જોષી, મનોહર શ્યામ (જ. 9 ઑગસ્ટ 1933, અજમેર, રાજસ્થાન અ. 30 માર્ચ 2006 દિલ્હી.) : હિંદી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ક્યાપ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ ‘સાપ્તાહિક હિંદુસ્તાન’ નામના હિંદી સામયિકના સંપાદક, ‘મૉર્નિંગ ઇકો’ અંગ્રેજી દૈનિક તથા ‘વીક ઍન્ડ રિવ્યૂ’ના સંપાદક રહ્યા હતા. સેન્ટ્રલ ઇન્ફર્મેશન બ્યૂરોના તેઓ સભ્ય હતા.

મનોહર શ્યામ જોષી

21 વર્ષની વયે તેમણે લેખનકાર્ય શરૂ કર્યું હતું. તેમની પ્રથમ નવલકથા ‘કુરુ-કુરુ સ્વાહા’ 1981માં પ્રગટ થઈ. તેમણે 13 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કુરુ-કુરુ સ્વાહા’, ‘કસપ’, ‘હરિયા હરક્યૂલિસ કી હૈરાની’, ‘હમઝાદ’, ‘તા તા પ્રોફે. ષષ્ઠી વલ્લભ પંત’, ‘બુનિયાદ’ નામક નવલકથાઓ; ‘બાતોં બાતોં મેં’ મુલાકાતો; ‘નેતાજી કહીં’, ‘ઉસ દેશ કા યારોં ક્યા કહના’ કટાક્ષલક્ષી ગ્રંથો; ‘કક્કાજી કહીં’ (ટેલિવિઝન નાટક); ‘પ્રભુ તુમ કૈસે કિસ્સાગો’, ‘મંદિર કી ઘાટ કી પૈડિયોં પર’ વાર્તાસંગ્રહો છે. ભારતીય દૂરદર્શનના ઇતિહાસમાં અત્યંત લોકપ્રિય ધારાવાહિક ‘હમલોગ’ તથા ‘બુનિયાદ’ના લેખન દ્વારા તેઓ હિંદી  ટેલિવિઝન શ્રેણીઓના અગ્રેસર બન્યા.

તેમને મધ્ય પ્રદેશ સાહિત્ય પરિષદ સન્માન, શરદ જોષી સન્માન, શિખર સન્માન, દિલ્હી હિંદી અકાદમી ઍવૉર્ડ, ઓનિડા પિનેકલ આજીવન ઉપલબ્ધિ પુરસ્કાર, ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ક્યાપ’ દુનિયામાં પરિવર્તન લાવવાનાં સ્વપ્ન અને આદર્શના કરુણાજનક પરિણામ વર્ણવતી નવલકથા છે. તેમાં તેમના સમયના વિકૃત, ઘૃણાસ્પદ સમાજનું યથાર્થ હૃદયદ્રાવક ચિત્રાંકન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. કુમાઉની સંસ્કૃતિ તેમની લોકકથાઓ, રૂઢિઓ, પરંપરાઓ અને કર્મકાંડોનું મૂર્તિમંત રેખાંકન, વિલક્ષણ શૈલીમાં તીક્ષ્ણ વ્યંગ્યવિનોદ સાથે અને ભાવાત્મક ભાષામાં કરાયું હોવાથી આ કૃતિ હિંદીમાં લખાયેલ ભારતીય કથા-સાહિત્યમાં અનન્ય પ્રદાનરૂપ ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા