જૈન પુરાણ સાહિત્ય : ‘પુરાણ’ એટલે પુરાતન કથાનક. રામાયણ-મહાભારતની કથાઓ અને 63 શલાકાપુરુષો તથા અન્ય મહાપુરુષોનાં ચરિત્રોનો આમાં સમાવેશ થવાથી આ સાહિત્યખંડ અતિવિપુલ અને સમૃદ્ધ બન્યો છે. જૈન મહાકાવ્યોનું વસ્તુ પૌરાણિક હોઈ તે પણ આમાં સમાવિષ્ટ થાય છે. ધાર્મિક સાહિત્ય હોઈ તેમાં આચારોનું પ્રતિપાદન તથા નૈતિક જીવનની ઉન્નતિ અર્થે આદર્શોની યોજના મુખ્ય વિષય છે. લોક, દેશ, પુર, રાજ્ય, તીર્થ, દાન, તપ, ગતિ અને કર્મફળનું વર્ણન આપવાનું હોઈ તેમાં પૂર્વભવકથાઓ પણ કહેવાઈ છે. અવાન્તરકથાઓના અતિરેકથી મૂળ કથાનકમાં કંઈક શિથિલતા આવે છે. અલૌકિક તત્વો પણ એમાં સ્થાન પામ્યાં છે. વળી કેટલાક ગ્રંથોમાં તો મધ્યમ શ્રેણીના વણિક્ આદિને અને ક્વચિત્ સ્ત્રીને પણ મુખ્ય પાત્ર બનાવે છે. સર્વ ઉપલબ્ધિઓને અન્તે વિરક્તિ જ લક્ષ્ય હોવાથી શાન્તરસ પ્રાધાન્ય પામે છે. જનસાધારણને ધ્યાનમાં રાખી સંસ્કૃત–પ્રાકૃત–અપભ્રંશમાં રચાયેલાં આ પુરાણોની ભાષા સરળ લોકભાષા જેવી થઈ ગઈ છે. તેરમી-ચૌદમી સદીનાં અને તે પછી રચાયેલાંમાં રૂઢિપ્રયોગો, લોકોક્તિઓ તથા દેશી શબ્દોનો પ્રયોગ સવિશેષ ર્દષ્ટિગોચર થાય છે. વિવિધ છંદોમાં અન્તે તથા વચ્ચે આવતો અનુપ્રાસ ગેયતા તથા લયની ગતિશીલતા પ્રેરે છે.

વિમલસૂરિનું ‘પઉમચરિય’ પ્રથમ ઉપલબ્ધ જૈન પુરાણ છે. તેના આધારે અને તે પછીના બીજા ગ્રંથોને આધારે અઢારમા શતક સુધી નાનામોટા પુરાણગ્રંથો ત્રણે ભાષામાં રચાતા રહ્યા છે. તેમાં રવિષેણનું ‘પદ્મપુરાણ’, જિનસેન –ગુણભદ્રનું ‘મહાપુરાણ’, શીલાંકનું ‘ચઉપ્પન્ન મહાપુરિસચરિય’, ભદ્રેશ્વરની ‘કહાવલિ’, હેમચન્દ્રનું ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત’ અને પુષ્પદન્તનું ‘મહાપુરાણ’ પ્રધાન ગ્રંથો છે.

જયન્ત પ્રે. ઠાકર