જૉર્ડન : અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન 31° ઉ. અ. અને 36° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો છે. તેની ઉત્તરે સીરિયા, પૂર્વે ઇરાક તથા સાઉદી અરેબિયા, દક્ષિણે સાઉદી અરેબિયા તથા પશ્ચિમે ઇઝરાયલ દેશો આવેલા છે. તેનો કુલ વિસ્તાર 89,287 ચોકિમી. છે. તેને 26 કિમી. લાંબો સમુદ્રકિનારો પ્રાપ્ત થયો છે. તેનું સર્વોચ્ચ બિંદુ સમુદ્રસપાટીથી 1754 મી. ઊંચાઈ પર છે, તો લઘુતમ બિંદુ સમુદ્રસપાટીથી 396 મીટર નીચું છે. તેની કુલ વસ્તી 77,69,000 (2020) તથા વસ્તીની ગીચતા 35 પ્રતિ ચોકિમી. છે. કુલ વસ્તીના 68% લોકો શહેરી વિસ્તારમાં તથા 32% લોકો ગ્રામ વિસ્તારમાં વસે છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ 77% છે. કુલ વસ્તીમાં 95% સુન્ની મુસલમાનો છે. કુલ વસ્તીમાંના 55% લોકો મૂળ દેશવાસીઓ છે અને બાકીના પૅલેસ્ટાઇન પ્રદેશમાંથી આવેલા છે. 10% વસ્તી શરણાર્થી શિબિરોમાં વસે છે. અરબી એ રાષ્ટ્રભાષા છે, જોકે અંગ્રેજી ભાષાનો દેશમાં બહોળો ઉપયોગ થાય છે. એક જમાનામાં આ દેશ ટ્રાન્સજૉર્ડન નામથી ઓળખાતો હતો. ઇસ્લામ રાજ્યનો અધિકૃત ધર્મ છે.
જૉર્ડન નદીની પૂર્વે 55 કિમી. અંતરે આવેલું અમાન તેનું પાટનગર અને દેશનું મોટામાં મોટું નગર છે. (વસ્તી આશરે 38,00,000 લાખ, 2020). અકાબાના અખાત પર આવેલું અકાબા એકમાત્ર બંદર છે. દેશની પશ્ચિમ તરફની સરહદ જેરૂસલેમ નગરમાંથી પસાર થતી હતી. પણ 1967ના અરબ-ઇઝરાયલ યુદ્ધ પછી જૉર્ડન નદીના પશ્ચિમ કિનારા પરનો 5,879 કિમી.નો પ્રદેશ ઇઝરાયલ હસ્તક જતો રહ્યો. તેમાં જેરૂસલેમનો પણ સમાવેશ થાય છે.
1967 પહેલાંના તેના કુલ વિસ્તારમાંથી માત્ર 10% ખેતીલાયક છે, 75% રણથી છવાયેલ છે અને 1% વિસ્તાર જંગલ હેઠળ છે. જૉર્ડન નદીના પૂર્વ કિનારા પરનો પ્રદેશ, તેના પૂર્વ તરફનો રણપ્રદેશ, પશ્ચિમી કિનારા તરફનો પ્રદેશ તથા જૉર્ડનની ખીણનો પ્રદેશ એ 4 જૉર્ડનના મુખ્ય ભૌગોલિક કે ભૂપૃષ્ઠ વિભાગ ગણાય છે. તેના પૂર્વ કિનારા પરનો મેદાની પ્રદેશ પૂર્વ તરફ ઢળતો જાય છે. આ પ્રદેશની દક્ષિણ તરફની ઊંચાઈ આશરે 1,750 મી. જેટલી છે અને તેમાં 1754 મી. ઊંચાઈ ધરાવતું જેબેલ રામ્મ શિખર આવેલું છે. જૉર્ડન નદીના પશ્ચિમ કિનારા તરફનો પ્રદેશ પૅલેસ્ટાઇનના ઉચ્ચ પ્રદેશથી વ્યાપ્ત છે. આ પ્રદેશને પૂર્વ તરફના મેદાની વિસ્તારથી જુદા પાડતો પ્રદેશ જૉર્ડન નદીની સમતલ ખીણનો પ્રદેશ છે. ખીણોથી છવાયેલો આ પ્રદેશ વિશાળ ફાટખીણ(ધ ગ્રેટ રિફ્ટ વૅલી)નો ભાગ છે. વિશ્વનું સૌથી વધુ ખારા પાણીનું સરોવર (240% ક્ષારતા) આ ખીણપ્રદેશના સૌથી નીચાણવાળા ભાગમાં આવેલું છે અને તે ‘મૃત સરોવર’ના નામથી ઓળખાય છે. તે પૃથ્વીતલનો સૌથી નીચો ભાગ પણ છે. જૉર્ડનનો સૌથી મોટો ભૂભાગ ટ્રાન્સજૉર્ડન પઠારનો સર્વોચ્ચ મેદાની પ્રદેશ છે. તે અકાબા પાસે સૌથી વધુ ઊંચાઈ (1735 મીટર) ધરાવે છે. ઉત્તર-પૂર્વનો મોટા ભાગનો પ્રદેશ સીરિયાના રણપ્રદેશથી છવાયેલો છે.
જૉર્ડનના મોટા ભાગના વિસ્તારમાં ભૂમધ્ય સાગરનું હવામાન હોય છે. શિયાળામાં હળવી ઠંડી હોય છે અને ત્યારે જ વરસાદ પડે છે. દેશનો 75% પ્રદેશ રણથી છવાયેલો હોવાને લીધે ઉનાળો સૂકો, ઉષ્ણ અને લાંબો હોય છે. દક્ષિણ અને પૂર્વના પ્રદેશો કરતાં ઉત્તર અને પશ્ચિમના પ્રદેશોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે.
દક્ષિણ અને પૂર્વ તરફના રણપ્રદેશમાં વાર્ષિક વરસાદ ઓછામાં ઓછો (આશરે સરેરાશ 50થી 60 મિમી.) પડે છે. ઉત્તર અને પશ્ચિમના પ્રદેશો કરતાં અહીં તાપમાન વધુ સખત હોય છે. દેશના ઉત્તર અને પશ્ચિમ તરફના પ્રદેશોમાં વરસાદનું વાર્ષિક સરેરાશ પ્રમાણ 400થી 450 મિમી. જેટલું હોય છે.
દેશની કુલ જમીનમાં 75% જમીન રણ હેઠળ છે અને માત્ર 14% જમીન ખેડાણલાયક છે. તેમાંથી હાલ માત્ર 10% જમીન પર ખેતી થાય છે. દેશની મુખ્ય કૃષિપેદાશોમાં ઘઉં, જવ, મગફળી, શાકભાજી, દ્રાક્ષ જેવાં નિંબીક ફળોનો સમાવેશ થાય છે. જુનવાણી કૃષિપદ્ધતિ અને સિંચાઈ તથા જમીનના યોગ્ય ઉપયોગના અભાવને લીધે કૃષિ- ઉત્પાદકતાનું પ્રમાણ ઘણું નીચું છે.
દેશની પ્રાકૃતિક સંપદા મર્યાદિત છે. જૉર્ડનના પડોશી દેશો ખનિજ-તેલના ભંડારને કારણે સમૃદ્ધ બન્યા; પરંતુ જૉર્ડન પાસે ખનિજ-તેલ ન હોવાથી તેનું અર્થતંત્ર અવિકસિત રહ્યું છે. તેની પાસે ફૉસ્ફેટ અને પોટાશના ભંડાર છે. પ્રાકૃતિક સંપદાના અભાવને કારણે દેશ ઔદ્યોગિક રીતે પછાત રહ્યો છે. સિમેન્ટ, રાસાયણિક ખાતર અને ખનિજ-તેલ શુદ્ધીકરણના એકમોનો સામાન્ય વિકાસ થયો છે. નાના પાયાના ઉદ્યોગોમાં સિગારેટ, સાબુ, પગરખાં, કાપડ, દવા, બૅટરી, ચિનાઈ માટીની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો ઠીક ઠીક પ્રમાણમાં વિકસ્યા છે. ઉદ્યોગો અને ખાણ ઉદ્યોગનો કુલ રોજગારીમાં માત્ર 12% ફાળો છે અને તે કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં 20% ફાળો આપે છે.
