ઝહીર અબ્બાસ (જ. 24 જુલાઈ 1947, સિયાલકોટ, પાકિસ્તાન) : પાકિસ્તાનનો ચશ્માંધારી જમોડી બૅટ્સમૅન. સ્લિપના સ્થાનના આ ચબરાક ફિલ્ડરે ઉચ્ચ કક્ષાની, આક્રમક અને છટાદાર બૅટિંગથી ‘એશિયન બ્રૅડમૅન’, ‘રન મશીન’ કે ‘બેવડી સદીના સમ્રાટ’ તરીકે નામના મેળવી. એની આક્રમકતા ખીલે ત્યારે એના ડ્રાઇવ, કટ અને હૂક-સ્ટ્રોક મંત્રમુગ્ધ કરી દેતા. ‘ઝેડ’ના હુલામણા નામથી જાણીતો ઝહીર 1970થી કૉન્ટેક્ટ લેન્સ પહેરીને ખેલતો હતો. તેણે 13 ટેસ્ટમાં પાકિસ્તાનનું સુકાનીપદ સંભાળ્યું હતું.

1965–66માં કરાંચી વાઇટ્સ તરફથી પ્રથમ કક્ષાના ક્રિકેટનો તેણે પ્રારંભ કરેલો. કાયદે-આઝમ ટ્રૉફીમાં 1967માં તેની બૅટિંગ-સરેરાશ 93.00 હતી. 1972માં ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ સ્પર્ધામાં ગ્લુસ્ટરશાયર કાઉન્ટી ક્લબ તરફથી રમીને કાઉન્ટી ક્રિકેટમાં મોસમમાં 1000 ઉપરાંત રન 8 વાર નોંધાવવાની સિદ્ધિ મેળવી. એક જ મૅચમાં અણનમ બેવડી સદી અને અણનમ સદીની સિદ્ધિ 3 વાર નોંધાવી. 1976માં સરે સામે અણનમ 216 અને અણનમ 156, કેન્ટ સામે અણનમ 230 અને અણનમ 104 તથા 1977માં સસેક્સ સામે અણનમ 205 તથા અણનમ 108 રન નોંધાવ્યા હતા. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 68 સદી સાથે કુલ 22,239 રન  નોંધાવ્યા અને તેણે 212 કૅચ ઝડપ્યા હતા તથા 20 વિકેટો ઝડપી હતી. ટેસ્ટ-કારકિર્દીનો પ્રારંભ 1969–70માં કરાંચીમાં ન્યૂઝીલૅન્ડ સામે કર્યો. 1971માં ઇંગ્લૅન્ડ સામે એજબાસ્ટન ટેસ્ટમાં 9 કલાક 10 મિનિટની લાંબી રમતમાં 38 ચોગ્ગા સાથે 274 રનનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો નોંધાવ્યો. 1974માં ફરીથી ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ઓવલના મેદાન પર 240 રન નોંધાવ્યા તથા 1978માં ઘરઆંગણે પ્રવાસી ભારત સામે લાહોર ખાતે અણનમ 235 રન નોંધાવ્યા.

અબ્બાસ ઝહીર

ઝહીર અબ્બાસે 78 ટેસ્ટના 124 દાવમાં 11 વખત અણનમ રહી 44.79ની સરેરાશથી 5062 રન નોંધાવ્યા હતા. તેમાં 12 સદી અને 20 અર્ધશતક છે. 34 ટેસ્ટ-કૅચ પણ તેણે ઝડપ્યા છે.

જગદીશ બિનીવાલે