જોડી વિલિયમ્સ અને ધ ઇન્ટરનેશનલ કૅમ્પેન ટુ બૅન લૅન્ડમાઇન્સ
April, 2025
જોડી વિલિયમ્સ (જ. 9 ઑક્ટોબર 1950, વરમોન્ટ, ન્યૂ ઇંગ્લૅન્ડ, અમેરિકા) અને ધ ઇન્ટરનેશનલ કૅમ્પેન ટુ બૅન લૅન્ડમાઇન્સ : 1997ના શાંતિ પારિતોષિક વિજેતા મહિલા અને તેમનું આંદોલન.
માનવજાત દ્વારા શોધાયેલા શસ્ત્રોમાં જમીન નીચે પથરાયેલી સુરંગો ભારે વિઘાતક હતી. જમીન નીચેની સુરંગો અચાનક ફાટતી એથી પસાર થતી વ્યક્તિઓ, વાહનો અને પાર્ક થયેલા વાહનોને બેસુમાર નુકસાન થવા સાથે ત્યાંથી પસાર થતી નિર્દોષ વ્યક્તિઓ માટે તે જીવલેણ નીવડતી. વિશ્વમાં યુદ્ધો વેળા આ સુરંગો અદ્વિતીય શસ્ત્ર ગણાતું. વર્ષો પહેલાં પથરાયેલી સુરંગો અવારનવાર જીવલેણ બની રહેતી. એની અસર હેઠળના સમાજોમાં તે વિનાશ નોતરતી, બાળકો વિકલાંગ બનતાં અને માણસો મોતને ઘાટ ઊતરતા.
સેન્ટ્રલ અમેરિકા આવા ઘણા વિસ્તારોમાંનો એક વિસ્તાર હતો. દક્ષિણ-પૂર્વ એશિયામાંનો કંબોડિયા દેશ આ સુરંગોનો વ્યાપક ભોગ બન્યો હતો. એથી ત્યાં હજારો લોકો મરણશરણ બનેલા અને અંદાજે 40,000 લોકોએ શરીરના કોઈ ને કોઈ અવયવ ગુમાવેલા. એશિયા, આફ્રિકા અને મધ્યપૂર્વના દેશોમાં પણ આ જ સ્થિતિ હતી. આ સ્થિતિમાં જરૂરી એ હતું કે જમીન નીચેની સુરંગો પર (લૅન્ડમાઇન્સ પર) પ્રતિબંધ મુકાય. એમ બને તો જ લોકો સુરક્ષિત બની શકે. પરંતુ જમીન હેઠળ ધરબાયેલી જીવતી સુરંગો શોધવી કેવી રીતે ? તેનો નાશ કેવી રીતે કરવો ઉપરાંત સંઘર્ષગ્રસ્ત દેશોના લશ્કરી અને રાજકીય નેતાઓ યુદ્ધનાં આ અસરકારક સાધનનો ઉપયોગ અટકાવવા તૈયાર થાય ખરા ? આવી વિવિધ વિટંબણાઓ વચ્ચે જોડી વિલિયમ્સ નામની માનવતાવાદી મહિલા કાર્યકર, એઇડ્સ વર્કર અને માનવઅધિકારોની પુરસ્કર્તાએ કામ શરૂ કર્યું.