દેશની આયાતોમાં ખાદ્ય પદાર્થો, યંત્રો, ખનિજ-તેલ તથા વાહનવ્યવહારનાં સાધનો મુખ્ય છે, નિકાસમાં ફૉસ્ફેટ, શાકભાજી તથા ફળફળાદિનો સમાવેશ થાય છે. મર્યાદિત પ્રાકૃતિક સંપદા અને નજીવા ઔદ્યોગિક વિકાસને લીધે તાજેતરનાં વર્ષો દરમિયાન દેશની વ્યાપારતુલા પ્રતિકૂળ વલણો દર્શાવતી રહી છે. દેશનો મોટા ભાગનો વિદેશવ્યાપાર સાઉદી અરેબિયા, ઇરાક, અમેરિકા, બ્રિટન, જર્મની, ઇટાલી, જાપાન અને ભારત સાથે થાય છે.
વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના ક્ષેત્રે જૉર્ડને નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેના પડોશી દેશો સાથે તે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. તેનું એકમાત્ર બંદર અલ અકાબા અદ્યતન સગવડો ધરાવે છે. પાટનગર અમાન પાસેનું આંતરરાષ્ટ્રીય વિમાનમથક પૂર્ણ રીતે વિકસિત છે.
જૉર્ડનમાં 4 યુનિવર્સિટીઓ છે. જ્યાં વિદ્યાર્થીઓ જુદી જુદી વિદ્યાશાખાઓમાં શિક્ષણ-પ્રશિક્ષણ લે છે. પ્રાથમિક શિક્ષણ નિ:શુલ્ક અને ફરજિયાત છે જેને લીધે સાક્ષરતાનું પ્રમાણ 77% જેટલું ઊંચું છે. ત્યાંની ન્યાયવ્યવસ્થા મુસ્લિમ કાયદાને અનુસરે છે.
વિશ્વના વિકાસશીલ દેશોમાં જૉર્ડનની ગણના થાય છે. ત્યાંનું અર્થતંત્ર મુક્ત અર્થતંત્રના સિદ્ધાંત પર રચાયેલું છે. 1967ના અરબ-ઇઝરાયલ યુદ્ધને કારણે જૉર્ડનને 15 કરોડ ડૉલર જેટલું નુકસાન સહન કરવું પડ્યું હતું. એટલું જ નહિ; પરંતુ જૉર્ડન નદીના પશ્ચિમ કિનારા તરફનો દેશનો ફળદ્રુપ પ્રદેશ ત્યારથી ઇઝરાયલની હકૂમત હેઠળ જતો રહ્યો. ઉપરાંત, કુલ વસ્તીનો અડધોઅડધ ભાગ તથા પર્યટકો માટેનાં આકર્ષક સ્થળો પણ જૉર્ડને ગુમાવ્યાં. તેની સામે ઇઝરાયલના શાસન હેઠળ ન રહેવા માગતા લાખો પૅલેસ્ટેનિયન શરણાર્થીઓએ જૉર્ડનમાં આશ્રય મેળવ્યો. આ બધાની દેશના અર્થતંત્ર પર વિપરીત અસર પડી, બેકારીનું પ્રમાણ વધ્યું, આર્થિક વિકાસનો દર મંદ થયો, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં ઘટાડો થતાં લોકોના જીવનધોરણ પર માઠી અસર પડી.
જૉર્ડનનું રાજ્યતંત્ર બંધારણીય રાજાશાહીના સિદ્ધાંત પર રચાયેલું છે. રાજા વિશાળ સત્તા ભોગવે છે. 1974, 1976 અને 1984માં બંધારણીય સુધારા કરાયા; દા. ત., દેશના પ્રધાનમંત્રી તથા મંત્રીમંડળના સભ્યો ઉપરાંત 4 વર્ષનો કાર્યકાળ ધરાવતા સેનેટના 55 સભ્યોની નિમણૂક પણ રાજા દ્વારા જ કરવામાં આવે છે; પરંતુ 110 સભ્યસંખ્યા ધરાવતી પ્રતિનિધિસભા લોકો દ્વારા ચૂંટાય છે. તેમાં છ બેઠકો મહિલાઓ માટે અનામત છે. મહિલાઓને 1984માં મતાધિકાર આપવામાં આવ્યો તે સાથે ત્યાં સાર્વત્રિક મતાધિકાર સ્વીકારવામાં આવ્યો. સમગ્ર દેશને 8 જિલ્લાઓમાં વહેંચી નાંખવામાં આવેલો છે અને તે દરેકનો વહીવટ રાજા દ્વારા નિમાયેલા ગવર્નર હસ્તક હોય છે.
પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધી (1918) જૉર્ડન તુર્કી સામ્રાજ્યનો ભાગ હતો. યુદ્ધ પૂરું થતાં રાષ્ટ્ર સંઘ(League of Nations)ના હુકમનામા હેઠળ તેનો વિસ્તાર બ્રિટિશ અને ફ્રેંચ સામ્રાજ્ય વચ્ચે વહેંચી નાખવામાં આવેલો. બીજા વિશ્વયુદ્ધ (1939-45) બાદ સ્વતંત્ર રાજ્ય તરીકે તેને માન્યતા આપવામાં આવી. પૅલેસ્ટાઇનના ભાગલા અને તેમાંથી સર્જાયેલાં અરબ-ઇઝરાયલ યુદ્ધોને પરિણામે જૉર્ડન નદીના પશ્ચિમ કિનારા તરફના તેના વિસ્તારમાં અને સરહદોમાં ફેરફાર થયા ત્યારથી આ પ્રદેશ જૉર્ડન નામથી ઓળખાય છે. 1971માં તેણે તેની ભૂમિ પરથી કામ કરતા તમામ ગેરીલાઓને હાંકી કાઢ્યા. 1974માં રાજા હુસેને પૅલેસ્ટિનિયન લિબરેશન ઑર્ગનાઇઝેશન(PLO)ને પૅલેસ્ટાઇનવાસીઓના કાયદેસરના પ્રતિનિધિ રૂપે માન્ય રાખી છે. 1988માં જૉર્ડને વેસ્ટ બૅન્ક વિસ્તાર પરનો દાવો પડતો મૂક્યો અને સ્વતંત્ર પૅલેસ્ટાઇનની રચનાને મંજૂર રાખી હતી. ઈરાન-ઇરાક યુદ્ધ અને અખાતી યુદ્ધ વેળા જૉર્ડન ઇરાકની પડખે રહ્યું હતું.
1991થી ત્યાં વિરોધપક્ષોને માન્ય રાખવામાં આવ્યા અને 1993માં સૌપ્રથમ બહુપક્ષીય ચૂંટણીઓ યોજાઈ. ઑક્ટોબર, 1994માં રાજા હુસેને ઇઝરાયલ સાથે શાંતિ સંધિ કરી, તે દ્વારા 1948થી ઇઝરાયલ સાથે ચાલતા યુદ્ધનો અંત આવ્યો. આથી ઇલાટ અને અકાબા વચ્ચેની સરહદો ખોલવામાં આવી. 1997માં ત્યાંના વિરોધપક્ષોએ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો. 1999માં રાજા હુસેનના અવસાનને કારણે તેનો પુત્ર અબ્દુલ્લા બીજો – અબ્દુલ્લા બિન-અલ-હુસૈન રાજા બન્યો. અલબત્ત, નવા રાજાએ રાજકીય અને આર્થિક સ્થિરતા જાળવવા સાથે રાજકીય સુધારાઓનો અમલ કરાવવાનો હતો.
જૉર્ડનને વિશ્વબૅંક દ્વારા નાના મધ્યમ આવક ધરાવતા દેશમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તે કોઈ નોંધપાત્ર નૈસર્ગિક સંપત્તિ ધરાવતું નથી. વિકાસ માટે તેને માનવસંપત્તિ પર જ આધાર રાખવો પડે છે.
તે ત્રણ વિશ્વવિરાસતનાં સ્થાનો ધરાવે છે. જૉર્ડન દીનાર તેનું ચલણ છે. માર્ચ-2007માં ત્યાં યોજાયેલી ચૂંટણીઓથી મારૌફ-અલ-લખિત વડાપ્રધાન અને સંરક્ષણમંત્રી બન્યા.
ન્યાય : તેની કાનૂની પદ્ધતિ ઇસ્લામિક કાનૂન એટલે કે શરીયા પર અને નાગરિક કાયદાઓ – દીવાની કાયદાઓ (સિવિલ લૉઝ) પર આધાર રાખે છે.
બંધારણ ન્યાયતંત્રના સ્વાતંત્ર્યની ખાતરી આપે છે. રેગ્યુલર અદાલતો, ધાર્મિક અદાલતો અને વિશેષ અદાલતો એમ ત્રણ તબક્કામાં તેનું ન્યાયતંત્ર વિભાજિત કરાયેલું છે. દેહાંતદંડની સજા કરવાની જોગવાઈ આ રાજ્ય ધરાવે છે. 2005માં દસ અને 2006માં માત્ર બે દેહાંતદંડની સજાઓ અમલમાં મુકાઈ હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
રક્ષા મ. વ્યાસ