જૈત્રસિંહ : ગુજરાતના ઇતિહાસમાં ચાર જૈત્રસિંહો જાણવામાં આવ્યા છે. આમાંનો એક ચૌલુક્યયુગના અંતભાગના સુપ્રસિદ્ધ અમાત્ય વસ્તુપાલનો પુત્ર હતો. વીસલદેવ વાઘેલાના અમાત્યપદે વસ્તુપાલનો ભાઈ તેજપાલ હતો. ચાર વર્ષ બાદ તેજપાલનું અવસાન થતાં નાગડ નામનો નાગર બ્રાહ્મણ અમાત્યપદે આવ્યો હતો. ત્યારે અન્ય સામંતો અને અધિકારીઓ સલખણસિંહ, મહાપ્રધાન રાણક, શ્રીવર્દન, વસ્તુપાલનો પુત્ર જૈત્રસિંહ, કોષ્ઠાગારિક પદ્મ અને સામંતસિંહ વગેરે મહત્વનાં સ્થાન ધરાવતા હતા.

ચૌલુક્યોના સમયમાં રાષ્ટ્રકૂટ વંશનો ઉદ્દાલ નામનો એક વીર યોદ્ધો હતો. એ ઉદ્દાલનો જૈત્રસિંહ અને જૈત્રસિંહનો ભીમસિંહ પુત્ર હતો.

ત્રીજો જૈત્રસિંહ નાંદોદ(नन्दपद्र —  આજના રાજપીપળા)ના વૈજપાયન વંશનો મહારાજકુમાર હતો. ત્યાંના એક ત્રુટક દાનપત્રમાં ‘મહારાણક શ્રીજેસલદેવના મહારાજકુમાર’ આ જૈત્રસિંહે 1290માં પિતાની હયાતીમાં ‘મહારાજકુંવર’ તરીકે દાન આપ્યાનો નિર્દેશ થયેલો છે.

ચોથો, મેવાડના રાણા સામંતસિંહના પુત્ર કુમારસિંહ પછી નાગદાની ગાદીએ આવેલા ક્રમે મંથનસિંહ, પદ્મસિંહ અને એનો પુત્ર જૈત્રસિંહ હતા. આ જૈત્રસિંહને ચૌલુક્ય-સોલંકી વંશની મુખ્ય શાખાના ત્રિભુવનપાલ (રાજ્યકાળ 1242—1244) સાથે યુદ્ધ થયું હતું. ગુજરાતના ચૌલુક્ય વંશ — વાઘેલા વંશના વીર ધવલ સાથે એને અણબનાવ હતો. આ વિશે જયસિંહસૂરિના ‘હમ્મીર મદમર્દન’ નામના સંસ્કૃત નાટકમાં નિર્દેશ થયેલો છે. આ જૈત્રસિંહનો દેહાંત 1253 અને 1261 વચ્ચેના ગાળામાં થયો હોવાનું જાણવામાં આવ્યું છે. એના ઉત્તરાધિકારી તરીકે તેજસિંહ આવ્યો હતો, જેને વીસલદેવ વાઘેલા સાથે યુદ્ધ થયું હતું.

કે. કા. શાસ્ત્રી