જ્યેષ્ઠાદેવી : શૈવ આગમમાં વર્ણિત પરાશક્તિનું વિલક્ષણ સ્વરૂપ. આ દેવીની પૂજા ઘણી જૂની છે. બોધાયન ગૃહ્યસૂત્રમાં આ દેવીની પૂજા અંગે અક પ્રકરણ આપેલું છે. સમુદ્રમંથન વખતે ક્ષીરસાગરને વલોવવામાં આવ્યો ત્યારે લક્ષ્મીની પહેલાં જ્યેષ્ઠા ઉત્પન્ન થઈ, પણ કોઈએ એના કુરૂપને કારણે પસંદ કરી નહિ, પરંતુ ઋષિ કપિલે તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી અને તે કપિલપત્ની તરીકે જાણીતી થઈ.
શૈવાગમમાં જ્યેષ્ઠાદેવીની પૂજા અંગે એના સ્વરૂપનું વિગતે નિરૂપણ થયું છે, શિવાચાર્ય ત્રિલોચનરચિત ‘સિદ્ધાંત સારાવલી’ અને એની ટીકામાં આ દેવીના સ્વરૂપ વિશે જણાવ્યું છે કે વામાના સ્વરૂપમાં એ પરાશક્તિ છે અને તે પંચકૃત્યની અધિકારિણી બને છે. પંચકૃત્યોમાં સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોધાન અને અનુગ્રહ. આથી જ્યેષ્ઠા આઠ તત્વોનું પ્રતિનિધિત્વ ધરાવે એવાં આઠ સ્વરૂપોમાં અભિવ્યક્ત થાય છે, જેમકે પૃથ્વીમયી તરીકે વામા, જલરુપિણી તરીકે જ્યેષ્ઠા, અગ્નિ-આકાશ તરીકે રૌદ્રી, વાયુ-આકાશ તરીકે અકાલી, આકાશરૂપિણી તરીકે કાલવિકરણી, ચંદ્રરૂપિણી તરીકે બાલવિકરણી, સૂર્યરૂપા તરીકે બાલપ્રમથની અને આત્મરૂપા તરીકે સર્વદમની છે.
જ્યેષ્ઠાદેવીનું મૂર્તિવિધાન આ પ્રમાણે છે : દેવીને બે હાથ અને બે આંખો હોય છે. જમણા હાથે અભયમુદ્રા કે નીલોત્પલ પુષ્પ ધારણ કરેલું હોય છે જ્યારે ડાબો હાથ આસન ઉપર ટેકવેલો હોય છે. મોટા ગાલ, લચેલાં સ્તન, ભારે જંઘા, નીચું નાક, લટકતો હોઠ, મોટું પેટ અને વર્ણ શ્યામ શાહી જેવો હોય છે. ભદ્રાસનમાં એક પગ નીચે લટકાવીને બેસે છે. દેવીની જમણી બાજુ એમનો અર્ધમાનવ પુત્ર ઊભો હોય છે. જેનું મુખ વૃષભનું, જમણા હાથમાં દંડ અને ડાબા હાથમાં દોરડું ધારણ કર્યું છે. દેવીની ડાબી બાજુ એમની પુત્રીનું શિલ્પ કંડારેલું હોય છે. તે સુંદર નવયૌવના સ્વરૂપ ધરાવે છે. જમણા હાથમાં નીલોત્પલ પુષ્પ ધારણ કરેલ છે. જ્યેષ્ઠાદેવીના ધ્વજનું ચિહન કાગડો છે અને એમનું વાહન ગર્દભી છે.
મનોન્મની શક્તિરૂપ જ્યેષ્ઠાદેવી તમામ જિજ્ઞાસુ જીવોનું શિવની સાથે ઐક્ય કરી આપે છે અને ઐક્ય કરતાં પહેલાં જીવોની તેમના મળ, પાપ વગેરેમાંથી શુદ્ધિ કરાવે છે.
પ્રવીણચંદ્ર પરીખ