જૈન, (ડૉ.) જ્ઞાનચંદ (જ. 1923, અલ્લાહાબાદ અ. ઑગસ્ટ 2007 કૅલિફોર્નિયા યુ.એસ.એ.) : ઉર્દૂ ભાષાના આધુનિક યુગના નામાંકિત સંશોધક. માધ્યમિક અને કૉલેજશિક્ષણ મેળવ્યા પછી તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં જોડાયા. એમ.એ.ની ઉપાધિ મેળવ્યા બાદ ‘ઉર્દૂ કી નસરી દાસ્તાને’ પર વિદ્યાવાચસ્પતિની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમના આ મહાનિબંધથી તેમને સંશોધક તરીકે ખ્યાતિ મળી; અને કેટલાક સમીક્ષકોને કથાસાહિત્ય પ્રત્યે આકર્ષ્યા. વળી સાહિત્ય જગતમાં ભુલાતા જતા સાહિત્યસ્વરૂપ ‘દાસ્તાન’નું મહત્વ સ્થાપિત કર્યું. વિવિધ વિદ્યાલયોમાં રહીને સાહિત્યશિક્ષણ વિશે તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે.
ડૉ. જ્ઞાનચંદનું ભાષાવિજ્ઞાન ક્ષેત્રે પણ ઉલ્લેખનીય યોગદાન છે. ઉર્દૂ ભાષાના ઉદભવ, વિકાસ અને તેના ભાષાકીય વિશ્લેષણમાં તેમનું બહુમૂલ્ય પ્રદાન છે.
‘ગાલિબિયાત’ વિશે પણ તેમણે ઉર્દૂ જગતને કેટલાક આધારગ્રંથો આપ્યા છે. ગાલિબના નવા મળી આવેલ કાવ્યસંકલન ‘દીવાન’ વિશેના તેમના નિબંધો સમીક્ષકોમાં વખણાયા છે. ગાલિબનાં કાવ્યોની અનેક સમજૂતીઓ, ટિપ્પણીઓ, અનુશીલનો લખાયાં છે; પરંતુ તેમની ‘તફસીરે ગાલિબ’ ગાલિબની કાવ્યવિવરણની દિશામાં સોપાન ગણાયું છે. આ જ પ્રમાણે ‘ઇકબાલિયાત’ના સંદર્ભમાં તેમનું મૌલિક સંશોધન ‘ઇકબાલકા ઇબતિદાઈ ક્લામ’ સંપાદન-સંશોધનના ક્ષેત્રે પ્રશંસનીય રચના પુરવાર થઈ છે.
ભાષાવિજ્ઞાન જેવા શુષ્ક વિષય પર રસપ્રદ શૈલીમાં લખાયેલ તેમની ‘લિસાની મુતાલિયે’, ‘આમ લિસાનિયાત’, ‘તજઝિએ’ વગેરે આ વિષય પરના તેમના પ્રભુત્વના ઉમદા નમૂના ગણાય છે. આ ઉપરાંત તેમનાં 20 જેટલાં પુસ્તકો ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં તેમને પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને સંશોધક તરીકે સ્થાપિત કરી શકે છે. જૈનોનો ઉર્દૂ ભાષા અને સાહિત્યમાં કીમતી ફાળો રહ્યો છે. ડૉ. જ્ઞાનચંદ જૈન તેમની ઉમદા મિશાલ છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા