયા. ત્યાં 15 વરસ સુધી અરબી-ફારસીનું અધ્યાપન કર્યા પછી નિવૃત્ત થયા. ઝકાઉલ્લાહ તત્કાલીન વિદ્વાનોની પ્રથમ હરોળમાં સ્થાન પામેલા છે. તેમણે ભૂમિતિ, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને નાગરિકશાસ્ત્ર જેવા વિષયોમાં મૌલિક અને અનુવાદો મળી કુલ 143 પુસ્તકો આપ્યાં છે. આમાંથી કેટલાંક તો ઉર્દૂમાં વણખેડાયેલાં ક્ષેત્રનાં હતાં. આમ છતાં, તેમની વિદ્વત્તા એક ઇતિહાસવિદ તરીકે જાણીતી બની છે. 10 ગ્રંથોમાં તેમણે લખેલ ‘તારીખે હિન્દુસ્તાન’ આજે પણ ખૂબ જાણીતો ગ્રંથ છે. અંગ્રેજોએ તેમને ‘ખાન બહાદુર’ અને ‘શમસુલઉલમા’ના ખિતાબો આપ્યા હતા.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા