જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ
January, 2012
જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ : સામવેદીય જૈમિનીય શાખાનું આરણ્યક સર્દશ બ્રાહ્મણ. તે તલવકાર ઉપનિષદ-બ્રાહ્મણ તરીકે પણ જાણીતું છે. તેને તલવકાર (જૈમિનીય) શાખાનું આરણ્યક ગણવામાં આવે છે. હેન્સ ઓએર્ટલે આ ગ્રંથ, તેનું ભાષાન્તર અને ટિપ્પણ Journal of American Oriental Society, New Haven – JAOS, Vol. XVI, Part I(1894)માં પ્રસિદ્ધ કર્યાં છે, જે પ્રમાણે આ ગ્રંથના ચાર અધ્યાય છે. પ્રથમ અધ્યાયમાં 18 અનુવાક્ અને 60 ખંડ છે, દ્વિતીય અધ્યાયમાં 15 અનુવાક્ અને 5 ખંડ છે, તૃતીય અધ્યાયમાં 42 અનુવાક્ અને 7 ખંડ છે, જ્યારે ચતુર્થ અધ્યાયમાં 28 અનુવાક્ અને 12 ખંડ છે. આમ સમગ્રતયા 103 અનુવાક્ અને 84 ખંડ છે.
કેટલીક હસ્તપ્રતોમાં ‘અનુવાક્’ અને ‘ખંડ’ એમ વિભાજન બતાવવામાં આવ્યાં નથી. ઓએર્ટલ અનુવાકને બદલે ગ્રંથનું વિભાજન ‘ખંડ’માં આપે છે. આ કૌથુમ શાખાનો પ્રાચીન ગ્રંથ છે. તેમાં આભિચારિક કર્મો અને તંત્રક્રિયાનાં નિરૂપણ છે. તદુપરાંત સામ, છંદ અને અમુક વર્ણનો મહિમા ગાવામાં આવ્યો છે. યજ્ઞ અને તેની ક્રિયાનાં નિરૂપણો તેમજ ૐકાર અને ગાયત્રીનું સુંદર વિશ્લેષણ અને વિવેચન આપવામાં આવ્યાં છે; તેથી તે ‘ગાયત્રી-ઉપનિષદ્-બ્રાહ્મણ’ તરીકે પણ જાણીતું છે. આ ગ્રંથનું ઉદઘાટન ‘ગાયત્રી’ના વર્ણનથી થાય છે. કહેવામાં આવ્યું છે કે વેદત્રયીથી પ્રજાપતિએ આ(વિશ્વ)ને જીતી લીધું અને ત્રણેય વેદ(ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ)નો રસ ગ્રહણ કરવાનો વિચાર કર્યો. તેમણે ‘भू:’ ઉચ્ચારીને ઋગ્વેદનો રસ લીધો, ‘भुव:’ ઉચ્ચારીને યજુર્વેદનો રસ ગ્રહણ કર્યો અને ‘स्व:’ ઉચ્ચારીને સામવેદનો રસ ગ્રહ્યો. એક અક્ષરનો – ૐકારનો – તે રસ લઈ શક્યા નહિ; આ ‘વાક્’ થયો અને આ ‘વાક્’ ‘ૐ’ છે. ગાયત્રીના 8 અક્ષરો છે અને ગાયત્રી ‘બ્રહ્મ’ છે. આમ ગાયત્રીની વિચારણા આગળ ચાલે છે (ર્દષ્ટવ્ય → ઓએર્ટલ, એજન, પૃ. 81).
