જ્ઞાની ઝૈલસિંઘ (જ. 5 મે 1916, સંઘવાણ, ફરીદકોટ; અ. 25 ડિસેમ્બર 1994, ચંડીગઢ) : રાજનીતિજ્ઞ અને ભારતના સાતમા રાષ્ટ્રપતિ. 6 વર્ષની નાની વયે ખેડૂત પિતા કિશનસિંઘની છત્રછાયા ગુમાવનાર આ બાળક પર માતાનો સવિશેષ પ્રભાવ.
શરૂઆતનાં વર્ષો મહેનત-મજૂરી કરીને ગુજારવાં પડ્યાં. એ માટે રસ્તાઓ બાંધવાનું, કૂવા ખોદવાનું અને તલવાર બનાવવાનું એમ વિવિધ કામો કર્યાં, જેને કારણે મહેનતકશ અને નિરભિમાની ઇન્સાન તરીકે ઘડતર થતું ગયું.
વીસ આસપાસનાં વર્ષોમાં શીખ ધર્મ, ધર્મગ્રંથો અને તેના ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો. ઉર્દૂ અને હિંદી ભાષા પર સારું પ્રભુત્વ હાંસલ કર્યું. માર્ચ, 1931માં ભગતસિંહને અપાયેલી ફાંસીની ઘટનાથી તેઓ પંજાબના પીઢ ક્રાંતિકારીઓ બાબા ઈસરસિંગ અને બાબા આત્મસિંગની નજીક આવ્યા. ફરીદકોટ જેવા દેશી રાજ્યમાં 1938ના એપ્રિલમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની શાખા શરૂ કરી. આ કૃત્ય રાજાની નજરમાં શાસન વિરુદ્ધનો પડકાર ગણાયું અને તે બદલ તેમણે 5 વર્ષ એકાંતકેદની સજા ભોગવી. 1943માં જેલમાંથી છૂટી અમૃતસર આવી શીખ મિશનરી બન્યા. ભારતમાં આ તબક્કે સ્વાતંત્ર્યચળવળનો જુવાળ ફેલાયેલો હતો. તેમણે પણ ફરીદકોટ આવી ત્રિરંગો લહેરાવ્યો તેમજ પ્રજાભિમાન અને દેશભક્તિની પ્રતીતિ રૂપે ફરીદકોટમાં સમાંતર સરકાર સ્થાપી રાજાની ખફગી વહોરી લીધી. તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો. આ બાબતે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતાગણનું ધ્યાન દોરાતાં પંડિત જવાહરલાલ નેહરુએ ફરીદકોટની મુલાકાત લીધી. જવાહરલાલ નેહરુ સાથેનો આ સંપર્ક નેહરુ કુટુંબ સાથેના ગાઢ સંબંધમાં પરિણમ્યો; બીજી તરફ કૉંગ્રેસના સંસ્થાકીય સંગઠનમાં તેઓ સક્રિય બનવા લાગ્યા.
પતિયાળા અને પૂર્વ પંજાબ યુનિયન(પેપ્સુ)ની સ્થાપના થઈ ત્યારે ફરીદકોટને તેમાં ભેળવી દેવાતાં તેઓ પેપ્સુમાં ખેતીવાડી ખાતાના પ્રધાન બન્યા. અહીં તેમણે સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોને થતા અન્યાય દૂર કરવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી. 1955–56માં પેપ્સુની પ્રદેશ કૉંગ્રેસ કમિટીના તેઓ પ્રમુખ બન્યા. 1 નવેમ્બર, 1956ના રોજ પેપ્સુ પંજાબ રાજ્ય સાથે જોડાતાં કૈરોન પ્રધાનમંડળમાં તેઓ પ્રધાન તરીકે જોડાયા.
1962થી 1972 દરમિયાન તેમની કામગીરી વિવિધલક્ષી રહી; પરંતુ મુખ્યત્વે તેમણે કૉંગ્રેસ પક્ષમાં સક્રિય ભૂમિકા ભજવી તથા જાતિવાદ અને શોષણનાં પરિબળો વિરુદ્ધ તેઓ લડતા રહ્યા. અકાલીદળના નેતૃત્વ હેઠળના શીખ કટ્ટરવાદીઓને તેઓ સફળતાથી ખાળી શક્યા; તે તેમની નોંધપાત્ર રાજકીય સિદ્ધિ ગણાઈ. 1971ની લોકસભાની અને 1972ની વિધાનસભાની ચૂંટણીઓમાં તેમના નેતૃત્વ નીચે કૉંગ્રેસે પંજાબમાં નિર્ણાયક વિજય હાંસલ કર્યો. 1980માં તેઓ સાતમી લોકસભામાં ચૂંટાયા અને કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા.
1982ના 25મી જુલાઈના રોજ તેઓ ભારતીય ગણતંત્રના સાતમા રાષ્ટ્રપતિ વરાયા. ભારતના રાષ્ટ્રપતિ અને સરસેનાધિપતિની રૂએ તેમણે ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ને મંજૂરીની મહોર મારી રાષ્ટ્રીય હિતની સર્વોચ્ચતાને માન્ય કરી હતી.
રક્ષા મ. વ્યાસ