જોન ઑવ્ આર્ક (જ. 6 જાન્યુઆરી 1412, દોંરેમી-લા-પુસેલ, ફ્રાન્સ; અ. 30 મે 1431, રુઆં, ફ્રાન્સ) : પંદરમી સદીની ફ્રાન્સનાં મુક્તિદાતા સાધ્વી. ‘મેડ(maid) ઑવ્ ઓર્લેઆં’ તરીકે ઓળખાતાં આ સાધ્વીનો જન્મ ખેડૂત પિતાના કુટુંબમાં થયો. તેરમા વરસે ખેતરમાં રખેવાળી કરતાં ધાર્મિક વૃત્તિવાળી આ ખેડૂત ક્ધયાને કોઈ દેવ તેના કાનમાં કાંઈ કહે છે તેવો આભાસ થયો. સેન્ટ કૅથરિન, માર્ગારેટ, માઇકલ વગેરે મૃત સંતોના એ દૈવી સંદેશાનો રાજકીય સૂચિતાર્થ એ હતો કે તે ફ્રાન્સને ઇંગ્લૅંડના પ્રભુત્વમાંથી મુક્ત કરવા પ્રયત્નશીલ બને. જોને આ વાત 5 વર્ષ સુધી ગુપ્ત રાખી.

જોન ઑવ્ આર્ક

ઇંગ્લૅંડ અને ફ્રાન્સ વચ્ચેના 100 વર્ષના વિગ્રહમાં ફ્રાન્સ ખૂબ કફોડી હાલતમાં મુકાઈ ગયું. 1420ની સંધિ મુજબ ફ્રાન્સનું યુવરાજ-પદ ફ્રાન્સના ચાર્લ્સને બદલે ઇંગ્લડના રાજાને મળે તેવી શક્યતા ઊભી થઈ. ઓર્લેઆંના મહત્વના થાણાને અંગ્રેજ સેનાએ ઘેરો ઘાલ્યો. આવી પરિસ્થિતિમાં જોનને થયેલો દૈવી આદેશ કંઈક આ પ્રકારનો હતો કે ‘‘હે દેવકન્યા ! તું ઊઠ અને ઓર્લેઆંને ઘેરામાંથી મુક્ત કર અને ચાર્લ્સનો રાજ્યાભિષેક કર.’’ માબાપના વિરોધ અને ફ્રેંચ અધિકારીઓની નાખુશી છતાં તેણે યુવરાજ ચાર્લ્સની મુલાકાત લીધી અને અંગ્રેજો સામે લડવા તેને પ્રેરણા આપી. અત્યાર સુધી નિષ્ક્રિય રહેલા ફ્રેંચ સેનાપતિ અને ફ્રેંચ સૈનિકો ઉપર જોનના વ્યક્તિત્વનો પ્રભાવ પડ્યો. જોન ઑવ્ આર્કના નેતૃત્વ હેઠળ ફ્રેંચ લશ્કરે ખૂબ શૌર્ય દાખવ્યું અને ઓર્લેઆં, પાતે વગેરેના યુદ્ધમાં ફ્રાન્સ-તરફી લશ્કરે વિજય મેળવ્યો. 8 માસથી ઘેરાયેલું ઓર્લેઆં મે, 1429માં 8 દિવસમાં મુક્ત થયું. જોન ઑવ્ આર્કે ચાર્લ્સને ગાદીએ બેસાડી તેનો રાજ્યાભિષેક કર્યો. પાછળથી 1430માં કેમ્પેનિયાના યુદ્ધમાં તે બર્ગન્ડિયનોના હાથે પકડાઈ અને તેમણે તેને અંગ્રેજોને વેચી. તેને ફાંસીએ લટકાવવાનો અંગ્રેજોનો ઇરાદો હતો; પરંતુ તેમણે જોનને રુઆંના ધર્મગુરુઓને હવાલે કરી. ચર્ચનું અપમાન કરવાનો તથા કૂડકામણ કરવાનો તેની ઉપર આરોપ મૂકવામાં આવ્યો. મહિનાઓ સુધીની પૂછપરછના અંતે 1431માં રુઆં મુકામે તેને જીવતી બાળવામાં આવી. 1456માં ચાર્લ્સ સાતમાની પહેલથી તેના ઉપરના આરોપોની જાહેર તપાસ થઈ ત્યારે તે નિર્દોષ ઠરી. તેના બલિદાને ફ્રાંસના લોકોમાં રાષ્ટ્રીય અસ્મિતાની ચેતના જગાવી. 1920માં પંદરમા પોપ બેનિડિક્ટે તેને અધિકૃત સંતપદ અર્પણ કર્યું. તેની શહીદીને કારણે યુરોપના ચિત્રકારોએ તેનાં અનેક રંગબેરંગી ચિત્રો બનાવ્યાં. સાહિત્યકારોએ તેના જીવન વિશે પ્રેરક-મનોરંજક કથાઓ લખી.

શિવપ્રસાદ રાજગોર