જોડિયા : જામનગર જિલ્લાના તાલુકાઓ પૈકી જામનગર સબડિવિઝનમાં આવેલ તાલુકો, તાલુકામથક અને લઘુ બંદર. તાલુકા મથક જોડિયા 22° 42´ ઉ. અ. અને 70° 21´ પૂ. રે. ઉપર આવેલું છે. આ તાલુકાની પૂર્વ દિશાએ આ જિલ્લાનો ધ્રોળ તાલુકો, પશ્ચિમે કચ્છનો અખાત, ઉત્તરે કચ્છનું રણ અને રાજકોટ જિલ્લો અને દક્ષિણે જામનગર તાલુકો છે. આ તાલુકામાં એક શહેર, વસ્તીવાળાં 50 ગામો અને વસ્તી વિનાનું એક ગામ છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 865.7 ચોકિમી. છે.

જોડિયા તાલુકાનો દરિયાકિનારો નીચો છે. મોટી ભરતી વખતે કિનારાના વિસ્તારમાં દરિયાનાં ખારાં પાણી ફરી વળે છે તેથી અહીં ખારોપાટ અને કળણ જોવા મળે છે. બાકીનો સમગ્ર પ્રદેશ સપાટ છે. નાની નદીઓ વહેળા રૂપે જોવા મળે છે. માત્ર ચોમાસામાં થોડા દિવસો માટે જ પાણી જોવા મળે છે.

આ તાલુકો કચ્છના નાના રણ નજીક ચોમાસાના પવનોના માર્ગથી દૂર આવેલો છે. જૂન 15થી સપ્ટેમ્બર 15 દરમિયાન વરસાદ પડે છે. 50 % જેટલો વરસાદ જુલાઈ માસમાં પડે છે. વરસાદી દિવસોની સંખ્યા 17થી 22 જેટલી હોય છે. અગ્નિખૂણાથી વાયવ્ય ખૂણા તરફ ક્રમશ: વરસાદ ઓછો થતો જાય છે. સામાન્ય રીતે વરસાદ અનિયમિત છે. 5 વરસો પૈકી એકાદ વરસ સારું જાય છે, બાકીનાં વરસો તંગી અને દુકાળનાં હોય છે. સરેરાશ વરસાદ 390થી 425 મિમી. આસપાસ પડે છે. વધુ ગરમી મે માસમાં પડે છે જે સરેરાશ 39.5° સે. હોય છે.

સૌથી ઓછું તાપમાન જાન્યુઆરી માસમાં સરેરાશ 10.5° સે. રહે છે. વનસ્પતિનો અભાવ તથા કચ્છના રણના સામીપ્યને લીધે તાપમાન વધારે રહે છે. ઉનાળામાં તે 42° સે. કે તેથી થોડું વધુ રહે છે.

કુદરતી વનસ્પતિમાં બાવળ, આવળ, ખીજડો, લીમડો, વડ વગેરે વૃક્ષો જોવા મળે છે. ગામને છેડે તળાવની પાળે અને ખેતરના શેઢે કે કૂવા પાસે થોડાં વૃક્ષો જોવા મળે છે. મુખ્યત્વે કાંટાળાં વૃક્ષો અને દરિયાકિનારે જોડિયાની દક્ષિણે મૅન્ગ્રોવ પ્રકારનાં તમરિયાં જેવાં વૃક્ષો, મોરડ તથા ક્ષાર ચૂસી લે તેવી વનસ્પતિ જોવા મળે છે.

આ તાલુકામાં ગૌધન, ભેંસો, ઘેટાં, બકરાં, ગધેડાં, ઊંટ, ઘોડા, ખચ્ચર, કૂતરાં વગેરે પશુધન જોવા મળે છે. ગીર ઓલાદની ગાય અને જાફરાબાદી ભેંસ મુખ્યત્વે જોવા મળે છે. જુવાર, બાજરી અને ઘઉંનું વાવેતર મુખ્ય છે, જ્યારે કઠોળનું વાવેતર વરસાદની અનુકૂળતા પ્રમાણે થાય છે. અન્ય પાકોમાં કપાસ, મગફળી, તલ, રાઈ વગેરે  તેલીબિયાંનું વાવેતર થાય છે. કૂવા દ્વારા સિંચિત વિસ્તાર માત્ર 6000 હેક્ટર જ છે, જે વાવેતર નીચેના એકંદર વિસ્તારના 9 %થી 10 % જેટલો છે. અહીં તળાવ કે નહેરો દ્વારા સિંચાઈની સગવડ નથી. આ તાલુકામાં બાંધકામ માટેના પથ્થરો, કપચી વગેરે ખનિજ મળે છે.

