જોશી, ભીમસેન (જ. 4 ફેબ્રુઆરી 1922, ગદગ, કર્ણાટક અ. 24 જાન્યુઆરી 2011 પુણે મહારાષ્ટ્ર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કલાકાર. પિતા શિક્ષક હતા. બાળપણથી જ અત્યંત જિદ્દી પ્રકૃતિ. જે કંઈ ઇચ્છતા તે પ્રાપ્ત કરીને જ રહેતા. આ ગુણ સંગીતસાધનામાં ખૂબ મદદરૂપ નીવડ્યો. પિતાજી સુંદર કીર્તન કરતા હતા. તેથી ગળથૂથીમાં જ સંગીત મળ્યું. માત્ર 11થી 12 વર્ષની કુમળી વયે જ સંગીતની લગન પાછળ ગૃહત્યાગ કર્યો અને મુંબઈ થઈને ગ્વાલિયર ગયેલા. ભારતીય સંગીતનાં ઘરાનામાં ગ્વાલિયર નગરીનું ગંગોત્રી જેવું સ્થાન છે. સંગીતના ગુરુની શોધમાં તે ગ્વાલિયરમાં ભમતા રહ્યા. ત્યાં તેમને લખનૌ તથા રામપુરનાં અનેક ખ્યાતિપ્રાપ્ત કલાકારોનો સાથ મળ્યો. સંગીત – સત્સંગમાં સરોદ નવાઝ ઉસ્તાદ હાફિઝ અલી ખાંસાહેબે મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું.

જાલંધરમાં યોજાયેલ હરિવલ્લભ સંગીત સંમેલનમાં ગ્વાલિયર ઘરાનાના પં. વિનાયકરાવ પટ્ટવર્ધનજીના કાર્યક્રમમાં ભીમસેનજી સાથ-સંગતમાં બેસી ગયા. પટ્ટવર્ધનજી તેમની સંગીત પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને લગનથી પ્રભાવિત થયા. આના ફળસ્વરૂપે પટ્ટવર્ધનજીએ ભીમસેનજીને કિરાના ઘરાનાના સવાઈ ગાંધર્વ જેવા ગાયક રામભાઉ કુંદગોલકરજી પાસે મોકલ્યા. ત્યાં અત્યંત આકરી સ્વરસાધના અને ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના કારણે માત્ર 5 વર્ષમાં જ ભારતના શ્રેષ્ઠ ગાયકોમાંના એક બન્યા.

ભીમસેન જોશી

તેમની ગાયકીમાં વિલંબિત લય, બોલ આલાપ તથા તાનોની ઝડી વિશેષ અંગ છે. ખયાલ ગાયનની સાથે ઠૂમરી, નાટ્યસંગીત, ભજન, અભંગ એ તમામ ગીતપ્રકારોમાં તે પ્રભુત્વ ધરાવે છે. મરાઠી નાટ્યસંગીતમાં તેમણે મોટો ફાળો આપ્યો છે. તેમના અભંગો અત્યંત લોકપ્રિય છે. ભારતીય બોલપટોમાં પણ તેમણે કંઠ આપ્યો છે. ‘બસંત બહાર’ બોલપટમાં ગાયેલું ‘કેતકી ગુલાબ ફૂલ ચેપક બન ફૂલે’ ગીત તથા તેર ભાષાઓમાં ગાયેલું મિલે સૂર મેરા તુમારા… ગીત યાદગાર બન્યું છે. તેમણે ગાયેલા રાગોમાં માલકૌંસ, દરબારી કાનડા, મારુબિહાગ, તોડી, મારવા, પૂરિયા ધનાશ્રી, પૂરિયા કલ્યાણ, મિયાં મલ્હાર અતિ લોકપ્રિય છે.

ભૈરવીમાં ગાયેલું ભજન ‘જો ભજે હરિ કો સદા’ લોકમાનસમાં  કાયમને માટે વસી ગયું છે.

1972માં ભારત સરકારે ‘પદ્મશ્રી’, 1985માં ‘પદ્મવિભૂષણ’થી તેમને સન્માન્યા. 1982માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયે ‘મહામહોપાધ્યાય’ની ઉપાધિથી તેમનું સન્માન કર્યું. વર્ષ 2011માં ભારત સરકારે પુણે ખાતેના તેમના નિવાસસ્થાને યોજાયેલ એક ખાસ કાર્યક્રમમાં તેમને ‘ભારતરત્ન’ની ઉપાધિથી સન્માન્યા હતા.

તેમની શિષ્યપરંપરામાં માધવ ગુી, વડોદરાના બાપટજી તથા તેમનાં પત્ની અહલ્યાબાઈ મુખ્ય છે.

પ્રતિમા જી. શાહ