જૈન પ્રબંધસાહિત્ય : એક પ્રકારનું ઐતિહાસિક કે અર્ધઐતિહાસિક કથાનક તે પ્રબંધ. તે સમગ્ર પ્રાકૃત કે સંસ્કૃત ગદ્ય અને ક્વચિત્ પદ્યમાં રચાયેલું હોય છે. ‘પ્રબંધચિંતામણિ’, ‘પ્રબંધકોશ’, ‘ભોજપ્રબંધ’, ‘વિવિધ તીર્થકલ્પ’, ‘પ્રભાવકચરિત્ર’, ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ વગેરે ગ્રંથો આ પ્રકારના સાહિત્યનાં ઉદાહરણો છે. પ્રબંધકોશકાર રાજશેખરસૂરિએ ‘ભગવાન મહાવીર પછીના વિશિષ્ટ પુરુષોનાં વૃત્તો એટલે પ્રબંધ’ તેવી પ્રબંધની વ્યાખ્યા આપી છે. જોકે આ વ્યાખ્યાને કોઈ પ્રાચીન આધાર નથી અને તેનું પ્રબંધકારોએ કોઈ ચુસ્ત પાલન કર્યું જણાતું નથી. પ્રબંધોના વિષયોને જોતાં એમ કહી શકાય કે તેમાં જૈનાચાર્યો, સાધુઓ, પ્રભાવક શ્રેષ્ઠીઓનાં જીવનવૃત્તાંતો ઉપરાંત શાસકો, કવિઓ, વિદ્વાનો ઇત્યાદિનાં કથાનકો તથા તીર્થોનો ઇતિહાસ અને કોઈ ઐતિહાસિક ઘટના સંબંધી માહિતી આદિનું પણ આલેખન થયું હોય છે. આવાં કથાનકો રચવાનો ઉદ્દેશ ઇતિહાસપ્રસિદ્ધ પુરુષોના જીવનની રસપ્રદ ઘટનાઓ સાથે સાંકળી લઈને શ્રોતાઓના મનોવિનોદ સાથે જ ધર્મોપદેશ આપવાનો અને જૈન ધર્મનું માહાત્મ્ય દર્શાવવાનો રહેતો. આવી સામગ્રી શુદ્ધ ઐતિહાસિક હોય તેમ માની શકાય નહિ; પરંતુ ઇતિહાસરચનામાં તેનું ઠીક ઠીક મહત્ત્વ છે, કારણ કે પ્રબંધોનો અધિકાંશ અભિલેખો તથા અન્ય વિશ્વસનીય સ્રોતો દ્વારા સમર્થિત જણાયો છે.
આ પ્રકારના પ્રબંધો ખાસ કરીને ગુજરાત અને માળવા ક્ષેત્રમાં મધ્યકાળમાં અર્થાત્ ઈસવી સનની દશમી સદીથી પંદરમી સદી વચ્ચે વિપુલ સંખ્યામાં રચાયેલા જોવા મળે છે.
આવા પ્રબંધાત્મક ગ્રંથોમાં સહુપ્રથમ ભદ્રેશ્વરસૂરિ(આશરે ઈ. સ. અગિયારમી સદી) વિરચિત પ્રાકૃત ગદ્યબદ્ધ કહાવલિ (કથાવલિ) ગણી શકાય. અદ્યાવધિ અપ્રકાશિત કહાવલિમાં હરિભદ્રસૂરિ જેવા ઐતિહાસિક આચાર્યના કથાનક સુધીનાં જૈન મહાપુરુષોનાં કથાનકો મળે છે.
આચાર્યશ્રી હેમચંદ્રે આ કથાવલિના અનુસરણ રૂપે પરિશિષ્ટપર્વમાં ભગવાન મહાવીર પછીનાં વજ્રસૂરિ સુધીનાં કથાનકો આપ્યાં છે. હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ અને કુમારપાળનાં જીવનચરિત્રનાં કાવ્યો દ્વારા પ્રબંધોનો સૂત્રપાત કર્યો હતો તેના અનુસરણમાં પાછળથી અનેક પ્રબંધો રચાયેલા જોવા મળે છે.
આવા પ્રબંધોમાં પ્રાકૃત પદ્યબદ્ધ અજ્ઞાતકર્તૃક ‘પ્રબંધચતુષ્ટય’ (ઈ. સ. 1235) અને સંસ્કૃતભાષાબદ્ધ અનેક પ્રબંધો જેવા કે જિનભદ્રકૃત ‘પ્રબંધાવલિ’ (ઈ. સ. 1233), પ્રભાચંદ્રાચાર્યવિરચિત પ્રસિદ્ધ ‘પ્રભાવકચરિત્ર’ (ઈ. સ. 1277), મેરુતુંગસૂરિવિરચિત ‘પ્રબંધ- ચિન્તામણિ’ (ઈ. સ. 1304), જિનપ્રભસૂરિવિરચિત ‘‘વિવિધતીર્થકલ્પ’ (ઈ. સ. ચૌદમી સદીનો પ્રારંભ), રાજશેખરસૂરિવિરચિત ‘પ્રબંધકોશ’ અથવા ‘ચતુર્વિંશતિ પ્રબંધ’ (ઈ. સ. 1348), અજ્ઞાતકર્તૃક ‘પુરાતન- પ્રબંધસંગ્રહ’ (ઈ. સ.ની ચૌદમી સદી લગભગ) વગેરે ગ્રંથો ગણાવી શકાય.
રમણિકભાઈ મ. શાહ