જૈમિનીય બ્રાહ્મણ : સામવેદની જૈમિનીય શાખાનું બ્રાહ્મણ. આ બ્રાહ્મણ વૈદિક સાહિત્યના અગત્યના અને બૃહત્કાય ગ્રંથો (દા. ત., શતપથ બ્રાહ્મણ) પૈકી એક વિખ્યાત બ્રાહ્મણ ગ્રંથ છે; તે ‘તલવકાર બ્રાહ્મણ’ તરીકે પણ જાણીતું છે. સામગોના ગૂંચવણભર્યા આયોજનને સમજવા માટે ગ્રંથ ઘણો ઉપયોગી છે. બ્રાહ્મણના સંકલનકાર આચાર્ય જૈમિનિ અને તલવકાર ઋષિ છે. આ શાખા કર્ણાટકમાં પ્રચલિત હતી. બ્રાહ્મણમાં સ્વરાંકન પ્રાપ્ત થતું નથી. તે તાંડ્ય મહાબ્રાહ્મણ કરતાં પ્રાચીન છે.

આ ગ્રંથ ઉપર ટીકા, પદ્ધતિ, પ્રયોગગ્રંથ, સંપૂર્ણ શ્રૌતસૂત્ર કે સાયણભાષ્ય ઉપલબ્ધ નથી. આચાર્ય સાયણ સામવેદના અન્ય બ્રાહ્મણગ્રંથોનો તેમના ભાષ્યોમાં ઉલ્લેખ કરે છે; પરંતુ આ બ્રાહ્મણનો ઉલ્લેખ તેઓ કરતા નથી. ભવત્રાત ઉર્ફે વરાહદેવ સ્વામીએ આ બ્રાહ્મણ ઉપર ભાષ્ય રચ્યું છે.

આ બ્રાહ્મણ ત્રણ કાંડમાં વિભાજિત છે; પ્રથમ કાંડમાં 364 ખંડ છે; દ્વિતીય કાંડમાં 442 ખંડ અને તૃતીય કાંડમાં 386 ખંડ છે. આમ કુલ 1192 ખંડ છે. જૈમિનિ બ્રાહ્મણ (જૈ. બ્રા.) અને પંચવિંશ બ્રાહ્મણ (પં. બ્રા.) વચ્ચે ઘણું સામ્ય છે.

વર્ણ્ય વિષયો : જૈ. બ્રા. 1.1-65 : અગ્નિહોમ; જૈ. બ્રા. 1.66 – 364 : અગ્નિહોમ, વિવિધ પ્રાયશ્ચિત્તો; જૈ. બ્રા. 1.66 – 364 એ ભાગ પં. બ્રા. 6-9ને મળતો આવે છે. 1.342-364માં વિશેષત: પ્રાયશ્ચિત્તોની ચર્ચા કરવામાં આવી છે. આ વિષયની ચર્ચા પંચવિંશ બ્રાહ્મણ 9.3-10માં ઉપલબ્ધ થાય છે.

જૈ. બ્રા. 2.180 : ગવામયન (આ અયનયાગની પ્રકૃતિ છે). આ ભાગ પં. બ્રા. 4 અને 5ને મળતો આવે છે. જૈ. બ્રા. 2.81-234 : એકાહ (એક દિવસીય સોમયાગ). આ યાગ માટે જ્યોતિષ્ટોમ પ્રકૃતિ ગણાય છે. જૈ. બ્રા. 2.81-234 પં. બ્રા. 26-29ને મળતો આવે છે. જૈ. બ્રા. 2.235-333 : 12 દિવસ ચાલતા અહીન યાગોની ચર્ચા. જૈ. બ્રા. 2.236-333 પં. બ્રા. 20-22ને મળતો આવે છે. જૈ. બ્રા. 2.334-370 : સત્ર યાગોની ચર્ચા; આ યાગો 13 દિવસ કે તેથી વધુ ચાલતા હોય છે. જૈ. બ્રા. 2.371-442 : ગવામયન યજ્ઞનું નિરૂપણ : આ ભાગ પં. બ્રા. 4 અને 5ને મળતો આવે છે. જૈ. બ્રા. 3જા કાંડમાં દ્વાદશાહ યાગનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ભાગ પં. બ્રા. 10-15ને મળતો આવે છે. આ બ્રાહ્મણનાં કેટલાંક વાક્યો તાંડ્ય મહાબ્રાહ્મણ, શતપથ બ્રાહ્મણ અને તૈત્તિરીય સંહિતાનાં વાક્યોને મળતાં આવે છે; વળી કેટલાક મંત્રો વેદોની ઉપલબ્ધ સંહિતાઓમાં પ્રાપ્ત થતા નથી. અલંકારની ર્દષ્ટિએ આ બ્રાહ્મણમાં સુંદર ઉપમાઓ જોવા મળે છે. યાગાનુષ્ઠાનનું રહસ્ય જાણવા માટે અગ્નિહોમનું સુંદર વર્ણન ઉપયોગી બની રહે એમ છે.

