જ્ઞાનેન્દ્રપતિ (જ. 1950, પથરગામા, જિ. ગોડ્ડા, ઝારખંડ) : હિંદી કવિ. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી અને ભોજપુરી ભાષાઓની જાણકારી ધરાવે છે. તેઓ 10 વર્ષ સુધી બિહાર સરકારના રાજ્યપત્રિત અધિકારી તરીકે કાર્યરત રહ્યા. ‘સંશયાત્મા’ કાવ્યસંગ્રહ બદલ તેમને 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

જ્ઞાનેન્દ્રપતિ

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ હાથ બનતે હુએ’ ‘પહચાન’ શૃંખલા હેઠળ 1970માં પ્રકાશિત થયો. તેમના બીજા 4 કાવ્યસંગ્રહો જાણીતા છે; તેમાં ‘શબ્દ લિખને કે લિએ હી યહ કાગજ બના હૈ’, ‘ભિનસાર’, ‘સંશયાત્મા’ મુખ્ય છે. તેમના કથેતર ગદ્યનો એક સંગ્રહ પણ પ્રગટ થયો છે.

તેમને બનારસી પ્રસાદ ભોજપુરી સન્માન, બિહાર રાષ્ટ્રભાષા પરિષદનું સાહિત્યસેવા સન્માન, શમશેર સન્માન અને પહલ સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘સંશયાત્મા’માં કવિની સંવેદના અને સામાજિક તરફદારી સાથે ભારતીય સમાજનું સકારાત્મક નિરૂપણ થયું છે. તેમાં પરંપરા અને પ્રયોગનો સમન્વય છે. હિંદી કવિતાક્ષેત્રે નવી રચનાત્મક ઊર્જાના વિશેષ રૂપના આવિષ્કારના કારણે આ કૃતિ હિંદીમાં લખાયેલ ભારતીય કાવ્યમાં ઉલ્લેખનીય પ્રદાન મનાય છે.

બળદેવભાઈ કનીજિયા