ૐકારનો – ઉદગીથનો મહિમા વર્ણવતાં આ બ્રાહ્મણ જણાવે છે : ‘તે પ્રમાણે જાણીને તે ૐનું ઉદગાન કરે છે અને અગ્નિનું આદાન કરીને પૃથ્વી પર તેનું પ્રતિષ્ઠાપન કરે છે. ૐ બોલીને તે વાયુનું આદાન કરે છે અને તેનું અન્તરિક્ષમાં પ્રતિષ્ઠાપન કરે છે. ૐ બોલીને તે પ્રાણનું આદાન કરે છે અને તેનું વાણીમાં પ્રતિષ્ઠાપન કરે છે’ (ર્દષ્ટવ્ય → ઓએર્ટલ, એજન, પૃ. 82). આવી ગુહ્યજ્ઞાનની ચર્ચા ઉપલબ્ધ થાય છે. અન્યત્ર સુચિત્ત શૈલાન જણાવે છે :
‘જે કોઈ યજ્ઞ કરવાને ઇચ્છતું હોય તેણે મારું વરણ કરવું જોઈએ, તો તેનો યજ્ઞ (સફળ) બનશે. આ પ્રમાણે જાણીને જે ઉદગીથ ગાય છે તેના ઉપર દેવો પ્રસન્ન થાય છે.’ (ર્દષ્ટવ્ય → ઓએર્ટલ, એજન, પૃ. 93–94) ઉપનિષદોમાં ૐકારની ચર્ચા અને વિચારણાઓ જોવા મળે છે.
અન્યત્ર પ્રાણનો મહિમા ગાવામાં આવ્યો છે. (ર્દષ્ટવ્ય → ઓએર્ટલ, એજન, પૃ. 118)
અન્ય બ્રાહ્મણ ગ્રંથોમાં દેવો અને અસુરોની સ્પર્ધાનાં વર્ણનો જોવા મળે છે તેમ આ ગ્રંથમાં પણ દેવો અને અસુરો વચ્ચેની સ્પર્ધાનાં વર્ણનો જોવા મળે છે. આવી સ્પર્ધા દરમિયાન દેવો પ્રજાપતિ પાસે સાહાય્ય માટે જાય છે ત્યારે પ્રજાપતિ તેમને ઉપદેશ આપે છે : ‘હે દેવો ! મારી ઉપાસના પુરુષ, પ્રજાપતિ અને સામન્ તરીકે કરો.’ (ર્દષ્ટવ્ય → ઓએર્ટલ, એજન, પૃ. 118).
આ બ્રાહ્મણના ચતુર્થ અધ્યાયના દસમા અનુવાકથી સુપ્રસિદ્ધ केनेषितं શબ્દોથી ‘કેન ઉપનિષદ’નો આરંભ થાય છે.
આ ગ્રંથના કેટલાક અંશો જૈમિનીય બ્રાહ્મણને મળતા આવે છે.
અન્ય બ્રાહ્મણ ગ્રંથોની જેમ અત્રે પણ વિવિધ ગાથાઓ, આખ્યાયિકાઓ આપવામાં આવી છે. વળી અનેક સામનું વર્ણન આપવામાં આવ્યું છે. મંત્રોનું પણ સુંદર વ્યાખ્યાન આપવામાં આવ્યું છે. વિવિધ વર્ણનો અને ચર્ચાઓ દરમિયાન નિરુક્તિઓ પણ આપવામાં આવી છે. આવી નિરુક્તિઓને વ્યુત્પત્તિઓ તો ન ગણી શકાય. ‘सामन्’ શબ્દની નિરુક્તિ આપતાં આ બ્રાહ્મણ ગ્રંથ જણાવે છે કે અમાવાસ્યાના દિવસે આદિત્ય, ચન્દ્રમા અને અગ્નિ સાથે ભેગા થાય છે, એટલે तद् यद् संयन्ति, तस्मात् साम । (ર્દષ્ટવ્ય → ઓએર્ટલ, એજન, પૃ. 110), એટલે કે અન્યત્ર ‘सामन्’ શું છે તેની ચર્ચા કરતાં ઋષિ જણાવે છે કે પ્રાણ-ઋક્ અને અપાનના મૈથુનથી ‘સામ’ની ઉત્પત્તિ થાય છે, એટલે सा (= ऋक्) + अम (= अपान) = साम (ર્દષ્ટવ્ય → ઓએર્ટલ, એજન, પૃ. 130).
આ ગ્રંથનું સંકલન જૈમિનિ અને તલવકાર ઋષિઓએ કરેલું મનાય છે. ગ્રંથ ઉપર ભવત્રાતનું ભાષ્ય છે.
સુરેશચંદ્ર કાંટાવાળા