જૈવરાસાયણિક જનીનવિદ્યા : જૈવરાસાયણિક પ્રતિક્રિયાઓનો જેમાં અભ્યાસ કરવામાં આવે છે, તેવી જનીનવિદ્યાની શાખા. આનુવંશિક લક્ષણોના સંચારણમાં જનીનો અગત્યનો ભાગ ભજવે છે. વારસા રૂપે માતા-પિતાનાં શરીરમાં આવેલા જનીનો સંતાનોમાં ઊતરે છે. જનીનોમાં આનુવંશિક લક્ષણો સાથે સંકળાયેલી માહિતી સંકેત રૂપે આવેલી હોય છે. ગર્ભની વિકાસાવસ્થા દરમિયાન સંકેતોના લિપ્યંતરથી, કોષો વિશિષ્ટ જૈવરસાયણોનું સંશ્લેષણ કરે છે. પરિણામે કોઈ પણ સજીવ પોતાની જાતિ(species)ને અનુરૂપ વારસાગત લક્ષણો પ્રાપ્ત કરે છે.
જનીનો કોષકેંદ્રોમાં આવેલાં રંગસૂત્રોમાં જોવા મળે છે અને તે ડીએનએ(ડીઑક્સિરિબૉન્યૂક્લિઇક-ઍસિડ)ના એકમોના બનેલા હોય છે. કોષની ક્રિયાત્મક અવસ્થા દરમિયાન ડીએનએના અણુઓ આરએનએ (રિબૉન્યૂક્લિઇક ઍસિડ) અણુઓનું સંશ્લેષણ કરે છે. આ આરએનએ અણુઓમાં જનીનસંકેતો (genetic codes) આવેલા હોય છે. આ સંકેતોને આધારે કોષરસમાં બંધારણાત્મક પ્રોટીનના અણુઓનું સંશ્લેષણ થાય છે.
મ. શિ. દૂબળે