જૈન, લાલા હુકુમચંદ (જ. ઈ. સ. 1816, હાંસી, હિસાર, હરિયાણા; અ. 19 જાન્યુઆરી, 1858, હાંસી હરિયાણા) : 1857ના વિપ્લવના શહીદ. લાલા હુકુમચંદનો જન્મ હરિયાણાના જાણીતા કાનૂગો પરિવારમાં દુનીચંદ જૈનને ત્યાં થયો હતો. તેઓ અગ્રવાલ જૈન જાતિના હતા. તેમનું ગોત્ર ગોયલ હતું. તેમણે શિક્ષણ હાંસીમાં લીધું હતું. તેમને ફારસી તથા ગણિત વિષયમાં વધુ રસ હોવાથી, આ વિષયનાં પુસ્તકો પણ લખ્યાં હતાં. તેમના શિક્ષણ અને પ્રતિભાને કારણે તેમણે મુઘલ બાદશાહ બહાદુરશાહ `ઝફર’ના દરબારમાં ઉચ્ચ હોદ્દો મેળવ્યો હતો. બાદશાહ સાથે તેમને ઘણા સારા સંબંધો હતા.
ઈ. સ. 1841માં મુઘલ બાદશાહે તેમને હાંસી તથા કરનાલ જિલ્લાના કાનૂગો તથા વ્યવસ્થાપક નીમ્યા. સાત વર્ષ મુઘલ દરબારમાં રહ્યા બાદ તેઓ પોતે વ્યવસ્થા માટે હાંસી ગયા. આ દરમિયાન અંગ્રેજોએ હરિયાણા પ્રાન્ત કબજે કરી લીધો. બ્રિટિશ શાસનમાં પણ હુકુમચંદજી કાનૂગો તરીકે સેવા આપતા હતા. પરંતુ તેમના વિચારો હંમેશાં અંગ્રેજોની વિરુદ્ધમાં હતા.
શ્રી જૈન ઉચ્ચ કક્ષાના દાતા, હૃદયના ઉદાર તથા પરોપકારી સ્વભાવ ધરાવતા હતા. તેમણે જુદાં જુદાં ગામોમાં મંદિરો, શિવાલયો, કૂવા, તળાવો વગેરે નિર્માણ કરાવ્યાં હતાં. તેમણે જૂનાં મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો.
ઈ. સ. 1857માં દેશમાં અંગ્રેજો વિરુદ્ધ વિપ્લવ શરૂ થયો ત્યારે લાલા હુકુમચંદની દેશપ્રેમની ભાવના જાગ્રત થઈ. દિલ્હીમાં આયોજિત દેશભક્ત નેતાઓના સંમેલનમાં તેઓ હાજર રહ્યા હતા. બહાદુરશાહ `ઝફર’ સાથે તેમનો ઘણાં વર્ષોથી ગાઢ સંબંધ હતો, તેથી તેમણે અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરવા સૂચન કર્યું. ત્યાં હાજર રહેલા નેતાઓ તથા બાદશાહ બહાદુરશાહ ઝફરને તેમણે ખાતરીપૂર્વક જણાવ્યું કે તેઓ `આ સ્વાતંત્ર્યસંગ્રામમાં પોતાનું તન, મન અને ધન સર્વસ્વનું બલિદાન કરવા તૈયાર છે.’ તેમની આ જાહેરાતના જવાબમાં મુઘલ બાદશાહ બહાદુરશાહે કહ્યું કે, તેઓ પોતાનું લશ્કર ગોલા-બારૂદ તથા દરેક પ્રકારની યુદ્ધસામગ્રીની મદદ આપશે. આ સાંત્વન સાથે હુકુમચંદજી હાંસી ગયા.
હાંસી જઈને હુકુમચંદે દેશભક્ત વીર યુવકોને ભેગા કર્યા અને જ્યારે અંગ્રેજોનું સૈન્ય હાંસી થઈને દિલ્હી પર ચડાઈ કરવા જતું હતું ત્યારે તેના પર હુમલો કરીને તેને ઘણું નુકસાન કર્યું. તેમની પાસે અને તેમના સાથીદારો પાસે ઘણી થોડી યુદ્ધસામગ્રી હતી. હથિયાર પણ સાધારણ હતાં. તેમણે મુઘલ બાદશાહની મદદની આશા રાખી હતી, તે મદદ મળી નહીં. તેમ છતાં તેમની આગેવાની હેઠળ વીરતાપૂર્ણ લડાઈ થઈ. આ બનાવથી તેઓ નિરાશ થયા નહીં. પરંતુ અંગ્રેજોને હરાવવાના વિવિધ ઉપાયો તેઓ શોધવા લાગ્યા.