આ માનવતાવાદી એઇડ્સ કાર્યકર નામે જોડી વિલિયમ્સે 1980માં લૅન્ડમાઇન્સ વિશે જાણ્યું. યુદ્ધથી બેહાલ બની ગયેલા અલ-સાલ્વાડોરના એક સંગઠનમાં જોડી વિલિયમ્સ કામ કરતા. સુરંગના વિસ્ફોટોથી અવયવ ગુમાવનાર બાળકો માટે તેઓ કૃત્રિમ અવયવો મેળવવાના અને બાળકના શરીર પર તેને જોડવાના ક્ષેત્રે કામ કરતા. આવા વિસ્ફોટોથી ઘવાયેલાં બાળકોને તેમણે જોયાં અને તેઓ કાંપી ઊઠ્યા. આમાંનાં ઘણાં બાળકો વિસ્ફોટ વેળા જીવ ગુમાવતાં, વિકલાંગ બનતાં કે વિનાશનો ભોગ બનતાં. વિસ્ફોટોની અસહ્ય વેદનાથી તેઓ રિબાતાં. આ ક્ષેત્રે તેમણે કામની શરૂઆત કરી ત્યારે તેઓ ભારે હતાશ થયેલા. જોડી વિલિયમ્સનો નાનો ભાઈ વિકલાંગ હતો. જેને શાળાના સહાધ્યાયીઓ ખૂબ મહેણાં-ટોણાં મારતા. આથી વિકલાંગતાનું દુઃખ અને અન્યના સામાજિક વ્યવહારથી જન્મતી પારાવાર પરેશાની વિકલાંગ બાળકનું હીર ચૂસી લેતાં તે જોડી વિલિયમ્સએ સાવ નજીકથી અનુભવ્યું હતું. શરૂઆતનો એક દસકો તેમણે આ ક્ષેત્રે કામ કરતાં ઘણી હતાશા અનુભવી, કારણ સુરંગોનો શસ્ત્ર તરીકે ઉપયોગ ન અટકે ત્યાં સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારણા શક્ય નહોતી. તેમના મતે આ અનહદ યાતના ત્યારે જ અટકે જ્યારે સુરંગોનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવે. એક દસકા સુધી કામ કરીને હતાશ થયેલા જોડી વિલિયમ્સને એક સત્ય સમજાયું કે વિશ્વમાં સુરંગોનો નાશ થાય અને તેના ભાવિ વપરાશને પ્રતિબંધિત કરાય ત્યારે જ આ અનહદ યાતનાનો અંત આવશે. આથી સુરંગોના નાશ અને સુરંગોના વપરાશ પરના કાયમી પ્રતિબંધની દિશામાં તેમણે કમર કસી.
અભ્યાસકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રે કારકિર્દી ઘડવા જોડી વિલિયમ્સે વિચાર્યું હતું. આથી અમેરિકાના વૉશિંગ્ટન ડી.સી.માં જઈ તેઓએ જ્હોન્સ હોપકિન્સ સ્કૂલ ઑવ્ એડવાન્સ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં પ્રવેશ મેળવી અનુસ્નાતક તરીકેની પદવી મેળવેલી. આ અભ્યાસમાં પ્રવેશ મેળવવાનું એક નિમિત્ત એ હતું કે તેનું સૂત્ર ‘save the world’ હતું. આ સૂત્રથી જોડી વિલિયમ્સ અત્યંત પ્રભાવિત હતા. તેમના મનમાં આ સૂત્ર અને સુરંગ પ્રતિબંધની કામગીરી એકબીજા સાથે પાક્કા બંધ બેસી ગયા. તેમના મનમાં કામગીરીનો માર્ગ ચોક્કસ બન્યો. મનમાં ઘડાયેલો માર્ગ સ્પષ્ટ બનતાં તેમણે લૉસ એન્જલસના એક જૂથ – મેડિકલ એઇડ ટુ અલ-સાલ્વાડોર – સાથે કામની શરૂઆત કરી. તે પછી સેન્ટ્રલ અમેરિકાનાં રાહત-સંગઠનોમાં કામ કર્યું, જેમાં સુરંગોનો ભોગ બનેલા લોકોને મદદ કરવાનું કામ પણ સામેલ હતું. તે પછી વૉશિંગ્ટન ડી.