ઝંડુ ભટ્ટજી (જ. 1831; અ. 1898) : આયુર્વેદના ભેખધારી વૈદ્ય. જામનગરના પ્રશ્નોરા નાગર જ્ઞાતિના વિઠ્ઠલ ભટ્ટજીના પુત્ર. 1540માં જામનગર રાજ્ય બન્યું ત્યારથી તેમના કુળના મૂળપુરુષ હાદા વેદાનાં રાજદરબારમાં માન અને સ્થાન હતાં. પિતા વિઠ્ઠલ ભટ્ટ જામનગરના મહારાજા રણમલ જામના રાજવૈદ્ય હતા. તેમનામાં રોગનિદાન અને સારવારની અદભુત શક્તિ હતી.
ઝંડુ ભટ્ટજીમાં પિતા અને દાદાની અદભુત વૈદકવિદ્યાનો ઉત્તમ વારસો ઊતર્યો હતો. માત્ર 23 વર્ષની વયે જામનગરના મહારાજાના દરબારમાં તે રાજવૈદનું સન્માનભર્યું પદ અને ગૌરવ પામ્યા હતા. અસાધ્ય રોગના દર્દીઓ તેમની સારવારથી તદ્દન સ્વસ્થ થઈ જતા હતા. તે દર્દીમાત્રમાં પુત્રભાવ જોતા અને તેવા સ્નેહભાવથી તેમની સારવાર કરતા. દર્દીને કોઈ પણ સમયે તપાસતાં તેમને ક્યારેય કંટાળો આવતો નહિ. કોઈ નવું દર્દ તેમને દેખાયું હોય તો તે અંગે તે રાતદિવસ વિચાર કરતા. કોઈ દર્દીની સારવાર ચાલુ હોય તે દરમિયાન તેમને કોઈ નવા ઔષધ વિશે વિચાર આવે તો તે દર્દીને ઘેર જઈને ઔષધમાં ફેરફાર કરતા. ઘણી વાર તો દર્દીને પોતાને ઘેર રાખી તેની સારવાર કરતા. તેમની સારવારથી સ્વસ્થ થનારા દર્દી એમને કહેતા કે ‘વૈદ્યરાજ, આવી સેવાચાકરી તો ખુદ અમારા દીકરા પણ ન કરે !’ તેમને મન દુ:ખી દર્દીના આત્માને સંતોષ આપવો એ જ ખરી ઈશ્વરપૂજા હતી. તેથી તે પ્રભુસેવાના સમયે આવેલ દર્દીની પણ તરત ચિકિત્સા કરવા લાગી જતા. તે મહાન જનસેવક અને જ્ઞાતિસેવક હતા. પોતાની પાસે પૈસા ન હોય તો બીજા પાસેથી ઉછીના લાવીને પણ તે પૈસાથી બીજા લોકોનાં દુ:ખ મટાડવામાં તેમને ખૂબ આનંદ આવતો. સાધુસંતોને પણ તે ઉદારતાથી મદદ કરતા. રાજદરબાર કે મોટા લોકો દ્વારા અન્યાય પામેલા લોકોને પોતાની વિદ્યા અને મોભાની મદદથી ન્યાય અપાવતા.
આ વૈદ્યરાજના વંશજો હાલ મુંબઈમાં તેમના નામ પરથી ‘ઝંડુ આયુર્વેદિક ફાર્મસી’ નામે મોટી ફાર્મસી ચલાવે છે.
બળદેવપ્રસાદ પનારા