લાલા હુકુમચંદ તથા તેમના સાથી મિર્જા મુનીર બેગે મુઘલ સમ્રાટને ફારસી ભાષામાં એક ગુપ્ત પત્ર લખ્યો. અનુશ્રુતિ મુજબ આ પત્ર તેમના લોહી વડે લખવામાં આવ્યો હતો. તે પત્રમાં તેમણે અંગ્રેજો સામેના સંઘર્ષમાં પોતાની સંપૂર્ણ મદદ આપવાની ખાતરી આપી હતી. તે ઉપરાંત અંગ્રેજો સામે પોતાની ઘૃણા વ્યક્ત કરી હતી. પત્રમાં તેમણે પોતાને માટે યુદ્ધસામગ્રીની માગણી કરી હતી. હુકુમચંદ મુઘલ સમ્રાટના જવાબની રાહ જોવાની સાથે હાંસીની વ્યવસ્થા પણ સંભાળતા હતા. પરંતુ દિલ્હીથી પત્રનો જવાબ આવ્યો નહીં. આ દરમિયાન અંગ્રેજોએ દિલ્હી કબજે કરી લીધું અને મુઘલ બાદશાહની ધરપકડ કરવામાં આવી.
15મી નવેમ્બર, 1857ના દિવસે, બાદશાહની અંગત ફાઈલોની તપાસ દરમિયાન લાલા હુકુમચંદ તથા મિર્જા મુનીર બેગના હસ્તાક્ષરવાળો તે પત્ર અંગ્રેજ અફસરોના હાથમાં આવ્યો. દિલ્હીના અંગ્રેજ કમિશ્નર સી. એસ. સૉન્ડર્સે, હિસારના કમિશ્નર નવ કોર્ટલૅન્ડને એ પત્ર મોકલ્યો અને જણાવ્યું કે, ‘તેઓની વિરુદ્ધ તાત્કાલિક સખત પગલાં લો.’
આ પત્ર મળ્યો કે તરત જ કલેક્ટર સૈનિકોની એક ટુકડી લઈને હાંસી ગયો અને લાલા હુકુમચંદ તથા મિર્જા મુનીર બેગનાં મકાનો પર હુમલો કર્યો. બંનેની ધરપકડ કરવામાં આવી. તેમની સાથે હુકુમચંદજીના 13 વર્ષના ભત્રીજા ફકીરચંદની પણ ધરપકડ કરવામાં આવી. તેઓને હિસાર લાવીને તેમના ઉપર કેસ ચલાવવાનો દેખાવ કરવામાં આવ્યો. ત્યાર બાદ 18 જાન્યુઆરી, 1858ના રોજ હિસારના અંગ્રેજ મૅજિસ્ટ્રેટે લાલા હુકુમચંદ તથા મિર્જા મુનીર બેગને ફાંસીની સજા ફરમાવી. ફકીરચંદ નિર્દોષ હોવાથી, છોડી મૂકવામાં આવ્યો.
19 જાન્યુઆરી, 1858ના દિવસે લાલા હુકુમચંદ તથા મિર્જા મુનીર બેગને હુકુમચંદની હવેલીની સામે, જાહેરમાં ફાંસી આપવામાં આવી. ક્રૂરતાની પરાકાષ્ઠા ત્યારે થઈ જ્યારે હુકુમચંદના ભત્રીજા ફકીરચંદને અદાલતે છોડી મૂક્યો હતો, તેમ છતાં, તેને પણ પકડી લાવીને ફાંસી આપવામાં આવી.
હુકુમચંદનું શબ તેમનાં કુટુંબીજનોને અંતિમ સંસ્કાર માટે આપવામાં આવ્યું નહીં, પરંતુ તેમની ધાર્મિક ભાવનાની વિરુદ્ધ હુકુમચંદના શબને નિમ્ન ગણાતી કોમ દ્વારા દફનાવવામાં આવ્યું. મિર્જા મુનીર બેગના શબને મુસ્લિમ પરંપરાઓ વિરુદ્ધ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા.
લાલોંની મિલકતો ઘણી ઓછી કિંમતે હરાજ કરવામાં આવી. તેમનાં ધર્મપત્ની, પોતાના બે પુત્રોને સાથે લઈને ગુપ્તવેશે કોઈ સંબંધીને ત્યાં નાસી ગયાં. અંગ્રેજો તેમને શોધીને વેર વાળવા માગતા હતા. પરંતુ તેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. લાલોંની મિલકતમાં 9000 એકર જમીન, 400 તોલા સોનું, 3300 તોલા ચાંદી, 1300 ચાંદીના સિક્કા, 107 સોનામહોર વગેરે હતું.
લાલાની શહીદી માટે માત્ર ભારતનો જૈન સમાજ નહીં, પણ સમગ્ર ભારત દેશ ગૌરવ અનુભવે છે. લાલાની યાદમાં હાંસી નગરપાલિકાએ જાન્યુઆરી 1961માં `અમર શહીદ હુકુમચંદ પાર્ક’ની સ્થાપના કરી છે. આ પાર્કમાં લાલાની પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવી છે.
જયકુમાર ર. શુક્લ
