જ્વાળામુખી ખડકો (volcanic rocks) : પ્રસ્ફુટન દ્વારા બહાર નીકળી આવતા લાવાની ઠરવાની ક્રિયાથી તૈયાર થતા બહિર્ભૂત ખડકો. એચ. એચ. રીડ દ્વારા વર્ગીકૃત કરાયેલા અગ્નિકૃત ખડકોના 3 પ્રકારો પૈકીનો બહિર્ભૂત અથવા પ્રસ્ફુટિત ખડકોનો પ્રકાર. લાવાનું પ્રસરણ મોટે ભાગે શંકુ-પ્રસ્ફુટન પ્રકારનું હોય છે, તેમ છતાં ક્યારેક તે ફાટ-પ્રસ્ફુટનથી પણ થતું હોય છે. આ પ્રક્રિયા જ્વાળામુખી પ્રક્રિયા તરીકે ઓળખાતી હોવાથી આ ખડકો સામાન્ય રીતે જ્વાળામુખી ખડકોના નામથી ઓળખાય છે. લાવાના બહિર્સ્ફુટન વખતે પોપડાના તદ્દન છીછરા ભાગોમાં અંદરની બાજુએ પણ તે ફેલાય છે તેથી જ્વાળામુખી ખડકો ઓછેવત્તે અંશે અંતર્ભેદકો સાથે સંકળાયેલા હોય છે. આ કારણે આ ખડકો પ્રધાનપણે બેઝિક પ્રકૃતિવાળા હોય છે અને મોટે ભાગે (પણ આવશ્યકપણે નહિ) ગિરિનિર્માણ સાથે સંકળાયેલા જોવા મળે છે. પ્રસ્ફુટિત લાવાના બંધારણ, તેની તરલતા કે સ્નિગ્ધતા મુજબ તે અતિસંતૃપ્ત, સંતૃપ્ત, અસંતૃપ્ત તેમજ ઍસિડિક, અર્ધઍસિડિક કે બેઝિક હોઈ શકે છે.
આ ખડકો લાવાના પ્રવાહો સ્વરૂપે કે જ્વાળામુખી ભસ્મ અને નાનામોટા ટુકડાના એકત્રીકરણથી બનતા વિષમાંગ જ્વાળામુખી-નિક્ષેપ રૂપે જામે છે. જો લાવા ઝડપથી ઠરે તો કાચમય કે સૂક્ષ્મદાણાદાર, સૂક્ષ્મ સ્ફટિકમય કણરચનાવાળા ખડકો બને છે; જેમ કે ઑબ્સિડિયન, પિચસ્ટોન, હ્રાયોલાઇટ, ટ્રેકાઇટ, ડેસાઇટ, ઍન્ડેસાઇટ કે સૂક્ષ્મદાણાદાર બેસાલ્ટ. પ્રસ્ફુટિત લાવાનું સ્ફટિકીકરણ ઊંચા તાપમાનના અમુક ગાળા દરમિયાન થતું રહે છે; તેથી સેનિડીન, બેઝિક પ્લૅજિયોક્લેઝ જેવાં લાક્ષણિક ખનિજો તૈયાર થાય છે. લાવાના પ્રવાહોના થરમાંથી વાયુબાષ્પ પરપોટા રૂપે નીકળી જતાં થરના ઉપરના ભાગમાં કોટરયુક્ત સંરચનાવાળા ખડકો બને છે; જેમ કે, કોટરયુક્ત બૅસાલ્ટ, સ્કોરિયા વગેરે જેવા છિદ્રાળુ ખડકો.
જ્વાળામુખી ખડકો ઠરવાની મુખ્ય 2 કક્ષાઓ રજૂ કરે છે : એક ઉપર જણાવ્યા પ્રમાણેની પ્રસ્ફુટિત કક્ષા, બીજી ઊંડાણની પ્રારંભિક કક્ષા, જેમાં બહાર આવતા પ્રવાહીનું વલણ મૅગ્માના ઘનીભવન પ્રકારનું હોય છે, તેમાં મોટા કદના કેટલાક ખનિજ સ્ફટિકો બન્યા પછીથી લાવા સાથે બહાર આવીને ઠરતા લાવામાં જડાઈ જાય છે. બહાર ઠરતા લાવાના ખડકોની કણરચના કાચમય કે સૂક્ષ્મસ્ફટિકમય હોય અને તેમાં અગાઉથી બનેલા મહાસ્ફટિકો જડાયેલા હોવાથી અર્ધસ્ફટિકમય (porphyritic) કણરચના તૈયાર થાય છે. જ્વાળામુખી ખડકોમાં જોવા મળતી આ સર્વસામાન્ય કણરચના છે. ઑબ્સિડિયન, પિચસ્ટોન, ટેકીલાઇટ સિવાયના અન્ય જ્વાળામુખી ખડકો આ પ્રકારની કણરચનાવાળા પણ હોય છે.
જ્વાળામુખી ખડકો દુનિયાના જ્વાળામુખીને પાત્ર પ્રદેશોના પટ્ટામાં તેમજ જ્યાં જ્યાં જ્વાળામુખી શંકુઓ આવેલા છે ત્યાં ત્યાં પથરાયેલા મળી આવે છે. ભારતમાં આ પ્રકારના ખડકો દ્વીપકલ્પીય અને બાહ્યદ્વીપકલ્પીય વિસ્તારોમાં વિશાળ વિભાગો આવરી લે છે. ડેક્કન ટ્રેપ રચના આ પ્રકારના વિવિધ ખડકો માટેનું જ્વલંત ઉદાહરણ છે. સમગ્ર મહારાષ્ટ્ર અને કર્ણાટક; મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાતના કેટલાક ભાગોમાં આ રચનાના જુદા જુદા ખડકપ્રકારો જોવા મળે છે. ગુજરાતમાં તે મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છના મધ્ય ભાગમાં મળે છે. પાવાગઢ અને આજુબાજુનો વિસ્તાર જ્વાળામુખી ખડકોથી બનેલો છે.
જ્વાળામુખી ખડકો પૈકી બૅસાલ્ટ બાંધકામ માટે આર્થિક ઉપયોગિતાની ર્દષ્ટિએ ઘણો મહત્વનો છે.
ગિરીશભાઈ પંડ્યા