આ બ્રાહ્મણગ્રંથમાં દેવતાવિષયક માહિતી અને સુંદર આખ્યાનો પણ પ્રાપ્ત થાય છે અને આ બાબતમાં શતપથ બ્રાહ્મણથી આ બ્રાહ્મણ ઊતરતું નથી; દા. ત., પણિ-સરમા-આખ્યાન (2.438-440). આ આખ્યાન ઋગ્વેદાન્તર્ગત ‘‘પણિ સરમા સંવાદ’’ (ઋગ્વેદ 10.108) નામક સૂક્તનો સુંદર અર્થવાદ છે. આ ર્દષ્ટિએ બ્રાહ્મણગ્રંથો સંહિતાગ્રંથોના સમજૂતી ગ્રંથો કે ટીકાગ્રંથો કહી શકાય. બ્રાહ્મણગ્રંથોમાં વિધિને સમજાવવા માટે અર્થવાદ તરીકે કથાઓ, આખ્યાનો આપવામાં આવે છે. પણિ-સરમા-આખ્યાયિકા (2.438-440) ‘અભિપ્લવ’ વિધિનું મહત્વ સમજાવવા આપવામાં આવ્યું છે (2.440). શુષ્ક યજ્ઞવિષયક ચર્ચાઓમાં આવાં આખ્યાનો શાદ્વલભૂમિ જેવાં આનંદપ્રદ બની રહે છે.

યજ્ઞની પાર્થિવ વસ્તુઓ અને દેવો વચ્ચે એકતાદર્શક વિધાનો બ્રાહ્મણગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. બંનેના એકીકરણની સ્થાપના નિર્વચનો દ્વારા કરવામાં આવે છે. વળી ‘‘એકાત્મતા’’ની વિચારણા પણ આ ગ્રંથોમાં મળે છે; દા. ત., सविता वै प्रजापति: । प्रजापतिर्विश्वेदेवा: । प्रजापताव् एवास्य तद् विश्वेषु देवेषु हुतं भवति ।  एतद्वै वैस्वदेवं यदग्निहोत्रम् । (1.6) (ર્દષ્ટવ્ય → ઐતરેય બ્રાહ્મણ, 1.13) संवत्सर: प्रजापतिः ।

ઉપદેશ કણિકાઓ પણ આ બ્રાહ્મણમાં ઉપલબ્ધ થાય છે; દા. ત., ઋષિ પોતાની પત્નીને ઉપદેશ આપે છે. ‘‘ઊંચા સાદે બોલો નહિ, ભૂમિને પણ કાન હોય છે.’’ રાજનીતિશાસ્ત્રની ર્દષ્ટિએ આ ઉપદેશ ઘણો મહત્વનો છે. ગદ્યસાહિત્યના ઉદગમ અને વિકાસના ઇતિહાસમાં બ્રાહ્મણગ્રંથોનું અગત્યનું યોગદાન છે. તેઓ સીમાચિહન સમા છે. બ્રાહ્મણ સાહિત્યમાં નાનાં, સરળ અને સમાસ-રહિત વાક્યો ઉપલબ્ધ થાય છે; દા. ત., तद्ध चखाद । सा ह पुनराससार ।  (2. 439). स होवाच ‘ऋषे ! न वै नाविमेडसुरा अग्मन्’ इति ।  (1.126)

અન્ય બ્રાહ્મણગ્રંથોની જેમ આ બ્રાહ્મણમાં પણ નિર્વચનો પ્રાપ્ત થાય છે : દા. ત., छन्दस् <  दृष्टव्य→ छन्दांसि वाव तान मृत्यो: पाण्मनोडछादयन् ।  तद्  यद् एनान् छन्दांसि मृत्यो : पाण्पनोडछादयँस्तच्छन्दासां छन्दत्वम् । (1.284)

સુરેશચંદ્ર કાંટાવાળા