જોશી, માનસી (જ. 11 જૂન 1989, રાજકોટ, ગુજરાત) : ભારતીય પૅરાબૅડમિન્ટન ખેલાડી.

તેઓનું બાળપણ મુંબઈના અનુશક્તિનગરમાં પસાર થયું. માનસીના પિતા ગિરીશચંદ્ર ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરમાં વિજ્ઞાની તરીકે કાર્યરત હતા. નાનપણથી જ માનસીને રમતગમતનો શોખ હતો. છ વર્ષની વયથી તેઓ પિતા સાથે બૅડમિન્ટન રમતાં. શાળા અને કૉલેજ સ્તરે પણ તેમણે બૅડમિન્ટન અને ફૂટબૉલ જેવી રમતસ્પર્ધામાં ભાગ લીધો હતો. કે. જે. સોમૈયા કૉલેજ મુંબઈમાંથી તેઓ ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર બન્યાં અને મુંબઈની જ એક કંપનીમાં સૉફ્ટવૅર એન્જિનિયર તરીકે જોડાયાં.

ડિસેમ્બર, 2011માં શુક્રવારની સવારે માનસી પોતાની મોટરબાઇક ઉપર નવી શરૂ થયેલી નોકરીએ જવા નીકળ્યાં. તેમણે ફ્લાયઓવર પરથી યૂ ટર્ન લીધો ત્યાં જ ઊંધી દિશામાંથી આવતી ટ્રકે તેમને અડફેડે લીધા. અકસ્માત ખૂબ ગંભીર હતો. તેમનો પગ ચગદાઈ ગયો હતો. ખૂબ લોહી વહી ગયું હતું. અકસ્માતના લગભગ 9 કલાક પછી તેમને યોગ્ય સારવાર ઉપલબ્ધ થઈ, પણ ખૂબ મોડું થઈ ગયું હતું. 45 દિવસ સુધી તેઓ હૉસ્પિટલના બિછાને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં રહ્યાં. અંતે પગમાં સડો થવાથી તેમનો ડાબો પગ ઘૂંટણ નીચેથી કાપવો પડ્યો. 22 વર્ષની એક આશાસ્પદ યુવતી હતાશામાં સરી પડી.

અકસ્માત પછી પુનઃ તંદુરસ્તી અને ચુસ્તતા પ્રાપ્ત કરવા માનસીએ પોતાની પ્રિય રમત બૅડમિન્ટન રમવાનું શરૂ કર્યું. સાથે યોગ અને ધ્યાન તો ખરાં જ. એક પગે ચાલવામાં જ તકલીફ અનુભવતી હોય તો રમત  રમવી તો લગભગ અશક્ય જ ગણાય. આમ છતાં હતાશાને ખંખેરી માનસીએ સઘન તાલીમ લેવાની શરૂઆત કરી. આ સમય દરમિયાન તેને મિત્રો, પરિવારજનો અને અન્ય દિવ્યાંગ ખેલાડીઓ તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું. કૃત્રિમ પગ સાથે 2015માં તેમણે બૅડમિન્ટનની કારકિર્દીની શરૂઆત કરી.

સ્પેન ખાતે તેઓ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતા રમ્યા. સપ્ટેમ્બર, 2015માં ઇંગ્લૅન્ડ ખાતે યોજાયેલ પૅરાબૅડમિન્ટન વિશ્વ ચૅમ્પિયનશિપમાં મિક્સ્ડ ડબલ્સમાં તેઓ રજત ચંદ્રક જીત્યાં. 2018માં જાકાર્તામાં એશિયાઈ પૅરારમતોમાં તેઓ કાંસ્ય ચંદ્રક મેળવવામાં સફળ રહ્યાં. ઑગસ્ટ, 2019માં સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયેલ પૅરાબૅડમિન્ટન વિશ્વસ્પર્ધામાં તેમણે ભારતની જ પૅરાબૅડમિન્ટન વિજેતા પારુલ પરમારને હરાવી સુવર્ણચંદ્રક મેળવ્યો. 2018માં તેમણે કોચ પુલેલા ગોપીચંદને પોતાને તાલીમ આપવા વિનંતી કરી જે તેમણે સ્વીકારી અને તેઓ હૈદરાબાદ સ્થિત તેમની અકાદમીમાં જોડાઈ ગયાં. તેમના માર્ગદર્શન, સખત મહેનત તથા તાલીમને લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ ઉત્કૃષ્ટ દેખાવ કરવા સમર્થ બન્યાં. વિશ્વ ચૅમ્પિયનશિપમાં માનસીએ 2022 ટોકિયોમાં મિક્સ્ડ ડબલ્સમાં કાંસ્ય, મહિલા સિંગલ્સમાં કાંસ્ય, 2024માં પતાયામાં મહિલા સિંગલ્સમાં કાંસ્ય અને 2026માં મનામામાં મહિલા ડબલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. એશિયન પૅરા ગેઇમ્સમાં 2022માં તેમણે મહિલા ડબલ્સમાં રજત અને મહિલા સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.

માનસીએ આજે પૅરાબૅડમિન્ટન રમતમાં ટોચનું સ્થાન બનાવ્યું છે. 2022ની 8મી માર્ચે SL 3 શ્રેણીમાં માનસીએ પ્રથમ વિશ્વક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

કૃત્રિમ પગ સાથે બૅડમિન્ટનની રમતમાં આટલી સફળતા મેળવવા બદલ 2020માં પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ સામયિક દ્વારા તેમને ‘Next Generation Leader’નું બિરુદ આપવામાં આવ્યું. ‘ટાઇમ’ સામયિકની એશિયન આવૃત્તિના મુખપૃષ્ઠ ઉપર ચમકનારા તેઓ વિશ્વનાં તથા ભારતનાં પ્રથમ પૅરાઍથ્લીટ બન્યાં. 11 ઑક્ટોબર, 2020ના રોજ ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસે પ્રસિદ્ધ બાર્બીડોલના ઉત્પાદકો દ્વારા, કિશોરીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી માનસીની પ્રતિકૃતિ જેવી બાર્બીડોલ બનાવી હતી. બીબીસી દ્વારા તેમની ગણના વિશ્વની સૌથી વધુ પ્રેરણાદાયી અને સશક્ત નારીની યાદી(2020)માં કરવામાં આવી હતી. પી. વી. સિંધુ, મેરી કોમ, વિનેશ ફોગાટ અને દૂતી ચંદ સાથે માનસી જોશીને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (2020) માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં.

તેઓને 2017માં મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા એકલવ્ય ખેલ ક્રીડા પુરસ્કાર, 2019માં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા વર્ષના શ્રેષ્ઠ પૅરાઍથ્લીટ માટેનો પુરસ્કાર તથા 2020માં ફૉર્બ્સ ઇન્ડિયા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

અમલા પરીખ