જૉન્સ, વિલ્સન (જ. 2 મે 1922, પુણે; અ. 5 ઑક્ટોબર 2003) : ભારતના વિશ્વસ્તરના બિલિયર્ડ અને સ્નૂકરના ખેલાડી. નાનપણથી જ બિલિયર્ડ અને સ્નૂકરની રમતમાં રસ. ભારતને સૌપ્રથમ બિલિયર્ડમાં 1958માં કૉલકાતા મુકામે આયોજિત સ્પર્ધામાં વિશ્વકપ અપાવનાર મહાન ખેલાડી. 1962માં ઑસ્ટ્રેલિયામાં આયોજિત સ્પર્ધામાં બીજા નંબરે આવીને ‘રનર્સ અપ’ બન્યા હતા. 1964માં ન્યૂઝીલૅન્ડમાં આયોજિત સ્પર્ધામાં ફરીથી વિશ્વ-ચૅમ્પિયન; 1950માં તેઓ રાષ્ટ્રીય ચૅમ્પિયન બન્યા અને ત્યારબાદ રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ 12 વાર જીતીને ઇતિહાસ સર્જ્યો. તે બિલિયર્ડમાં 1950-52, 1954-55, 1957, 1960-61 અને 1963-66માં રાષ્ટ્રીય ચૅમ્પિયન રહ્યા. વિશ્વના મોટા ભાગના દેશોમાં તેમણે પ્રદર્શન-મૅચો રમી હતી. જૉન્સ વિલ્સને ભારતને બિલિયર્ડની રમતમાં વિશ્વસ્તરે અપાવેલી ખ્યાતિ જેટલી ખ્યાતિ બીજા કોઈ પણ ખેલાડીએ બીજી કોઈ પણ રમતમાં અપાવી નથી.

સ્નૂકરમાં પણ તેમણે સારી સિદ્ધિ મેળવી હતી અને તેમાં 1948, 1952, 1954, 1958 અને 1960માં રાષ્ટ્રીય ચૅમ્પિયન રહ્યા. 1967માં તેમણે બિલિયર્ડ અને સ્નૂકરની સ્પર્ધામાંથી નિવૃત્તિ જાહેર કરી. ભારત સરકારે તેમને 1962માં અર્જુન ઍવૉર્ડથી અને 1966માં ‘પદ્મશ્રી’થી સન્માન્યા હતા. 1996માં તેમને દ્રોણાચાર્ય ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમની રમતગમતની સિદ્ધિની કદર કરી મહારાષ્ટ્ર સરકારે તેમને 1972માં એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ તરીકે નીમ્યા હતા.

પ્રભુદયાલ શર્મા