જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકામાં આવેલું અભયારણ્ય.
ભૌગોલિક સ્થાન : તે 24 2´ ઉ. અ. અને 72 3´ પૂ. રે. પર આવેલું છે. થાર રણની દક્ષિણે અરવલ્લી હારમાળામાં આ જેસોરની ડુંગરાળ હારમાળા આવેલી છે. આ અભયારણ્યનો વિસ્તાર આશરે 180.66 ચો.કિમી. છે. જે સિપુ અને બનાસનદી વચ્ચે આવેલું છે.
વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ : આ અભયારણ્ય રણની પારિસ્થિતિકી અને સૂકા પાનખર પ્રકારનાં જંગલોની પારિસ્થિતિકી ધરાવે છે. પરિણામે અહીં સૂકાથી અર્ધસૂકા અને સૂકા પાનખર કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. આ અભયારણ્યમાં 406 પ્રકારની વનસ્પતિની પ્રજાતિ જોવા મળે છે. જેમાં 90 પ્રકારનાં વૃક્ષો, 47 પ્રકારના છોડવા, 33 પ્રકારના વેલા, 194 પ્રકારની ઔષધિના છોડ, 31 પ્રકારનાં ઘાસ, 2 પ્રકારની ફૂગ વગેરે જોવા મળે છે. આ જંગલોમાં વૃક્ષોનું વિચ્છેદન થવાથી રીંછનું પ્રમાણ ઘટતું જાય છે. વળી આ જંગલોમાં દવ લાગવાને કારણે તેમજ પશુપાલન પ્રવૃત્તિ વધતી જતી હોવાથી વનસ્પતિની વિવિધતા નાશ પામી છે. 40% જંગલો તળેટીના વિસ્તારમાં 20% જંગલો ડુંગરો પર રહ્યાં છે.
આ અભયારણ્યમાં રીંછ સિવાય દીપડો, સાબર, હરણ, જંગલી ભૂંડ, નીલગાય, વાંદરા, શાહુડી, જંગલી બિલાડી, જરખ, વરુ, સસલાં, નોળિયા, ઊડતી ખિસકોલી વગેરે પ્રાણીઓ જોવા મળે છે. તદ્ઉપરાંત 14 પ્રકારનાં સરીસૃપો, ગરોળી, મગર અહીં રહેલાં છે. કોબરા, ક્રેટ પણ છે. 105 પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. યાયાવર પક્ષીઓ પણ શિયાળાની ઋતુમાં જોવા મળે છે. વીસ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ જોવા મળે છે. રીંછ અને પેંગોલિન (કીડીખાઉં)નું ભવિષ્ય ખૂબ ઊજળું નથી.
આ જંગલોમાં સ્થાનિક લોકોની વૃક્ષવિચ્છેદન, શિકારની પ્રવૃત્તિ વધી ગઈ હતી. વૃક્ષોનું પ્રમાણ ઘટતાં જંગલી બાવળનું પ્રમાણ વધવા લાગ્યું. અહીંના ખડકોમાંથી ખનિજ ખોદકામ અને ક્વોરીનું પ્રમાણ વધવા લાગ્યું હતું. અવાજ અને પ્રદૂષણને કારણે અહીંના વન્યજીવોનું રક્ષણ કરવું જરૂરી બન્યું હતું. આથી 1978ના મે માસમાં આ વિસ્તારને ‘અભયારણ્ય’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં 2007–2008ના સમયગાળામાં સ્થાનિક લોકો ઉપર રીંછે સ્વબચાવ માટે આક્રમણ કર્યાની નોંધ પણ મળી છે. કેટલીક વાર રીંછ ખેતીકીય વિસ્તારમાં ખોરાકની શોધ માટે આવતાં હોવાથી ખેતીકીય પાકને નુકસાન કરતાં હોવાની જાણકારી પણ મળી છે.
આ અભયારણ્યને ‘જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય’ તરીકે ઓળખ મળી છે. સ્લોથ (Sloth)નો અર્થ આળસ થાય છે. દક્ષિણ અમેરિકાનાં જંગલોમાં પણ રીંછ જેવાં સ્લોથ પ્રાણી વસે છે. તે પણ આળસુ હોય છે. 18મી સદીમાં આ સ્લોથની ઓળખ થઈ હતી. આ જંગલમાં પણ વસતા રીંછની લાક્ષણિકતા આળસુ હોવાથી આ અભયારણ્યને ‘સ્લોથ રીંછ અભયારણ્ય’ નામ અપાયું છે. વનસ્પતિશાસ્ત્રીઓનું સૂચન છે કે જેસોર, બાલારામ અને અંબાજી જે અરવલ્લી હારમાળામાં આવેલાં છે, વહીવટી દૃષ્ટિએ તે ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં આવે છે. માઉન્ટ આબુ અને ફુલવાર-કી-નાર અને શિરોહી રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાં આવે છે. આમ આ સમગ્ર વિસ્તારની જૈવવિવિધતા એકસરખી હોવાથી તેને ‘સ્લોથ રીંછ અભયારણ્ય’ તરીકે જાહેર કરવો જોઈએ.
જેસોર અભયારણ્ય અમદાવાદથી 190 કિમી. દૂર છે. નજીકનું રેલવેસ્ટેશન પાલનપુર છે. જ્યાંથી આ અભયારણ્ય 45 કિમી. દૂર છે. જ્યારે શિવગઢ ગામથી અભયારણ્ય 8 કિમી. દૂર છે. નજીકનું હવાઈ મથક અમદાવાદ છે. આ અભયારણ્યમાં સ્થાનિક લોકોના આવાસ, બે મંદિર જેમાં કેદારનાથ મહાદેવનું મહત્ત્વ વધુ છે. ઑક્ટોબર-નવેમ્બર માસમાં યાત્રાળુઓ આ મંદિરની મુલાકાત લે છે.
વસ્તી (2011 મુજબ) આશરે 3,000 છે.
મહેશ મ. ત્રિવેદી
નીતિન કોઠારી