જૉબર : લંડન શૅરબજારનો સભ્ય. તે શૅર અને જામીનગીરીઓમાં વાસ્તવિક લે-વેચ કરે છે; પરંતુ રોકાણકાર સાથે સીધેસીધા સંપર્કમાં આવતો નથી. ફક્ત શૅરદલાલો સાથે જ વહેવાર અને વેપાર કરે છે. દલાલો રોકાણકારો વતી કાર્ય કરે છે. જૉબર અમુક શૅરના લૉટ કે અમુક ગ્રૂપ માટે જ કાર્ય કરે છે; જેમ કે, ગિલ્ટ-એજેડ સિક્યૂરિટી, માઇનિંગ શૅર, ઑઇલ શૅર, ફૂડ શૅર ઇત્યાદિ. જે શૅર કે સ્ટૉક અંગે જૉબર ખરીદ-વેચાણ કરતો હોય તે શૅર કે સ્ટૉક વિશે તેને પૂછવામાં આવે ત્યારે તે બે પ્રકારના ભાવ આપે છે – એક ઊંચો ભાવ જે ભાવે તે વેચવા તૈયાર હોય છે અને બીજો નીચો ભાવ જે ભાવે તે ખરીદવા તૈયાર હોય છે. આ સમયે દલાલ શૅર ખરીદે છે કે વેચે છે તે સ્પષ્ટ સમજી શકાતું નથી. વર્તમાન પરિસ્થિતિમાં લંડનમાં જૉબરના કામના કદમાં વધારો અને વિસ્તૃતીકરણ થયેલ છે; પરંતુ જૉબરની પેઢીઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે.

શ્રીકૃષ્ણ ગોપીનાથ દેવભાનકર