જેફર્સ, રૉબિનસન (જ. 10 જાન્યુઆરી 1887; અ. 20 જાન્યુઆરી 1962, કૅલિફૉર્નિયા) : અમેરિકન કવિ. વિદ્વાન અને ધર્મશાસ્ત્રવિદ અધ્યાપક પિતાને ત્યાં પેન્સિલ્વેનિયામાં પિટ્સબર્ગ ખાતે જન્મેલા કવિએ 5ની વયે ગ્રીક અને 15ની વયે પહોંચતાં તો અન્ય કેટલીક અર્વાચીન યુરોપીય ભાષાઓ બોલતાં શીખી લીધેલી. યુરોપમાં ખૂબ ઘૂમ્યા અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા જર્મનીમાં અભ્યાસ કર્યો. 18ની વયે અમેરિકાની ઑક્સિડેન્ટલ કૉલેજમાંથી સ્નાતક થયા પછી સધર્ન કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં 3 વર્ષ તબીબી વિજ્ઞાનનો, વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં એક વર્ષ વનસંવર્ધનવિદ્યા તથા પ્રાણીવિજ્ઞાનનો અને

રૉબિનસન જેફર્સ
પછીથી ઝૂરિકમાં કાયદાશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો. હજુ જીવનમાં કોઈ ચોક્કસ કારકિર્દીને સ્વીકારે તે પહેલાં જ એમને લાગ્યું કે પોતાનું ખરું વ્યક્તિત્વ તો કેવળ કવિતાલેખનમાં જ કોળી ઊઠશે. 1912માં એક પિતરાઈનો વારસો મળતાં થોડી આવક ઊભી થઈ અને 1913માં ઊના કૉલ કુસ્ટર સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1914ની પાનખરમાં પત્ની સાથે ઇંગ્લૅન્ડ જવા રવાના થયા ત્યાં વાટમાં જ પ્રથમ વિશ્વયુદ્ધના સમાચાર મળતાં પોતાના પ્રવાસની દિશા બદલી કૅલિફૉર્નિયાના ભવ્ય દ્વીપકલ્પ મૉન્ટરે પાસેના નાના ગામ કાર્મેલ તરફ વળ્યા. ત્યાંનો ગ્રામપરિસર, સુર નામક જગ્યા પાસેની અડદિયા પથ્થરની ભીષણ કરાડો, કાર્મેલના અખાતમાં ઊછળતા લોઢ, તરુવરોને પીંખી નાખતો સૂસવતો પવન – આ બધું એમને આકર્ષી ગયું અને કાયમ માટે ત્યાં જ વસવાનો નિર્ધાર કરી જાતમહેનતે પથ્થરનું મકાન તૈયાર કર્યું, જેમાં ‘હૉક્સ ટાવર’ નામે મિનારો પણ રચ્યો. એ મિનારાના એકાંતવાસમાં એમણે કવિતાની ગંભીર આરાધના કરી. એ પૂર્વે એમનો ‘ફ્લૅગન્સ ઍન્ડ ઍપલ્સ’ (1912) નામક પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકટ થઈ ચૂક્યો હતો. 1916માં એમનો બીજો કાવ્યસંગ્રહ ‘કૅલિફૉર્નિયન્સ’ પ્રકટ થયો. 1924માં ત્રીજો કાવ્યસંગ્રહ ‘તેમાર ઍન્ડ અધર પોઇમ્સ’ પ્રકટ થયા પછી એમનો સફળ કવિ તરીકે સ્વીકાર થયો. 1925માં ‘રોન સ્ટૅલ્યન, તેમાર ઍન્ડ અધર પૉઇમ્સ’, 1927માં ‘ધ વિમેન ઍટ પૉઇન્ટ સુર’, 1928માં ‘પોઇમ્સ’, ‘ઍન આર્ટિસ્ટ’ અને ‘કૉડર’ (જે પછીથી ‘કૉડર ઍન્ડ અધર પોઇમ્સ’ નામે), 1929માં ‘ડિયર જુડાસ ઍન્ડ અધર પોઇમ્સ’, 1932માં ‘થર્સોઝ લૅન્ડિંગ ઍન્ડ અધર પોઇમ્સ’ તથા 1933માં ‘ગિવ યૉર હાર્ટ ટુ ધ હૉક્સ ઍન્ડ અધર પોઇમ્સ’ સંગ્રહો પ્રકટ થયા છે.
એમની કવિતાનું મુખ્ય પ્રેરકબળ છે એ જ્યાં વસ્યા હતા ત્યાંની પ્રકૃતિ. આ બાહ્ય ભૌતિક પ્રકૃતિમાં જ એમને પ્રભુની સત્-તા અને સ્વ-રૂપનું દર્શન થાય છે. મનુષ્ય અને તેણે સર્જેલી સભ્યતા પ્રકૃતિના પ્રભુરૂપને લાગેલો લૂણો છે, એવું એમનું ર્દઢ માનવું છે. એમાં વળી બંને વિશ્વયુદ્ધોએ વેરેલા વિનાશથી એમની આ માન્યતા ર્દઢતર બને છે. પ્રકૃતિ અને મનુષ્યને એ સામસામે મૂકીને પોતાની કવિતામાં નિરૂપે છે. એમની કવિતામાં વેર, આતંક, ભય, માનવજીવનનું વૈતથ્ય આદિ ગંભીરતાથી આલેખાયાં છે. નિસર્ગના પક્ષકાર અને પ્રેમી આ કવિની કવિતાને આથી નિસર્ગવાદની મહોર લાગે છે. એમની રચનાઓમાં માનવજાતની અંધકારમય નિયતિનું નૈરાશ્યપૂર્ણ ગાન છે તો તેની પડછે પોતે જ્યાં વસ્યા છે તે પ્રદેશની નિસર્ગશ્રીનું નિરૂપણ આસાએશ આપે છે. એમણે પોતાની ઉક્ત માન્યતા પ્રકટ કરવા બે પ્રતીકો યોજ્યાં છે : એક સદા સહનશીલ આદ્ય ધરતી અને બીજું છે સદા સંહારક માનવઝનૂન સમું બાજપક્ષી. આ બે પ્રતીકોને સહારે જ એમની કવિતાને માણી શકાય તેમ છે. આ માટે, એમણે કવિતામાં મુક્ત આકારની હિમાયત કરી છે અને કાર્મેલના અખાતમાં ઊછળતા-પછડાતા લોઢનું ગહનગંભીર લયસંગીત એમની કૃતિઓની પ્રલંબ પંક્તિઓમાં સતત પડઘાયા કરે છે. એમની કારકિર્દીની આરંભની કાવ્યકૃતિ ‘રોન સ્ટૅલ્યન’માં આની પ્રતીતિ થાય છે. આમ, વીસમી સદીના પૂર્વાર્ધના એ નોંધપાત્ર અમેરિકન કવિ મનાયા છે.
ધીરુ પરીખ