જૈન વ્રતો : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી મન, વચન અને કાયા વડે નિવૃત્ત થવું તે વ્રત. જૈન સાધુ હિંસા આદિમાંથી સંપૂર્ણ નિવૃત્ત થાય છે તેથી તેમનાં આ પાંચ વ્રતો મહાવ્રતો કહેવાય છે. એથી ઊલટું, ગૃહસ્થાવસ્થાની મર્યાદાને કારણે જૈન ગૃહસ્થ હિંસા આદિમાંથી થોડા નિવૃત્ત થાય છે, તેથી તેમનાં આ પાંચ વ્રતો અણુવ્રતો કહેવાય છે.
આ પાંચ અણુવ્રતો ઉપરાંત ગૃહસ્થ જૈન બીજાં સાત વ્રતોનું પાલન કરે છે. તે સાતમાં ત્રણ ગુણવ્રતો છે અને ચાર શિક્ષાવ્રતો છે. આ સાત, મૂળ જે પાંચ વ્રતો છે તેમની રક્ષા, પુષ્ટિ અને શુદ્ધિ માટે લેવામાં આવે છે.
દિગવિરતિ, દેશવિરતિ અને અનર્થદંડવિરમણ એ ત્રણ ગુણવ્રતો છે. દિગવિરતિવ્રતમાં વ્રતી પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે બધી દિશાઓનું પરિમાણ નક્કી કરી તે બહાર હિંસા આદિ કોઈ પણ અધર્મપ્રવૃત્તિનો સર્વથા સર્વ પ્રકારે ત્યાગ કરે છે. દેશવિરતિવ્રતમાં ઉપરના વ્રતથી દિશાનું પરિમાણ હંમેશ માટે ઠરાવવામાં આવ્યું હોવા છતાં તે પરિમાણને પણ એક દિવસ માટે કે અમુક વખત માટે ઘટાડી અધર્મપ્રવૃત્તિના ક્ષેત્રને સંકોચવામાં આવે છે. અનર્થદંડવિરમણવ્રત એટલે ગૃહસ્થાવસ્થાની મર્યાદાને લીધે જીવનનિર્વાહ માટે કે કૌટુંબિક–સામાજિક જવાબદારી અદા કરવા માટે નાછૂટકે કરવી પડતી અધર્મપ્રવૃત્તિ સિવાયની કોઈ પણ નિરર્થક અધર્મપ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવું તે.
સામાયિક, પૌષધોપવાસ, ભોગોપભોગપરિમાણ અને અતિથિસંવિભાગ — આ ચાર શિક્ષાવ્રતો છે. સામાયિકવ્રત એટલે સર્વ અધર્મપ્રવૃત્તિ ત્યાગી રાગદ્વેષરહિત શાન્ત સ્થિતિમાં બે ઘડી (48 મિનિટ) એક આસને રહી આધ્યાત્મિક સ્વાધ્યાય કે પરમાત્માનું પ્રણિધાન કરવું. ઉપવાસ કે એકાશન કરી ચાર કે આઠ પહોર સુધી અથવા એથી વધુ વખત સાધુજીવનની પેઠે ધર્મક્રિયાપરાયણ થવું એ પૌષધવ્રત છે. સર્વ સંસારી ભાંજગડથી દૂર ખસી સર્વવિરતિધર્મનો સ્વાદ ચાખવા માટે આ વ્રત છે. ભોગોપભોગપરિમાણવ્રત – એક વાર જેનો ભોગ શક્ય છે તે પદાર્થો ભોગ કહેવાય છે, જેવા કે અનાજ, પાણી વગેરે. વારંવાર ઉપભોગમાં આવનાર વસ્ત્ર, અલંકાર વગેરે પદાર્થો ઉપભોગ કહેવાય છે. તેમના પરિમાણની મર્યાદા બાંધવી અને તે મર્યાદાથી વધારેનો સદંતર ત્યાગ કરવો તે ભોગોપભોગપરિમાણવ્રત. ન્યાયથી પેદા કરેલ કે મેળવેલ તેમજ ખપે એવી ખાન, પાન આદિ વસ્તુઓનું ઉભય પક્ષને લાભ થાય એવી રીતે શુદ્ધ ભક્તિભાવપૂર્વક સુપાત્રને દાન કરવું તે અતિથિસંવિભાગવ્રત.
આ ઉપરાંત, જ્યારે જીવનનો અંત ખાતરીથી નજીક દેખાય, ધર્મ અને આવશ્યક કર્તવ્યોનો નાશ આવી પડે તેમજ કોઈ પણ જાતનું દુર્ધ્યાન ન હોય ત્યારે ગૃહસ્થ જે આમરણાન્ત ઉપવાસ આદરે છે તે સંલેખનાવ્રત કહેવાય છે. આ ઉપવાસચર્યામાં શરૂઆતમાં નીરસ ભોજન, પછી છાશ, ભાતનું ઓસામણ વગેરે કોઈ પેય વસ્તુ ઉપર, પછી શુદ્ધ જળ ઉપર રહી ચડતા ઉપવાસ ઉપર ક્રમશ: આવવાનું હોય છે.
નગીનભાઈ જીવણલાલ શાહ