જોષી, નેમ નારાયણ (જ. 30 જુલાઈ 1925, ડોડિયાના, જિ. નાગૌર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી ભાષાના, વિદ્વાન લેખક. તેમને તેમનાં સંસ્મરણ ‘ઓળૂં રી અખિયાતાં’ (1994) માટે 1996ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી 1949માં હિંદીમાં એમ.એ. તથા 1970માં એમએલ સુખડિયા યુનિ.માંથી પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે ઉદેપુરની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાં હિંદી તથા રાજસ્થાનીના પ્રાધ્યાપક અને તે વિભાગના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.

તેમનાં અનેક સંશોધનવિષયક પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં હિંદીમાં : ‘સુમિત્રાનંદન પંતનું નવચેતન કાવ્ય’ (1970) તથા ‘ચિંતત-અનુચિંતન’ મુખ્ય છે. તેમણે એક મધ્યકાલીન કૃતિ (1975) નામક નિબંધસંગ્રહ ‘માર્કંડેયકૃત ‘સજ્જન વિનોદ’ (1980)નું સંપાદન પણ કર્યું. તેમણે ‘બિંદુ’ અઠવાડિક અને ‘મધુમતી’ માસિક જેવાં સાહિત્યવિષયક સામયિકોનું પણ સંપાદન કર્યું છે.

તેમને સૂર્યમલ્લ મિશ્ર શિખર પુરસ્કાર (1995), પંડિત વ્રજમોહન જોષી પુરસ્કાર તથા ગૌરીશંકર કમલેશ સ્મૃતિ પુરસ્કાર 1996માં ઉપર્યુક્ત કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1997માં ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

તેમની રાજસ્થાનીમાં લખાયેલ પુરસ્કૃત કૃતિ ‘ઓળૂં હી અખિયાતાં’ (સંસ્મરણ)માં ‘વસ્તુજગતના સાર’ની અલૌકિક ખોજ લેખકે કરી છે. અંતર્મનની ઘટનાઓનું કલાત્મક નિરૂપણ, સાહિત્યિક, સાંસ્કૃતિક અને વૈચારિક સંબંધોનું પ્રતિબિંબ, પ્રાસાદિક ગદ્ય તથા આધ્યાત્મિક અંતર્દષ્ટિની કુશળતાપૂર્વકની ગૂંથણીને લીધે આ કૃતિ હિંદી પદ્યસાહિત્યમાં એક નોંધપાત્ર યોગદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા