જૉન્સ, (સર) વિલિયમ (જ. 28 સપ્ટેમ્બર 1746,  લંડન; અ. 27 એપ્રિલ 1794 કૉલકાતા) : અઢારમી સદીના પ્રસિદ્ધ અંગ્રેજ પ્રાચ્યવિદ્યાવિદ. તેમણે ઇંગ્લૅન્ડની પ્રખ્યાત શિક્ષણસંસ્થા હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ લીધું. વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન જ ગ્રીક, ફ્રેંચ અને લૅટિન ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. તેમણે ગદ્યમાં લેખો અને પદ્યમાં સુંદર કાવ્યો લખ્યાં. તેમની ભાષા પ્રવાહી અને પ્રાસાદિક રહી. અરબી, ફારસી અને ઇટાલિયન ભાષાઓ શીખી લીધા પછી પોર્ટુગીઝ, જર્મન, હિબ્રૂ અને તુર્કી ભાષાઓનું કામચલાઉ જ્ઞાન મેળવી લીધું. હાફિઝના ફારસી ‘ઓડ’ (ode) પ્રકારનાં કાવ્યોનો તેમણે ફ્રેંચમાં અનુવાદ કર્યો, જેનો યુરોપની અનેક ભાષાઓમાં અનુવાદ થયો. તેમણે ફ્રેંચ, અંગ્રેજી અને લૅટિનમાં અરબી સાહિત્ય ઉપર અનેક ગ્રંથો લખ્યા.

આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમણે વકીલ થવા નિર્ણય કર્યો. કાયદાના અભ્યાસ દરમિયાન લખાયેલા બે નિબંધો તેમની તીવ્ર બુદ્ધિમત્તાના દ્યોતક નીવડ્યા. 1772માં તે રૉયલ સોસાયટીના ફેલો થયા અને 1773માં સૅમ્યુઅલ જૉનસનની ‘ક્લબ’ના સભ્ય બન્યા. 27 વરસની જુવાન વયે તેમણે અગ્રગણ્ય પ્રાચ્યવિદ તરીકે નામ કાઢ્યું. 1783માં તેમને ઉમરાવપદ (knighthood) એનાયત થયું.

અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધ દરમિયાન તેમની સહાનુભૂતિ અમેરિકન સંસ્થાનો તરફ હતી. તેઓ ગુલામી પ્રથાના વિરોધી હતા. તેમનું વલણ રિપબ્લિકન પક્ષ તરફ હતું. લિબરલ પક્ષની સરકાર ઇંગ્લૅન્ડમાં સત્તા ઉપર આવતાં તેમનું ન્યાયાધીશ બનવાનું સ્વપ્ન સાકાર થયું. માર્ચ, 1783માં તેમને નિમણૂકપત્ર મળ્યો અને પત્ની સાથે એપ્રિલ, 1783માં તેમણે ભારત તરફ પ્રયાણ કર્યું.

ભારતમાં આવ્યા બાદ 1784માં તેમણે રૉયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી, મૃત્યુપર્યંત તેના પ્રમુખ રહ્યા. 1785માં હિંદુ વિદ્વાનોના વિરોધ સામે નમ્રતા ધરી સંસ્કૃતનો અભ્યાસ આરંભ્યો અને પૂરો કર્યો. ‘એશિયાટિક રિસર્ચીઝ’ના 4 ગ્રંથો પ્રસિદ્ધ કર્યા. 1789માં કાલિદાસનું પ્રખ્યાત નાટક ‘શાકુંતલ’ પ્રસિદ્ધ કર્યું. ભારતીય સંગીત, ખગોળશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર અને શેતરંજની રમતમાં રસ લીધો. ‘ઋતુસંહાર’ અને ‘ગીતગોવિંદ’નો અનુવાદ કર્યા પછી ભારતીય પંડિતોની સહાયથી તેમણે ‘મનુસ્મૃતિ’ના અનુવાદનું કામ હાથ ઉપર લીધું, પણ તેમના અકાળ અવસાનને લીધે આ કાર્ય અધૂરું રહ્યું.

શિવપ્રસાદ રાજગોર