જોષી, અરુણ (જ. 1939, બનારસ, ઉત્તરપ્રદેશ; અ. 1993) : અંગ્રેજીમાં લખતા હિંદીના ખ્યાતનામ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘ધ લાસ્ટ લૅબરિન્થ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

1956માં ચંડીગઢની સરકારી કૉલેજમાંથી ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇન્ડસ્ટ્રિયલ મૅનેજમેન્ટમાં ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયા. 1959માં કૅન્સાસ યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી મેળવી અને મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી 1960માં એમ.એસસી.ની ડિગ્રી મેળવી.

ભારતમાં પાછા ફરીને તેઓ 1961માં દિલ્હી ક્લૉથ ઍન્ડ જનરલ મિલ્સ કંપનીમાં રિક્રૂટમેન્ટ ઍન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટના વડા તરીકે જોડાયા. તે સંસ્થામાં અનેક વહીવટી સ્થાનો પર કામગીરી કર્યા પછી 1965માં નિવૃત્ત થઈને તેમણે ડીઝલ-એન્જિનો અને યાંત્રિક ઓજારોના ઉત્પાદનનો પોતાનો ઉદ્યોગ સ્થાપ્યો. જોકે તેઓ ‘શ્રી રામ સેન્ટર ફૉર ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ ઍન્ડ હ્યૂમન રિસૉર્સિસ’ના કારોબારીના અધ્યક્ષપદે રહ્યા. વળી મૅનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ તરીકે પણ તેમણે સેવા આપી.

તેઓ લલિતકલાઓમાં ઊંડો રસ ધરાવે છે. તેમણે શ્રી રામ સેન્ટર ફૉર આર્ટ્સ ઍન્ડ કલ્ચર અને હિંદુ કૉલેજ, દિલ્હીના સંચાલક મંડળમાં પણ કામગીરી બજાવી છે. તેમની સંખ્યાબંધ નવલકથાઓ અને વાર્તા-સંગ્રહો પ્રગટ થયાં છે. તેમાં ‘ફૉરિનર’ (1968) અને ‘ધ સ્ટ્રેન્જ કેસ ઑવ્ બિલી બિસ્વાસ’ (1971) નામક નવલકથાઓથી તેઓ તેજસ્વી નવલકથાકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ ઉપરાંત ‘એપ્રેન્ટિસ’ નવલકથા (1974); વાર્તાસંગ્રહ ‘સર્વાઇવર’ (1976) તથા ‘લાલા શ્રી રામ : અ સ્ટડી ઇન આંત્રપ્રેનરશિપ ઇન ઇન્ડસ્ટ્રિયલ મૅનેજમેન્ટ’ નામક ચરિત્ર (1975) ઉલ્લેખનીય છે. 1979માં ઈસ્ટ-વેસ્ટ સેન્ટરના નિમંત્રણથી તેમણે હૉનોલુલુ, હવાઈ ખાતે વર્લ્ડ્ઝ રાઇટર્સ કૉન્ફરન્સમાં હાજરી આપી. તેઓ એક અતિ આશાસ્પદ કેન્દ્રીય અંગ્રેજી નવલકથાકાર તરીકે ખ્યાતિ પામ્યા.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ધ લાસ્ટ લૅબરિન્થ’ માનવ-અસ્તિત્વની સાર્થકતા માટેની અવિરત ખોજ, વાસ્તવિકતાના વિવિધ સ્તરોનું નિરૂપણ અને વર્ણનકલાના પડકારરૂપ આગવી ટૅકનિકને લીધે ભારતમાં લખાતા અંગ્રેજી સાહિત્યમાં ગણનાપાત્ર પ્રદાનરૂપ છે.

બળદેવભાઈ કનીજિયા