સી. ખાતે કામ કરતા ‘વિયેટનામ વેટરન્સ ઑવ્ અમેરિકા ફાઉન્ડેશન’ અને અન્ય માનવતાલક્ષી સંગઠનો સાથે તેઓ કામ કરતા હતા. તેમાં તેમને રોબર્ટ મુલરનો ભેટો થયો જે પણ સુરંગો બાબતે વિયેટનામ વૉર વેટરન્સ માટે કામ કરતા. આથી સુરંગોથી પીડિત નાગરિકો માટે બંનેએ મળીને કામની ગતિ તેજ બનાવી. આ દરમિયાન બંનેએ અનુભવ્યું કે ઘાયલોને કૃત્રિમ અવયવો બેસાડવા એટલું જ પૂરતું નથી પણ ખરી જરૂર તમામ સુરંગો પર પ્રતિબંધ મૂકવાની છે. આથી તેઓ બંને તેમનાં અન્ય માનવતાવાદી સંગઠનોના સહકારથી ‘ઇન્ટરનેશનલ કૅમ્પેઇન ટુ બૅન લૅન્ડ- માઇન્સ’(ICBL)નો જન્મ થયો. સંગઠનના બે મુખ્ય આશય સ્પષ્ટ હતા. એક, સુરંગો પર વિશ્વવ્યાપી પ્રતિબંધ મૂકવો. બે, પૃથ્વીના પટ પરની તમામ હયાત સુરંગોને રદબાતલ કરવાના આર્થિક ખર્ચ પેટે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ ઊભું કરવું. આ હેતુની સિદ્ધિ અર્થે જોડી વિલિયમ્સ ICBLના સંયોજક બન્યા. તે પછીનાં છ વર્ષો સુધી ICBL 1,000 સભ્યોનું સંગઠન બની વિશ્વવ્યાપી ફેલાવો પામ્યું. વિશ્વના ખ્યાતનામ નેતાઓનું તેને સમર્થન મળ્યું. જેમાંના એક હતા પ્રિન્સેસ ઑવ્ વેલ્સના ડાયેના. સંગઠનના પ્રયાસોથી પ્રેરાઈ યુરોપિયન પાર્લમેન્ટે 1995માં તેના સભ્ય દેશોમાં સુરંગો પર પ્રતિબંધ લાદ્યો. તે પછી G-7 દેશોએ પણ સુરંગો પર પ્રતિબંધ લાદ્યો. 1997માં સુરંગોની નિકાસ પચાસ દેશોએ પ્રતિબંધિત કરી. 20 દેશોએ તેનું ઉત્પાદન અટકાવ્યું. વધારામાં ઘણા દેશોએ જમીનમાંની સુરંગો શોધી તેનો નાશ કર્યો. વળી તે અંગેનું નાણાભંડોળ ICBLમાં જમા કરાવ્યું. સુરંગોનું ઉત્પાદન ખર્ચ બંધ કરાયું. આ અપ્રતિમ સિદ્ધિ હતી. પરિણામે 10 ઑક્ટોબર, 1997ના દિવસે જોડી વિલિયમ્સ અને ICBLને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક આપવાની ઘોષણા કરવામાં આવી.
આ શાંતિ નોબેલના પરિણામે, માત્ર એક સપ્તાહ પછી 3 ડિસેમ્બર, 1997ના રોજ જમીન હેઠળની સુરંગો પર પ્રતિબંધ મૂકતી સંધિ કરવામાં આવી. કૅનેડાના ઓટાવા ખાતે 120 દેશોના પ્રતિનિધિઓ એકઠા થયા હતા. જોડી વિલિયમ્સ ખુશખુશાલ હતા, પરંતુ અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને આ સંધિમાં જોડાવાનો ઇન્કાર કર્યો. તેમના મતે અમેરિકાનાં સંરક્ષક દળો માટે હજુ પણ આ જમીની સુરંગો આવશ્યક હતી. આમ તેમના પોતાના દેશે જ આ સંધિથી અલગ રહેવાનું પસંદ કર્યું હતું.
રક્ષા મ. વ્યાસ