જ્વર, ડેન્ગ્યૂ

January, 2014

જ્વર, ડેન્ગ્યૂ (Dengue fever) : ટોગા વિષાણુ(ડેન્ગ્યૂ-પ્રકાર1-4)થી થતો તાવ અને લોહી વહેવાનો વિકાર. તેના વિષાણુનો મુખ્ય આશ્રયદાતા માણસ છે. તે એડીઝ ઇજિપ્તી નામના મચ્છરથી ફેલાય છે. ખાસ કરીને તે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે. વિવિધ અભ્યાસોમાં તેનાથી થતું મૃત્યુનું પ્રમાણ 0 %થી 10 % છે. ગરમીની ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ વધે ત્યારે ક્યારેક તેનો રોગચાળો ફાટી નીકળે છે. એક વખત આ રોગ થાય અને મટી જાય તો 9 મહિના સુધી તેની સામે રક્ષણ મળે છે. જો વારંવાર તેના હુમલા થયા હોય તો તે કાયમી પ્રતિરક્ષા (immunity) આપે છે. અન્ય આર્બો વિષાણુઓ (દા. ત., પીત જ્વર) સાથે તેની સહ-પ્રતિરક્ષા (cross-immunity) મળે છે તેથી બેમાંથી કોઈ એક રોગ થાય તો બીજા સામે પણ વ્યક્તિ સુરક્ષિત થાય છે.

ચેપ લાગ્યા પછી 5થી 6 દિવસે તેનાં લક્ષણો ઉદભવે છે. રોગની તીવ્રતામાં ઘણો ફરક રહે છે. પ્રથમ બે દિવસ થાક અને માથું દુખવાનાં પૂર્વલક્ષણો (prodrome) થાય છે. ત્યારબાદ ઉગ્ર સ્વરૂપે તાવ, શરીરનો દુખાવો, લાલ અને દુખતી આંખો, આંખમાં પાણી વહેવું, અરુચિ, ઊબકા, ઊલટી, હૃદયના ધીમા ધબકારા, થાક અને ખિન્નતા થાય છે. તાવ સતત રહે છે અને તે વચ્ચે (ચોથા કે પાંચમા દિવસે) શમીને પાછો ફરીથી આવે છે. સામાન્ય રીતે તે કુલ 7થી 8 દિવસ રહે છે. આમ, તેનો આલેખ જીનના આકારનો (saddle-back) હોય છે. ધીમે ધીમે હાથ અને પગના પૃષ્ઠ ભાગ પર લાલાશ પડતો સ્ફોટ (rash) થાય છે. તે શરીરમાં બધે પ્રસરે છે. તેમાંથી ફરીથી તંદુરસ્તી મેળવવાની પ્રક્રિયા (પુન:સ્વાસ્થ્યસ્થાપન, convalescence) ધીમી થાય છે. જોકે કેટલાક દર્દીઓમાં ઉપર જણાવેલાં લક્ષણો દેખા ન પણ દે.

અગ્નિએશિયામાં, અને ક્યારેક અન્યત્ર, તાવના ત્રણ કે ચાર દિવસથી ચામડીમાં રુધિરસ્ફોટ (petechiae), લોહીનાં ચકામાં (acchymosis), નસકોરી ફૂટવી, શ્યામમળ (malaena) વગેરે લોહી વહેવાના વિકારો થાય છે અને લોહીનું દબાણ ઘટી જાય છે. તેને ડેન્ગ્યૂ રુધિરસ્રવી (haemorrhagic) જ્વર કહે છે. તેની સારવાર છતાં 10 % દર્દી મૃત્યુ પામે છે. વિષાણુ સામેની અતિસંવેદનશીલતાને કારણે આ પ્રકારનો વિકાર થાય છે એવું મનાય છે.

લક્ષણો અને ચિહનોનું નિદાન સરળ છે. લોહીમાં શ્વેતકોષો ઘટે છે. વિષાણુને કે તેની સામેનાં પ્રતિદ્રવ્યોને લોહીમાં દર્શાવીને નિદાન કરી શકાય છે. કોઈ વિશિષ્ટ સારવાર વિકસેલી નથી તેથી તાવ અને લોહી વહેવાના વિકારની લક્ષણ-લક્ષી (symptomatic) સારવાર અપાય છે. જો પૅરાસિટેમોલથી દુખાવો ઘટે નહિ તો અફીણજૂથની દવાઓ વપરાય છે. નસ વાટે પ્રવાહી, લોહી તથા કોર્ટિકોસ્ટીરોઇડ અપાય છે.

શિલીન નં. શુકલ