જોડિયામાં અગાઉ વીજળીઘર હતું. હવે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા વીજળી મળે છે. જોડિયા અને 50 ગામોને વીજળીનો લાભ મળે છે, જે 100 % પ્રમાણ સૂચવે છે.

લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. માછીમારોની વસ્તી 4000 જેટલી છે તેઓ મત્સ્ય-ઉત્પાદન કરે છે.

તાલુકાની વસ્તી (2001) 97,656 હતી. તાલુકામાં જોડિયા એક જ મુખ્ય શહેર તેમજ વેપારી કેન્દ્ર છે.

આ શહેર મૂળ માછીમારોનું ગામ હતું પણ જામનગર રાજ્યના દીવાન મેરામણ ખવાસે તેનો બંદર તરીકે વિકાસ કર્યો હતો. રાજ્યની સેવાની કદર તરીકે જામસાહેબે તેને જોડિયા અને બાલંભા ઇનામમાં આપ્યાં હતાં. જોડિયા બેડીથી ઉત્તરે 20.8 કિમી. દૂર છે. રેલવેના આગમન પૂર્વે જોડિયાનો મોટો વેપાર હતો. અહીંથી રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને કચ્છનું ઊન નિકાસ થતું હતું તેથી તે ‘જોડિયા કે મેરિયા’ ઊન તરીકે ઓળખાતું હતું. આ શહેર તાલુકા-મથક હોઈને મગફળી, અનાજ વગેરેનું વેચાણકેન્દ્ર છે. નજીકનાં ગામડાંના લોકો ખરીદી તથા વેચાણ માટે અહીં આવે છે. જોડિયા મત્સ્ય-ઉદ્યોગનું કેન્દ્ર છે. અહીં પ્રથમ વિશ્વયુદ્ધ સુધી વહાણો બંધાતાં હતાં. દરિયાકિનારે મીઠાના અગરો છે. મધ્યપૂર્વના દેશો તથા પૂર્વ આફ્રિકાનાં તથા કેરળ, કોંકણ વગેરેનાં બંદરો સાથે તેનો મોટો વેપાર હતો. હાલ જોડિયા રડમતિયાજોડિયા મીટરગેજ રેલવેનું અંતિમ સ્ટેશન છે. જિલ્લાના માર્ગો દ્વારા તે મોરબી અને ધ્રોળ સાથે જોડાયેલું છે. શહેરથી 2 કિમી. દૂર બંદર છે, બંદર પરદેશ તથા દેશના અન્ય ભાગો સાથે દરિયાઈ વેપાર માટે ખુલ્લું છે.

સિમેન્ટ, ઇમારતી લાકડું અને બાંધકામના સામાનની આયાત અને મીઠાની નિકાસ થાય છે. અહીં માલ ચડાવવા અને ઉતારવા માટે દરિયાકિનારે 375 મી. લાંબી દીવાલ બંધાઈ છે.

જોડિયામાં સ્ત્રીઓ માટે ગૃહઉદ્યોગોનું તાલીમકેન્દ્ર છે. શહેરની ફરતો કોટ છે. અહીં સમુદ્રકિનારે કિલ્લો અને દીવાદાંડી છે. કચ્છ તરફથી થતા હુમલાથી બચવા કિલ્લા અને કોટની રચના કરાઈ હતી. શિવજી સોદાગરને જોડિયા 8 વરસ માટે પટેથી આપવામાં આવ્યું હતું. શહેરમાં બાળમંદિરો, પ્રાથમિક, કુમાર અને કન્યાશાળા વગેરે શૈક્ષણિક સંસ્થાઓ છે. મોહરમના દિવસોમાં ગુલાબશા પીરનો ઉર્સ ભરાય છે.

શિવપ્રસાદ રાજગોર