જેસુઇટ સંઘ : લોયોલાના સંત ઇગ્નાસ દ્વારા સ્થાપિત, ખ્રિસ્તી ધર્મના કૅથલિક યા સનાતની સંપ્રદાયમાં નવચેતન રેડવામાં મોટો ફાળો આપનાર ‘ઈસુ સંઘ’ નામના પાદરીઓનો સંઘ.
1540માં સ્થપાયેલ આ સંઘના સાધુઓ દુનિયાભરમાં શિક્ષણ, ધર્મ અને માનવસેવાનાં કાર્યો કરે છે. ખ્રિસ્તી ધર્મના સ્વીકૃત સંન્યાસી- જીવનરીતિની આ સંઘ કાયાપલટ કરે છે. ઈશ્વરના મહત્તર મહિમાર્થે ભેખ લેનાર આ કર્મયોગીઓએ ભેખસૂચક કંથા તથા સાધુને એના સંઘમાં જ જકડી રાખતાં વિધિવિધાનોનો ત્યાગ કર્યો. દેશ તેવો વેશ લઈ, ગાઢ લોકસંપર્ક સાધી તેઓ લોકસેવામાં લાગી જાય છે.
એક તરફ લાંબી અધ્યાત્મ-સાધના, અપરિગ્રહ, બ્રહ્મચર્ય ને આજ્ઞાપાલનનાં વ્રતો ને ઈશ્વરસેવા એમને ભક્તિયોગને માર્ગે લઈ જાય છે; તો બીજી તરફ બૌદ્ધિક વિકાસ, ગમે તે સેવાકાર્ય કરવાની તત્પરતા વગેરે એમને કર્મયોગ તરફ લઈ જાય છે.
કર્મયોગ ને ભક્તિયોગનો સુમેળ સાધનાર આ સંઘે આત્યંતિક પ્રત્યાઘાતો જન્માવ્યા છે. એ પ્રત્યાઘાતોને પરિણામે 1773માં ધર્માધિકારી વર્ગે સંઘની માન્યતા રદ કરી, તો એ જ ધર્માધિકારી વર્ગે 1814માં એની પુન:પ્રતિષ્ઠા કરી.
સંઘના બાલ્યકાળથી જ એનો નાતો ભારત સાથે રહ્યો છે. સંઘના સ્થાપક સાધુઓમાંના એક સંત ફ્રાન્સિસ ઝેવિયરે ભારતને પોતાની કર્મભૂમિ બનાવી હતી.
દુનિયાભરમાં 23,000 જેટલી સંખ્યા ધરાવતા આ સંઘના 3,000 જેટલા સાધુઓ ભારતમાં છે. ગુજરાતમાં સંઘના સાધુઓની સંખ્યા 300 જેટલી છે. ભારતમાં સેન્ટ ઝેવિયર્સ નામધારી સંસ્થાઓ – શાળાઓ, કૉલેજો, ક્લિનિકલ સંસ્થાઓ, સામાજિક-આર્થિક વિકાસલક્ષી સંસ્થાઓ તેમજ ધર્મસંસ્થાઓ – માં આ કર્મયોગી સાધુઓ પોતાની સેવાઓ આપે છે.
ફ્રાન્સિસ પરમાર